Mahendra Singh Dhoni Injury Update : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ એમએસ ધોની સીધો જ પોતાના વતન રાંચી જવા રવાના થયો હતો. તે રાંચી પહોંચી ગયો છે. સફળ સર્જરીના કારણે એમએસ ધોની આઇપીએલ 2024ની આગામી આવૃત્તિમાં રમે તેવી શક્યતા પ્રબળ બની છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ 1 જૂન 2023ને ગુરુવારની સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં પોતાના ડાબા ઘૂંટણની સફળ સર્જરી કરાવી હતી. આ કારણે આવતા વર્ષે તેના આઇપીએલમાં રમવાની શક્યતા ઘણી વધી ગઈ છે. સોમવારે રાત્રે ચેન્નઈ સુપર કિંગ્સને પાંચમી વખત આઈપીએલમાં ચેમ્પિયન બનાવ્યા પછી એમએસ ધોની અમદાવાદથી સીધો મુંબઇ પહોંચ્યો હતો.
દિનશો પારડીવાલાએ એમએસ ધોનીની સર્જરી કરાવી
એમએસ ધોનીએ પ્રખ્યાત સ્પોર્ટ્સ ઓર્થોપેડિક સર્જન ડો.દિનશો પારડીવાલાની સલાહ લીધી હતી. ડો.દિનશો પારડીવાલા ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ની મેડિકલ પેનલમાં પણ સામેલ છે. તેમણે રિષભ પંત સહિત ઘણા ભારતીય ક્રિકેટરોની સર્જરી કરાવી છે.
ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથે પીટીઆઈને જણાવ્યું હતું કે એમએસ ધોનીએ કોકિલાબેન હોસ્પિટલમાં ઘૂંટણની સફળ સર્જરી કરાવી છે. તે ઠીક છે, સવારે ઓપરેશન થયું હતું. મારી પાસે વધારે વિગતો નથી. મારે હજુ વધારે માહિતી મેળવવાની બાકી છે.
આ પણ વાંચો – આઈપીએલ 2023 ખતમ, હવે ભારતીય ક્રિકેટ ટીમનો આવો છે વ્યસ્ત કાર્યક્રમ
રિહેબિલિટેશન પહેલા ધોની ઘરે થોડા દિવસ આરામ કરશે
સીએસકે મેનેજમેન્ટ સાથે સંકળાયેલા એક સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે એમએસ ધોનીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ચુકી છે. તે રાંચી ગયો છે. પોતાનું રિહેબિલિટેશન શરૂ થાય તે પહેલાં તે થોડા દિવસો માટે ઘરે આરામ કરશે. આશા છે કે તે આગામી આઇપીએલમાં રમશે. તેમની પાસે ફિટ થવા માટે પૂરો સમય હશે.
ધોની આખી સિઝન દરમિયાન ડાબા ઘૂંટણ પર પટ્ટી બાંધીને રમ્યો હતો. વિકેટકીપિંગ કરતી વખતે તે ઠીક જોવા મળતો હતો પરંતુ બેટિંગ કરવા માટે તે મોટાભાગે આઠમા ક્રમે આવતો હતો અને વિકેટ વચ્ચે દોડમાં લયમાં હોય તેવું લાગતું ન હતું.
આગામી સિઝનમાં રમવાને લઇને ધોનીએ શું કહ્યું
આઈપીએલ 2023ની ફાઇનલ પછી એમએસ ધોનીએ કહ્યું હતું જો તમે પરિસ્થિતિ જુઓ તો મારા માટે નિવૃત્તિ લેવાનો આ શ્રેષ્ઠ સમય છે. મારા માટે એ કહેવું ખૂબ જ સરળ છે કે હું હવે વિદાય લઈ રહ્યો છું, પરંતુ આગામી નવ મહિના સુધી સખત મહેનત કરીને પાછા ફરવું અને વધુ એક સિઝન રમવી મુશ્કેલ છે.
એમએસ ધોનીએ કહ્યું કે શરીર સાથ આપશે તો હું રમીશ. ચેન્નઈના પ્રશંસકોએ જે પ્રકારે મને પ્રેમ આપ્યો, આ તેમના માટે મારા તરફથી એક ભેટ હશે કે હું વધુ એક સિઝન રમું. તેમણે જે પ્રેમ અને જુસ્સા બતાવ્યો છે, મારે પણ તેમના માટે કંઈક કરવું જોઈએ.





