Lok Sabha Election 2024 : એનડીએની મંગળવારે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં 38 દળોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. થોડા મહિનાઓ પછી દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આટલી મોટી સંખ્યામાં દળો સાથે ગઠબંધન મોદી સરકાર માટે લોકસભા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન સીટોની વહેંચણી કરવી આસાન રહેશે નહીં. દરેક દળની પોતાની માંગણી અને આકાંક્ષાઓ છે. તેને પુરી કરવા માટે ઘણા પ્રકારના ત્યાગ કરવા પડશે. જેના પર સહમતિ બનાવવી નેતૃત્વ માટે ઘણી મુશ્કેલ છે. જે સમયે એનડીએની રચના થઇ હતી ત્યારે ફક્ત 24 પાર્ટીઓ હતી. હવે આ વધીને 38 થઇ ગઇ છે.
ગત લોકસભા ચૂંટણીમાં બિહારમાં નીતિશ કુમારની પાર્ટી એનડીએના સહયોગી તરીકે મેદાનમાં ઉતરી હતી. જોકે આ વખતે તે ઇન્ડિયા ગઠબંધન સાથે છે. સ્વ. રામવિલાસ પાસવાનની એલજેપી પણ એનડીએમાં છે, પરંતુ હવે તે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. એક જૂથનું નેતૃત્વ તેમના ભાઈ પશુપતિ પારસ કરે છે અને બીજા જૂથનું નેતૃત્વ તેમના પુત્ર ચિરાગ પાસવાન કરે છે. ભાજપ આ બંને જૂથોને સાથે રાખવા માગે છે, જોકે બંને જૂથ એક સાથે આવવા સંમત થાય તેમ લાગતું નથી.
આ પણ વાંચો – જો વિપક્ષ એક થઈ જાય તો પણ આ 3 મોટા સવાલ પરેશાન કરશે? જવાબ શોધવા મુશ્કેલ
અન્ય પક્ષોની પણ આવી જ સ્થિતિ છે. બિહારમાં લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) અને હિન્દુસ્તાન અવામ મોર્ચા (એચએએમ) છે. જ્યારે મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવસેના (એકનાથ શિંદે જૂથ) અને તાજેતરમાં અલગ પડેલા શરદ પવાર અને અજિત પવારની એનસીપી છે. ચૂંટણી દરમિયાન જ્યારે બેઠકોની વહેંચણી થશે ત્યારે તમામ પક્ષો સન્માનજનક સંખ્યામાં બેઠકોની માગણી કરશે. ભાજપ માટે બધાને ખુશ રાખવા ખૂબ જ મુશ્કેલ હશે.
ઉત્તર પ્રદેશમાં ભાજપના જૂના સાથી અપના દલ સાથે નિષાદ પાર્ટી અને થોડા દિવસો પહેલા સાથે આવેલી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (એસબીએસપી)ને પણ સંતુષ્ટ કરવી મુશ્કેલ હશે. જોકે જે વિસ્તારોમાં આ પક્ષોનો પ્રભાવ છે, ત્યાં ભાજપ નબળું છે. આવી સ્થિતિમાં ભાજપ તેમને તે વિસ્તારોમાં સીટો આપશે પરંતુ તેમની માંગ લોકસભા સાથે રાજ્યસભા માટે પણ રહે છે.
તમિલનાડુ, આસામ, હરિયાણા અને ઝારખંડ જેવા રાજ્યોમાં પણ ગઠબંધન વચ્ચે ટકરાવની સ્થિતિ જોવા મળી શકે છે. વિરોધ પક્ષોનું ગઠબંધન ઇન્ડિયા પણ મોદી સરકારને ટક્કર આપવા મેદાને આવ્યું છે. આ વખતે વિપક્ષ ગત વખત કરતા મોદી સરકાર સાથે વધુ સંગઠિત રીતે હાથ મિલાવવાના મુડમાં છે.





