રેસલર્સના સમર્થનમાં આવી કપિલ દેવની 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમ, કહ્યું – મેડલ્સને લઇને ઉતાવળમાં કોઇ નિર્ણય ના કરે

Wrestlers Protest : 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમે વિરોધ કરી રહેલા રેસલર્સને વિનંતી કરી કે તેઓ તેમની મહેનતની કમાણીથી મેળવેલ મેડલ્સ ગંગા નદીમાં ન ફેંકે

Written by Ashish Goyal
Updated : June 02, 2023 17:32 IST
રેસલર્સના સમર્થનમાં આવી કપિલ દેવની 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમ, કહ્યું – મેડલ્સને લઇને ઉતાવળમાં કોઇ નિર્ણય ના કરે
બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્ની, સુનિલ ગાવસ્કર અને કપિલ દેવ (ફાઇલ ફોટો)

Wrestlers Protest : ભાજપના સાસંદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગને લઇને આંદોલન કરી રહેલા રેસલર્સના સમર્થનમાં કપિલ દેવની આગેવાનીવાળી 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમ આવી છે. વિરોધ કરી રહેલા રેસલર્સ તેમના મેડલ્સને પવિત્ર ગંગા નદીમાં વિસર્જિત કરવાનું પગલું ભરી શકે છે તે અંગે ચિંતિત 1983ની વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટ ટીમના સભ્યોએ શુક્રવારે રેસલર્સને ઉતાવળમાં નિર્ણય ન લેવા વિનંતી કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે તેમની ફરિયાદો સાંભળવામાં આવશે અને તેનું નિરાકરણ લાવવામાં આવશે.

મહિલા કુસ્તીબાજોના કથિત યૌન શોષણના આરોપમાં બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહેલા વિનેશ ફોગટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા 30 મેના રોજ તેમના મેડલ્સને ગંગામાં વિસર્જિત કરવા હરિદ્વાર ગયા હતા. જોકે ખેડૂત આગેવાન નરેશ ટિકૈતે તેમના મેડલ્સ વિસર્જિત કરવા દીધા ન હતા.

28 મેના રોજ દિલ્હી પોલીસે કુસ્તીબાજોની કાયદો અને વ્યવસ્થાની ભંગ કરવા બદલ અટકાયત કરી હતી. જ્યારે તેઓ પરવાનગી વિના નવી સંસદ તરફ કૂચ કરી રહ્યા હતા. પોલીસે જંતર મંતર પરથી તંબુ હટાવીને ધરણા સ્થળ ખાલી કરાવી દીધું હતું. કુસ્તીબાજો સામે પોલીસ કાર્યવાહીની ઘણી ટિકા થઇ હતી.

આ પણ વાંચો – બ્રિજભૂષણ સિંહે કહ્યું – જો મારી સામે એક પણ આરોપ સાબિત થશે તો હું પોતે ફાંસી પર લટકી જઇશ

1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહ્યું છે અમારા ચેમ્પિયન કુસ્તીબાજોને હાંકી કાઢવામાં આવતા દ્રશ્યોથી અમે વ્યથિત છીએ. અમે એ વાતથી પણ સૌથી વધુ ચિંતિત છીએ કે તેઓએ તેમની મહેનતથી મેળવેલા મેડલ્સને ગંગા નદીમાં વિસર્જિત કરી દેવાનું વિચારી રહ્યા છે.

નિવેદનમાં આગળ કહ્યું છે કે તેમના મેડલ્સ પાછળ વર્ષોના પ્રયત્નો, બલિદાન, સમર્પણ અને મહેનત સામેલ છે. તેમણે પોતાનું જ નહીં પરંતુ રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. અમે તેમને વિનંતી કરીએ છીએ કે તેઓ આ મામલે કોઈ ઉતાવળમાં નિર્ણય ન લે અને તેમની ફરિયાદોને ઝડપથી સાંભળવામાં આવે અને તેનું નિરાકરણ આવે તેવી આતુરતાથી આશા રાખીએ છીએ. કાનૂનને પોતાનું કામ કરવા દો.

1983માં કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે મજબૂત ક્લાઈવ લોઈડની આગેવાની હેઠળની વેસ્ટ ઈન્ડીઝની ટીમને સૌપ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. આ ટીમમાં કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, મોહિન્દર અમરનાથ, કે શ્રીકાંત, સૈયદ કિરમાણી, યશપાલ શર્મા, મદદ લાલ, બલવિંદર સિંહ સંધૂ, સંદિપ પાટિલ, કિર્તી આઝાદ, રોજર બિન્ની અને રવિ શાસ્ત્રી હતા. આ ટીમમાં રોજર બિન્ની પણ છે, જે વર્તમાનમાં બીસીસીઆઈના પ્રમુખ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ