Junior Clerk And Talati Exam Final Selection list Announced : ગુજરાત સરકારના પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા યોજાયેલી જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાનું ફાઈનલ સિલેકટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. GPSSBના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરી જુનિયર ક્લાર્ક અને તલાટીના ફાઈનલ સિલેકટ લિસ્ટ જાહેર કરાયાની જાણકારી આપી છે. નોંધનીય છે કે રાજ્યમાં 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્ક અને 7 મેના રોજ તલાટીની પરીક્ષા યોજાઇ હતી.
GPSSBના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું કે તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે અને જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટેનું ફાઈનલ સિલેકટ લિસ્ટ આજરોજ મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
8.64 લાખથી વધારે ઉમેદવારોએ તલાટીની પરીક્ષા આપી
મે મહિનામાં તલાટીની પરીક્ષા પણ યોજાઇ હતી. 7 મે, 2023ના રોજ બપોરે 12.30થી 1.30 દરમિયાન તલાટીની પરીક્ષા યોજાઇ હતી. તે દિવસ ગુજરાતભરના 2697 પરીક્ષા કેન્દ્રોના 28,814 વર્ગખંડમાં 8.64 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
આ પણ વાંચો – ડેપ્યુટી સેક્શન ઓફિસર અન નાયબ મામલતદાર પરિણામ, આવી રીતે ચેક કરો રિઝલ્ટ
નોંધનીય છે કે જુનિયર ક્લાર્કની પરીક્ષા સૌથી પહેલા 29 જાન્યુઆરી, 2023ના રોજ યોજવાની હતી જો કે પેપર લીક થતા તે દિવસે પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી. આ પછી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 9 એપ્રિલના રોજ 1181 જગ્યા માટે જુનિયર ક્લાર્કની પરીક્ષા બપોરે 12.30 કલાકથી 1.30 કલાક દરમિયાન યોજવામાં આવી હતી. ત્યારે ગુજરાતભરમાં 32 જિલ્લાના 3 હજાર પરીક્ષા કેન્દ્રો 7.28 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.