Chandrayaan 3 Launch: ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લોન્ચ, ખરી પરીક્ષા એક મહિના બાદ જ્યાં ચંદ્રયાન 2 થયું હતું નિષ્ફળ

ચંદ્રયાન 3 સફળતાપૂર્વક પ્રસ્થાપિત કરી ઈસરોએ વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે. ચંદ્રયાન નિર્ધારિત ગતિ અને દિશામાં ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. સફળ લોન્ચિંગ બાદ હવે ખરી પરીક્ષા એક મહિના બાદ લેન્ડિંગ વખતે છે.

Written by Haresh Suthar
Updated : July 20, 2023 12:52 IST
Chandrayaan 3 Launch: ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લોન્ચ, ખરી પરીક્ષા એક મહિના બાદ જ્યાં ચંદ્રયાન 2 થયું હતું નિષ્ફળ
આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી ઈસરોના હેવીલિફ્ટ લોન્ચ વ્હિકલ એલવીએમ 3 દ્વારા ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવ્યું હતું

Chandrayaan 3: ચંદ્રયાન 3 સફળ ઉડાન ભરી ચૂક્યું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી ભારતના મૂન મિશને સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે. સતીશ ધવન સ્પેશ સેન્ટર ખાતેથી લોન્ચ થયલ ચંદ્રયાન અંદાજે 23 કે 24 ઓગસ્ટ વચ્ચે ચંદ્ર પર પોતાનું સોફ્ટ લેન્ડિંગ કરશે. પરંતુ ખરી પરીક્ષા એ વખતે થશે. ભારતનું ચંદ્રયાન 2 આ સ્થિતિમાં જ નિષ્ફળ રહ્યું હતું. ચંદ્રયાન 2 ચંદ્ર પર પહોંચ્યા બાદ સફળતાપૂર્વક લેન્ડિંગ કરી શક્યું ન હતું.

ચંદ્રયાન 2 ચંદ્રથી 400 મીટ દૂર સપનું તૂટ્યું

ચંદ્રયાન 2 સફળતાપૂર્વક લોન્ચ કરાયું હતું. જોકે સફળ લેન્ડિંગ કરવામાં ક્યાંક ચૂક થઇ હતી. ઇસરોનો ઉદ્દેશ હતો કે ચંદ્રયાન 2 સ્પેસક્રાફ્ટને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં આવે પરંતુ ચંદ્રની ધરતી પર લેન્ડરનું હાર્ડ લેન્ડિંગ થયું અને ક્રેશ થયું. ભારતનું વિક્રમ લેન્ડર ચંદ્રથી માંડ 400 મીટર જેટલું જ દૂર હતું અને સંપર્ક તૂટી ગયો. લેન્ડિંગ માટે ગતિ ઘટાડવાની જરૂર હતી પરંતું સંપર્ક તૂટી જતાં એ કરી ન શકાયું અને જાણે સપનું તૂટી ગયું.

વિક્રમ લેન્ડર ક્રેશ થતાં મિશન થયું ફેલ

જાણકારોના અનુસાર વિક્રમ લેન્ડરને લેન્ડિંગ દરમિયાન 55 ડિગ્રી પર રહેવાનું હતું પરંતુ તે વધુ ઝુકી ગયું અને ચંદ્રની ભ્રમણ કક્ષામાં સ્થાપિત થતા પહેલા જ તે સંપર્ક વિહોણું થઇ ગયું. જો એ વખતે બધુ સફળ રહ્યું હોત તો ચંદ્રયાન 2 ની સફળતા સાથે ભારત આવું કરનાર ચોથો દેશ બન્યો હતો. અત્યાર સુધી ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરવામાં અમેરિકા, ચીન અને રશિયાને જ સફળતા મળી છે.

ચંદ્રયાન 3 ભૂલોથી શીખ્યા

ચંદ્રયાન 2 વખતે થયેલી ભૂલો સુધારવામાં આવી છે અને એ પરથી શીખ લેવાઇ છે. ચંદ્રયાન 3 મિશન મુન માટે ઘણા સુધારા કરવામાં આવ્યા છે. આ વખતે લેન્ડિંગ માટે 500×500 મીટરની નાની જગ્યાને બદલે 4.3×2.5 કિલોમીટર જેટલી મોટી જગ્યાને ટારગેટ કરાશે. એનો અર્થ થયો કે આ વખતે લેન્ડરને લેન્ડિંગ માટે વધુ જગ્યા મળશે અને તે સરળતાથી સોફ્ટ લેન્ડિંગ કરી શકશે.

આ વખતે ઈંધણની ક્ષમતા પણ વધારવામાં આવી છે. જેથી જો લેન્ડિંગ વખતે કોઇ મુશ્કેલી થાય તો એને અન્ય લેન્ડિંગ સ્થળ સુધી સરળતાથી લઇ જઇ શકાશે. ચંદ્રયાન 2 ની જેમ આ વખતે ચંદ્રયાન 3 પણ સ્વદેશી રોવર લઇ જશે. ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ બાદ રોવર ચંદ્ર પરના રસાયણ અને તત્વોનું અધ્યયન કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ