Sana Khan Murder Case : નાગપુર શહેરમાં ભારતીય જનતા પાર્ટીની સક્રિય નેતા સના ખાનની હત્યા કરી દેવામાં આવી છે. સના હત્યાકાંડના મુખ્ય આરોપી અમિત સાહુના નોકર જિતેન્દ્ર ગૌડની ધરપકડ કરવામાં આવી છે. તેણે સનાની હત્યા કરી લાશ હિરન નદીમાં ફેંકવાની વાત કબુલ કરી લીધી છે. આ મામલાની આગળની તપાસ જબલપુર પોલીસ કરી રહી છે. લોકસત્તાના રિપોર્ટ પ્રમાણે બીજેપી નેતા સના ખાન એક ઓગસ્ટના રોજ જબલપુરમાં પોતાના મિત્ર અમિત ઉર્ફે પપ્પુ સાહુને મળવા ગઇ હતી. તે તેનો બિઝનેસ પાર્ટનર પણ હતો. તે અમિતના ઘરે રોકાઇ હતી. ત્યાં અમિતનો ઢાબો પણ છે. બંને વચ્ચે મધુર સંબંધો હતા.
પોલીસમાં કામ કરતી અમિત સાહુની પત્નીને શંકા ગઇ હતી. બીજી તરફ સના ખાનની માતાનું કહેવું છે કે બંનેએ પરિવારના સભ્યોને જણાવ્યા વગર જ ગુપચુપ રીતે કોર્ટમાં લગ્ન કરી લીધા હતા.
સના ખાન 2 ઓગસ્ટથી ગુમ હતી
સના ખાન 2 ઓગસ્ટની બપોરથી ગુમ હતી. આથી તેની માતાએ મનકાપુર પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. મનકાપુર પોલીસની ટીમ તપાસ માટે જબલપુર જતા જ અમિત સાહુ ફરાર થઇ ગયો હતો. તેણે ઢાબાને તાળું મારી દીધું હતું. નોકરો પણ ત્યાંથી ભાગી ગયા હતા. આખરે પોલીસે અમિતના નોકર જિતેન્દ્ર ગૌડની ધરપકડ કરી હતી. તેણે લોહીથી ખરડાયેલી કારની ડિક્કી સાફ કરવાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો – નશામાં ધૂત ગોવાના DIG એ પબમાં મહિલા સાથે કર્યો દુર્વ્યવહાર, તો પડી થપ્પડ, વીડિયો વાયરલ
હજુ સુધી લાશ મળી નથી
તેણે એમ પણ કહ્યું હતું કે હત્યા બાદ સનાના મૃતદેહને હિરણ નદીમાં ફેંકી દેવામાં આવી હતી. સના ખાનની હત્યાનો કેસ જબલપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે અને આરોપી જીતેન્દ્રને ગોરાબજાર-જબલપુર પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં થાનેદાર શુભાંગી વાનખેડેએ જણાવ્યું કે જ્યાં સુધી સનાનો મૃતદેહ ન મળે ત્યાં સુધી તેની હત્યા થઇ હોવાનું કહી શકાય નહીં. પરંતુ નોકરે આપેલી માહિતી પરથી સ્પષ્ટ થઇ ગયું છે કે સનાની હત્યા થઇ છે. હાલ આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.