Dalit man attack in gujarat : એક 21 વર્ષીય દલિત વ્યક્તિ અને તેના પરિવારના સભ્યો પર મંગળવારે ઉચ્ચ જાતિના ક્ષત્રિય સમુદાયના સભ્યો દ્વારા કથિત રીતે સનગ્લાસ અને સારા કપડાં પહેરવા બદલ હુમલો કરવામાં આવ્યો હતો. બનાસકાંઠાના ગઢ પોલીસ સ્ટેશને બુધવારે સાત આરોપીઓ સામે એફઆઈઆર નોંધી હતી.
ઘટના પાલનપુરના મોતા ગામની છે. જીગરભાઈ કનુભાઈ શેખલિયા નામના દલિત વ્યક્તિએ નોંધાવેલી પોલીસ ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
આરોપીઓની ઓળખ ધુરસિહ ચેહરસિહ રાજપૂત, ભરતસિંહ ખુમાનસિંહ રાજપૂત, સુરેશસિંહ રણજીતસિંહ રાજપૂત, જયદીપસિંહ ચમનસિંહ રાજપૂત, ભગવાનસિંહ લક્ષ્મણસિંહ રાજપૂત, જગતસિંહ લક્ષ્મણસિંહ રાજપૂત અને પ્રદીપસિંહ ધૂરસિંગ રાજપૂત તરીકે થઈ છે.
એફઆઈઆર મુજબ મંગળવારે સવારે જીગરભાઈ તેમના ભાઈ ભૂપતભાઈ સાથે ઘરની બહાર બેઠા હતા ત્યારે ધૂરસિંહે તેમની સાથે જાતિવાચક ટીપ્પણી કરીને અપશબ્દો બોલ્યા હતા. ધૂરસિંહે જિગરભાઈને “ખૂબ ઊંચે ઉડવા લાગ્યો છે” તેમ કહી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ભૂપતભાઈએ બંને પક્ષોને સમજાવ્યા બાદ જીગરભાઈ કામે લાગી જાય છે. એફઆઈઆર મુજબ, દિવસના અંતે, ભરતસિંહ, સુરેશસિંહ, જયદીપસિંહ, ભગવાનસિંહ, જગતસિંહ અને પ્રદીપસિંહ જીગરભાઈ જ્યારે કામ પરથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેમની પાસે આવ્યા અને લાકડીઓ વડે હુમલો કર્યો.
તે સમયે જીગરભાઈ સાથે રહેલા મિત્રે ભૂપતભાઈને ફોન કર્યો હતો. એફઆઈઆરમાં જણાવાયું છે કે, ત્યારપછી ભૂપતભાઈ અને તેની માતા સીતાબેન જીગરભાઈને બચાવવા આવતાં જ આરોપીઓએ તેમના પર પણ હુમલો કર્યો હતો. સીતાબેનનું બ્લાઉઝ કથિત રીતે ફાટી ગયું હતું.
એફઆઈઆરમાં જણાવાયું છે કે, જિગરભાઈના વધુ સંબંધીઓ ઘટનાસ્થળે પહોંચ્યા કે તરત જ આરોપી ભાગી ગયા. જીગરભાઈ અને તેની માતાને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
આ પણ વાંચો – ‘બાબા’ઓની ક્રાઈમ ‘કુંડળી’: આસારામ, રામ રહીમ, નિત્યાનંદ સહિત આ ‘બાબા’ઓ ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા
એફઆઈઆર મુજબ, આરોપીઓએ જીગરભાઈને કહ્યું હતું કે, તેમને તેમના કપડાં અને સનગ્લાસ પસંદ નથી, જેના કારણે આખરે હુમલો થયો.
ગઢ પોલીસ ઈન્સ્પેક્ટર એસબી રાજગોરે જણાવ્યું હતું કે, હજુ સુધી સાત આરોપીઓમાંથી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. કલમ 143, 149 (ગેરકાયદેસર ભેગા થવું), 147, 148 (ધમાલ મચાવવી), 354 (મહિલાનું અપમાન), 323 (જાણી જોઈ ઇજા પહોંચાડવી), 294 (બી) (અશ્લીલ ગાલો બોલવી) અને 506 (2) હેઠળ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.





