RBI on Loan EMI: રેપો રેટમાં વધારા સાથે લોન મોંઘી થવાની ચિંતા હળવી થશે, રિઝર્વ બેંક લોનધારકોને રાહત આપવા નવા નિયમો લાવશે

RBI on Home Loan: તાજેતરની મોનેટરિંગ પોલિસીમાં રિઝર્વ બેંકે લોનધારકોના હિતોના રક્ષણ માટે લોનના વ્યાજ દર અને EMIના સમયગાળા અંગે વધુ પારદર્શિતા લાવવાની વાત જણાવી છે.

Written by Ajay Saroya
Updated : August 11, 2023 19:03 IST
RBI on Loan EMI: રેપો રેટમાં વધારા સાથે લોન મોંઘી થવાની ચિંતા હળવી થશે, રિઝર્વ બેંક લોનધારકોને રાહત આપવા નવા નિયમો લાવશે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ- ફાઇલ તસવીર

RBI on Repo Rate and Home Loan: રિઝર્વ બેંક (આરબીઆઇ) એ લોન ધારકોને રાહત આપવા રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો કે, મધ્યસ્થ બેન્કે ખાદ્ચીજોની મોંઘવારીના કારણે વધી રહેલા ફુગાવા મામલે કડક પગલા લેવાના પણ સંકેત આપ્યા હતા. રેપો રેટમાં કોઈ ફેરફારનો અર્થ એ છે કે હાલમાં ઘર, ઓટો અને અન્ય લોનના માસિક હપ્તા (EMI)માં કોઈ ફેરફાર થશે નહીં. એટલું જ નહીં, ધિરાણ નીતિની સમીક્ષામાં રિઝર્વ બેંકે ગ્રાહકોના હિતોના રક્ષણના હેતુથી લોનના વ્યાજ દર અને EMIના સમયગાળા અંગે વધુ પારદર્શિતા લાવવાની પહેલ કરી છે. અલગ-અલગ બેંકો સાથેની વાતચીતના આધારે કેન્દ્રીય બેંક ટૂંક સમયમાં EMI સંબંધિત માર્ગદર્શિકા લાવી શકે છે.

લોન EMI અંગે શું પ્રસ્તાવ છે

રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, જો જરૂરી ન હોય તો લોનની મુદ્દત લંબાવવાથી બચવું જોઇએ. તેમણે કહ્યું કે લોન ચુકવણીની મુદત લંબાવવાની બાબત અલગ-અલગ લોકો માટે અલગ-અલગ હોઈ શકે છે. બેંકોએ આવા મામલાઓ પર નજર રાખવાની જરૂર છે. બેંક બોર્ડે વ્યક્તિની ક્ષમતાને ધ્યાનમાં રાખીને લોનની મુદત નક્કી કરવાની જરૂર છે. આરબીઆઈ ટૂંક સમયમાં આ અંગે વિગતવાર માર્ગદર્શિકા જારી કરશે.

લોનના વિવિધ ચાર્જ અંગે સ્પષ્ટ માહિતી આપવી પડશે

આ અંતર્ગત બેંકોએ તેમના ગ્રાહકોને લોનની અવધિ અને EMI વિશે સ્પષ્ટ માહિતી આપવી પડશે. ફ્લોટિંગથી ફિક્સ્ડ વ્યાજ દરમાં પસંદગીનો વિકલ્પ આપવા અથવા લોનને પ્રી-ક્લોઝ કરવાનો વિકલ્પ આપવાની સાથે, વસૂલાતા ચાર્જિસ વિશેની માહિતી પણ સ્પષ્ટપણે આપવાની રહેશે.

શું બેંકોની લોન આપવાની ક્ષમતા પર અસર થશે?

આરબીઆઈની ધિરાણ નીતિ અંગે બેંકોએ કહ્યું કે, 10 ટકા ઇન્ક્રીમેન્ટલ કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) લાગુ કરવાથી બેંકોની ધિરાણ ક્ષમતાને અસર થશે નહીં. બેંકોના વરિષ્ઠ અધિકારીઓએ પોલિસીને સૂક્ષ્મ અર્થવાળી ગણાવી હતી અને કહ્યું હતું કે પોલિસી રેટ પર યથાસ્થિતિ અપેક્ષા મુજબ છે. બેંકિંગ ઉદ્યોગના સંગઠન ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA)ના અધ્યક્ષ એકે ગોયલે કહ્યું કે રોકડના આ કામચલાઉ બંધ પછી પણ અર્થવ્યવસ્થાની જરૂરિયાતોને પહોંચી વળવા સિસ્ટમમાં પૂરતી રોકડ હશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન દિનેશ ખારાએ સીઆરઆર પર લીધેલા નિર્ણયનો સીધો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ ધિરાણ નીતિની ઘોષણાને “ખૂબ જ અપેક્ષિત” અને કાળજીપૂર્વક તૈયાર કરાયેલા દસ્તાવેજ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે શાકભાજીના ભાવમાં વર્તમાન વધારાને જોતા મોંઘવારી પર યોગ્ય સાવધાની રાખવામાં આવી છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કના ઝરીન દારૂવાલાએ જણાવ્યું હતું કે CRR પરનો નિર્ણય આશ્ચર્યજનક છે અને તહેવારોની સિઝન પહેલા ટૂંકા ગાળાના દરો પર દબાણ લાવશે.

આ પણ વાંચો | UPI યુઝર્સ માટે ખુશખબર, હવે પીન વગર ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે – RBIનો મહત્વપૂર્ણ નિર્ણય

શું RBI વર્ષ 2023માં વ્યાજદર ઘટાડશે

ઇન્ડસ્ટ્રી બોડી એસોચેમના સેક્રેટરી જનરલ દીપક સૂદે જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થવ્યવસ્થાથી સર્જાયેલા પડકારો હોવા છતાં, રિઝર્વ બેંકની ધિરાણનીતિ સમિતિ પાસે 6.5 ટકા જીડીપી વૃદ્ધિ, ઉત્પાદનમાં ક્ષમતા વપરાશમાં વધારો અને ચાવીરૂપ ક્ષેત્રોમાં ખાનગી રોકાણ જેવા ઘણા હકારાત્મક પાસાઓ પણ હતા. ઇન્ડસ્ટ્રી બોડી FICCIના પ્રમુખ શુભ્ર કાંત પાંડાએ જણાવ્યું હતું કે MPCએ પોલિસી રેટ પર યથાસ્થિતિ જાળવી રાખીને સંતુલિત અભિગમ અપનાવ્યો છે, જે ફુગાવાને લક્ષ્યાંકિત કરતી વખતે વૃદ્ધિને ટેકો આપશે. બેન્ક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે જણાવ્યું હતું કે આરબીઆઈએ આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, જે અપેક્ષા મુજબ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ