scorecardresearch

નોટબંધીના 6 વર્ષ : દેશમાં કેશ સર્ક્યુલેશન 72 ટકા વધ્યું, પણ શું કાળું નાણું ઘટ્યું?

6 Years of Demonetisation : PM મોદીએ 8 નવેમ્બર, 2016ના રોજ રાત્રે અચાનક નોટબંધી (Demonetisation) ની જાહેરાત કરતા દેશમાં અફરાતફરી મચી ગઇ હતી, કડકડતી ઠંડી વચ્ચે લોકોને દિવસ-રાત બેંકોની (Banks) બહાર લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી હતી.

નોટબંધીના 6 વર્ષ : દેશમાં કેશ સર્ક્યુલેશન 72 ટકા વધ્યું, પણ શું કાળું નાણું ઘટ્યું?

આજે 8 નવેમ્બર છે, આજના દિવસને ભારતીય અર્થવ્યવસ્થાના ઈતિહાસમાં ખાસ યાદ કરવામાં આવે છે. કારણ કે 6 વર્ષ પહેલા આજના દિવસે જ રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી. નોટબંધી હેઠળ ભારતમાં માન્યતા પ્રાપ્ત 500 અને 1000ના મૂલ્યની ચલણી નોટોને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી હતી.

અચાનક નોટબંધીને કારણે દેશમાં ગભરાટનું વાતાવરણ હતું. નોટબંધી એવા સમયે લાગુ કરવામાં આવી હતી જ્યારે લગ્નની સિઝન ચાલી રહી હતી, જેમાં લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. કડકડતી ઠંડી વચ્ચે લોકોને દિવસ-રાત બેંકોની બહાર લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી હતી. કેટલાક અહેવાલો અનુસાર, નોટબંધી દરમિયાન બેંકોની લાઇનોમાં ઉભા રહેલા 33 લોકોના મોત થયા હતા.

15 લાખ લોકો બેરોજગાર 

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) એ નોટબંધી મામલે જાહેર કરેલા પોતાના રિપોર્ટમાં એવો દાવો કર્યો છે કે, નોટબંધીના 4 મહિનામાં 15 લાખ લોકો બેરોજગાર થઈ ગયા છે. આ રિપોર્ટ અનુસાર, 2016ના સપ્ટેમ્બરથી ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન નોકરીનો આંકડો લગભગ 40.65 કરોડ હતો, જ્યારે જાન્યુઆરી અને એપ્રિલ 2017 વચ્ચે આ આંકડો ઘટીને 40.50 કરોડ થઈ ગયો હતો.

નોટબંધી બાદ કેશ સર્ક્યુલેશનમાં 239%નો ઉછાળો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં જારી કરાયેલા આંકડા મુજબ, હાલમાં 30.88 લાખ કરોડ રોકડ ચલણમાં છે. 21 ઑક્ટોબર, 2022ના રોજ પૂરા થયેલા પખવાડિયામાં લોકો પાસે 30.88 લાખ કરોડ રૂપિયાનું રોકડ નાણું હતુ, જે 4 નવેમ્બર, 2016ના રોજના 17.97 લાખ કરોડ રૂપિયા કરતાં 71.84% વધુ છે. નોટબંધી પછીના 25 નવેમ્બર, 2016 ના રોજ લોકો પાસે 9.11 લાખ કરોડ રૂપિયાનું રોકડ નાણું હતુ, આમ નોટબંધી બાદ દેશમાં રોકડ નાણાંનું સર્ક્યુલેશન 239 ટકા વધ્યું છે.

500 અને 1000ની જગ્યાએ નવી નોટો આવી

નોટબંધી દરમિયાન, કેન્દ્ર સરકારે ભારતમાંથી 500 અને 1000 રૂપિયાની ચલણી નોટોની માન્યતા રદ કરીને તેને બંધ કરી હતી અને તેના બદલ 200, 500 અને 2000 રૂપિયાની નવી ચલણી નોટો બહાર પાડી હતી.

ડિજિટલ પેમેન્ટનો ટ્રેન્ડ વધ્યો

નોટબંધી દરમિયાન ડિજિટલ પેમેન્ટનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો. જો કે, ઓનલાઇન પેમેન્ટમાં સૌથી ઝડપી વૃદ્ધિ કોરોના મહામારી દરમિયાન જોવા મળી છે. ભારતમાં ભલે ઓનલાઇન પેમેન્ટનો ટ્રેન્ડ વધ્યો હોય પરંતુ મોટાભાગના લોકો હજુ પણ ખરીદી માટે રોકડ નાણાંનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.

આ પણ વાંચોઃ ‘રોકડ જ રાજા’- ભારતીયો પાસે રોકડ નાણું વધીને અધધધ… ₹30.88 લાખ કરોડની ટોચે

વિરોધ પક્ષોનું પ્રદર્શન

નોટબંધીના છ વર્ષ નિમિત્તે કોંગ્રેસ સહિત વિપક્ષો દ્વારા દેશભરમાં કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે. દેશભરમાં અનેક જગ્યાએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો યોજાઇ રહ્યા છે. તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને નોટબંધીને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

Web Title: 6 years of demonetisation in india cash circulation increased by 72 percent black money is down

Best of Express