મહારાષ્ટ્રની રાજનીતિમાં શિંદે 2.0 બનશે અજિત પવાર? એનસીપીના નામ અને નિશાન પર શરદ પવારને સીધો પડકાર

ajit pawar news : અજિત પવારે મીડિયાને સંબોધિત કરતા કહ્યું - અમારા મોટાભાગના ધારાસભ્યો અમારા નિર્ણયથી સંતુષ્ટ છે. અમે એનસીપી પાર્ટી સાથે આ સરકારને ટેકો આપ્યો છે. અમે તમામ ચૂંટણી એનસીપીના નામે લડીશું

Written by Ashish Goyal
Updated : July 02, 2023 17:56 IST
મહારાષ્ટ્રની રાજનીતિમાં શિંદે 2.0 બનશે અજિત પવાર? એનસીપીના નામ અને નિશાન પર શરદ પવારને સીધો પડકાર
અજિત પવારે મહારાષ્ટ્ર રાજ્યના બીજા ડેપ્યુટી સીએમ તરીકે શપથગ્રહણ કર્યા (તસવીર - અજિત પવાર ટ્વિટર)

maharashtra politics : મહારાષ્ટ્રના રાજકારણમાં રવિવારે એક મોટો નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો હતો. અજિત પવારને રાજ્યના બીજા ડેપ્યુટી સીએમ તરીકે શપથગ્રહણ કર્યા છે. જે બાદ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવાર શિંદે 2.0 બનશે? કારણ કે અજિત પવારે શરદ પવારને એનસીપીના નામ અને નિશાન પર સીધો પડકાર આપ્યો છે. તેમણે એનસીપીના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડવાનો દાવો કર્યો છે.

નવનિયુક્ત ઉપમુખ્યમંત્રી અજીત પવારે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે આજે અમે મહારાષ્ટ્ર સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે અને મંત્રી તરીકે શપથ લીધા છે. પોર્ટફોલિયો અંગે પછી ચર્ચા કરવામાં આવશે. અમે રાષ્ટ્રીય સ્તરે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. અમે એનસીપીના લગભગ તમામ ધારાસભ્યો સાથે શિંદે-ફડણવીસ સરકાર સાથે જોડાવાનું નક્કી કર્યું. અમે આજે શપથ લીધા અને આગામી વિસ્તરણમાં કેટલાક અન્ય મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે.

અમે તમામ ચૂંટણી એનસીપીના નામે લડીશું – અજિત પવાર

મહારાષ્ટ્રના નવા ડેપ્યુટી સીએમએ કહ્યું કે ઘણા લોકો અમારી ટીકા કરશે પરંતુ અમે તેને મહત્વ આપતા નથી. અમે મહારાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરતા રહીશું. તેથી જ અમે આ નિર્ણય લીધો છે. અમારા મોટાભાગના ધારાસભ્યો અમારા નિર્ણયથી સંતુષ્ટ છે. અમે એનસીપી પાર્ટી સાથે આ સરકારને ટેકો આપ્યો છે. અમે તમામ ચૂંટણી એનસીપીના નામે લડીશું. તેમણે કહ્યું કે કેટલાક ધારાસભ્યોનો હાલ સંપર્ક કરવામાં આવી રહ્યો નથી કારણ કે તેઓ દેશની બહાર છે પરંતુ મેં તે બધા સાથે વાત કરી છે અને તેઓ અમારા નિર્ણય સાથે સંમત છે.

આ પણ વાંચો – શરદ પવાર આ મોટા સંકેત ચૂકી ગયા અને ભત્રીજા અજિત પવારે કરી નાખી મોટી ગેમ!

મહારાષ્ટ્રને ટૂંક સમયમાં નવા સીએમ મળશે: સંજય રાઉત

એનસીપી નેતા અજીત પવાર દ્વારા મહારાષ્ટ્રના બીજા ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લેવા પર સંજય રાઉતે કહ્યુ કે આ સમગ્ર ઘટનાક્રમ ચાલી રહ્યો છે. અમે પહેલેથી જ જાણતા હતા. મેં આ પહેલાં પણ કહ્યું છે કે તે થઈ શકે છે. એકનાથ શિંદે પર લટકતી ગેરલાયકાતની તલવાર ટૂંક સમયમાં જ પડવાની છે. તેમની સાથે આવેલા 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે. થોડા જ દિવસોમાં મહારાષ્ટ્રને અન્ય મુખ્યમંત્રી મળી જશે.

અજિત પવારે 2019માં પણ બળવો કર્યો હતો

મહારાષ્ટ્રમાં થયેલા આ મોટા રાજકીય ઘટનાક્રમ બાદ અનેક સવાલો ઊભા થવા લાગ્યા છે. આ સવાલ એટલા માટે પણ ઉઠી રહ્યો છે કારણ કે અજિત પવારે ભૂતકાળમાં આવો બળવો કર્યો હતો. 2019માં જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી થઈ તો કોઈ પણ પાર્ટીને પૂર્ણ બહુમત મળ્યો ન હતો. સવારે સમાચાર આવ્યા કે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે અને આ સરકાર બનાવવા માટે તેમણે એનસીપી સામે બળવો કરનારા અજિત પવારનું સમર્થન લીધું છે. જેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા.

અજિત પવાર તે સમયે બે દિવસ સુધી ડેપ્યુટી સીએમ હતા. આ પછી એનસીપી નેતા અજિત પવારે ફડણવીસ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું હતું. જેના કારણે ફડણવીસ સરકાર પડી ભાંગી હતી. આવી સ્થિતિમાં સવાલ એ પણ ઉઠી રહ્યો છે અજીત પવાર પહેલાની જેમ પોતાના નિર્ણય પલટી ના જાય.

મહારાષ્ટ્રની રાજનીતિમાં શિંદે 2.0 બનશે અજિત પવાર?

જૂન 2022માં પણ આવી એક ઘટના બની હતી. જ્યારે ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથ વચ્ચે રાજકીય ઘમાસાણ શરૂ થયું હતું. જ્યારે એકનાથ શિંદેએ કેટલાક ધારાસભ્યો સાથે મળીને ઉદ્ધવ જૂથ સામે બળવો કર્યો હતો. આ પછી શિવસેના નેતા પણ ગુવાહાટીની એક હોટલમાં થોડા દિવસ રોકાયા હતા. આ પછી તેઓ પરત ફર્યા હતા અને ભાજપ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. ભાજપના સમર્થનથી શિંદેએ મહારાષ્ટ્રમાં પોતાના સમર્થક ધારાસભ્યો સાથે સરકાર બનાવી અને દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ બન્યા. શિવસેનાના આ સમગ્ર ઘટનાક્રમને જોતા સવાલ ઉઠી રહ્યો છે કે શું અજિત પવારને એકનાથ શિંદેની ભૂમિકામાં જોવા મળશે. એકનાથ શિંદેની જેમ પાર્ટી અને સિમ્બોલ પણ કબજો કરી શકશે તે એક સવાલ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ