Rahul Gandhi press conference : ભારે હોબાળા વચ્ચે સંસદનું ચોમાસુ સત્ર સમાપ્ત થયું છે. જે બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સમાં અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા. તેમણે કહ્યું કે પીએમ મણિપુર પર માત્ર બે મિનિટ માટે જ બોલ્યા હતા. સંસદનું સભ્યપદ પાછું મળ્યા બાદ રાહુલ ગાંધીની આ પહેલી પ્રેસ કોન્ફરન્સ છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે 19 વર્ષના અનુભવમાં મેં મણિપુરમાં જોયું, સાંભળ્યું તેવું પહેલા ક્યારેય જોયું નથી. મેં સંસદમાં કહ્યું હતું કે પીએમ અને ગૃહમંત્રીએ ભારત માતાની હત્યા કરી, મણિપુરમાં ભારતને ખતમ કરી દીધું છે. આ કંઈ ખાલી શબ્દો નથી. મણિપુરમાં જ્યારે અમે મૈતેઈ વિસ્તારની મુલાકાત લીધી હતી ત્યારે અમને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે જો અમારી સુરક્ષા ટુકડીમાં કોઈ કૂકી છે, તો તેમને અહીં લાવવા જોઈએ નહીં કારણ કે તેઓ તે વ્યક્તિને મારી નાખશે. જ્યારે અમે કુકી વિસ્તારમાં ગયા ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે જો અમે કોઈ પણ મૈતેઈ વ્યક્તિને લાવીશું, તો તેઓ તેને ગોળી મારી દેશે. આ એક રાજ્ય નથી, બે રાજ્ય છે. રાજ્યની હત્યા થઇ ગઇ અને તેનું મનોબળ વધારવામાં આવ્યું છે.
આ પણ વાંચો – પીએમ મોદીએ સદનમાં કરી ભવિષ્યવાણી, કહ્યું – 2028માં વિપક્ષ ફરી લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ
મણિપુર સળગી રહ્યું છે પરંતુ પીએમ હસી રહ્યા છે: રાહુલ ગાંધી
રાહુલે કહ્યું કે ભારતીય સેના આ ડ્રામાને 2 દિવસમાં રોકી શકે છે પરંતુ પીએમ મણિપુરને સળગાવવા માંગે છે અને આગ બુઝાવવા માંગતા નથી. મણિપુર હિંસા પર પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે કાલે પીએમ મોદીએ સંસદમાં લગભગ 2 કલાક 13 મિનિટ સુધી બોલ્યા. અંતમાં તેમણે મણિપુર પર 2 મિનિટ સુધી વાત કરી હતી. મણિપુર મહિનાઓથી સળગી રહ્યું છે, લોકોની હત્યા કરવામાં આવી રહી છે, બળાત્કાર થઈ રહ્યા છે પરંતુ વડા પ્રધાન હસી રહ્યા હતા, મજાક ઉડાવી રહ્યા હતા. તે તેમને શોભા આપતું નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે કોઈ પીએમ બને છે ત્યારે તે હવે રાજનેતા રહેતા નથી
કોંગ્રેસ સાંસદે કહ્યું કે વડા પ્રધાન ઓછામાં ઓછા મણિપુર જઈ શક્યા હોત, સમુદાયો સાથે વાત કરી શક્યા હોત અને કહી શક્યા હોત કે હું તમારો પીએમ છું, આવો વાત શરૂ કરીએ પરંતુ મને કોઈ ઇરાદો દેખાતો નથી. સવાલ એ નથી કે શું પીએમ મોદી 2024માં પીએમ બનશે, સવાલ મણિપુરનો છે જ્યાં બાળકો, લોકોની હત્યા કરવામાં આવી રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે કોઈ પીએમ બને છે તો તે હવે રાજનેતા રહેતા નથી. તે દેશના અવાજના પ્રતિનિધિ બની જાય છે. રાજનીતિને બાજુ પર મુકીને પીએમ મોદીએ એક નાના રાજનેતા તરીકે નહીં પરંતુ એક વડાપ્રધાન તરીકે બોલવું જોઇએ. પોતાની પાછળ ભારતીય લોકોના વજન સાથે બોલવું જોઈએ. વડા પ્રધાનને સમજાતું નથી કે તે ખરેખર શું છે.