ગૌતમ અદાણીને હિડનબર્ગ રિસર્ચ રિપોર્ટના વિવાદ બાદ ઘણા પ્રસ્તાવિત પ્રોજેક્ટને હસ્તગત કરવાની યોજના નાછુટક પડતી મૂકવાની ફરજ પડી છે, તાજેતરમાં અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસે ગુજરાત અને આંધ્રપ્રદેશમાં બે રોડ પ્રોજેક્ટ 3110 કરોડમાં ખરીદવાનો સોદો રદ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો કર્યો છે.
3110 કરોડનો સોદો રદ કર્યો
ગૌતમ અદાણી હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના વિવાદ બાદ હજી પણ સંકટનો સામનો કરી રહ્યા છે, તેના સ્પષ્ટ સંકેત તાજેતરમાં વધુ એક પ્રોજેક્ટ હસ્તગત કરવાના કરાર રદ કરવાના ઘટનાથી મળે છે. અદાણી એન્ટરપ્રાઇસ કંપનીએ સ્ટોક એક્સચેન્જે કરેલા એક ફાઇલિંગમાં જણાવ્યું કે, અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ જે તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે તેણે સ્વર્ણ ટોલવે પ્રાઇવેટ લિમિટેડ અને ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રા લિમિટેડની સાથે શેર પર્ચેઝ એગ્રીમેન્ટ રદ કરી દીધો છે. આ સંપૂર્ણ સોદો 3110 કરોડ રૂપિયાનો હતો.
ઓગસ્ટ 2022માં કરાર થયો હતો.
અદાણી ગ્રૂપની પૂર્ણમાલિકીની પેટા કંપની અદાણી રોડ ટ્રાન્સપોર્ટે ઓગસ્ટ 2023માં જાણકારી આપી હતી કે, તે ગુજરાત રોડ ઇન્ફ્રા કંપની લિમિટેડ (GRICL) અને સ્વર્ણ ટોલવે પ્રાઇવેટ લિમિટેડ (STPL)ને હસ્તગત કરશે.
આ પ્રોજેક્ટમાં મેક્વેરી હિસ્સેદાર
નોંધનિય છે કે, GRICLમાં મેક્વેરી એશિયા ઇન્ફ્રા ફંડનો 56.8 ટકા હિસ્સો છે. તો IL&FSનો 26.8 ટકા અને બાકીનો હિસ્સો ગુજરાત સરકારનો છે.
સોદો કેમ રદ કર્યો
અદાણી એન્ટરપ્રાઇસે શેર બજારને કરેલા એક ફાઇલિંગમાં જણાવ્યું કે, 4 ઓગસ્ટ 2022ના રોજ શેર પર્ચેઝ એગ્રીમેન્ટ અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ, એમએઆઇએફ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા પીટીઇ લિમિટેડ અને એમએઆઇએફ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા 3 પીટીઇ લિમિટેડની વચ્ચે થયા, જેમાં સ્વર્ણ ટોલવે પ્રાઇવેટ લિમિટેડમાં 100 ટકા હિસ્સો અને ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રા કંપની લિમિટેડમાં 56.8 ટકા હિસ્સો ખરીદવાનો પ્રસ્તાવ હતો. જો કે સામા પક્ષ તરફથી નિર્ધારિત સમયમર્યાદામાં શરતો પૂરી કરવાની સ્થિતિ સંતોષજનક ન હોવાથી આ કરાર રદ કરવામાં આવે છે.
STPL પાસે આંધ્રપ્રદેશમાં બે ટોલ રોડ છે જે નેશનલ હાઇવ 16 અને નેશનલ હાઇવે 65 પર આવેલા છે. તો GRICLની પાસે ગુજરાતમાં બે ટોલ રોડ છે, જે સ્ટેટ હાઇવે 41 અને સ્ટેટ હાઇવે 87 પર આવેલા છે.
આ પણ વાંચોઃ ગૌતમ અદાણીને નાણાંની જરૂરી, અદાણી ગ્રૂપની 3 કંપનીનો હિસ્સો વેચી 3.5 અબજ ડોલર ઉભા કરશે
20000 કરોડનો FPO રદ કર્યા બાદ હવે 21000 કરોડ ઉભા કરવાની યોજના
નોંધનિય છે, હિડનબર્ગ વિવાદ બાદ અદાણી ગ્રૂપ દેવું ઘટાડવા અને રોકાણકારોનો વિશ્વાસ હાંસલ કરવાનો પ્રયત્ન કરી રહી છે. ફેબ્રુઆરીમાં 21,000 કરોડનો ફોલો-ઓન પબ્લિક (FPO) રદ કર્યા બાદ ગત મહિને ઇક્વિટી શેર સેલ મારફતે 21000 કરોડ રૂપિયા ઉભા કરવાની યોજનાની ઘોષણા કરી હતી.