Adani Enterprises Get Notices From SEBI: અદાણી ગ્રૂપની ફ્લેગશીપ કંપની અદાણી ઈન્ટરપ્રાઇસને સેબી એ 2 નોટિસ મોકલી છે. તમને જણાવી દઇયે કે, અદાણી એન્ટરપ્રાઇસ દ્વારા 2 મે, 2024ના રોજ ત્રિમાસિક પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમા કંપનીના ત્રિમાસિક નફામાં 38 ટકાનો ધરખમ ઘટાડો થયો છે. કંપનીએ ચોથા ત્રિમાસિક પરિણામની ઘોષણા કરવાની સાથે સેબી તરફથી બે નોટિસ મળી હોવાની જાણકારી આપી છે.
અદાણી એન્ટરપ્રાઇસને સેબી એ કેમ નોટિસ ફટકારી
અદાણી એન્ટરપ્રાઈસને સેબીએ બે શો કોઝ નોટિસ ફટકારી છે. આ બંને નોટિસ અદાણી ગ્રૂપ સામે ચાલી રહેલી હિંડનબર્ગ રિપોર્ટ કેસની તપાસ સંબંધિત છે. અદાણી એન્ટરપ્રાઈસે જણાવ્યું છે કે, 31 માર્ચ, 2024ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિક દરમિયાન કંપનીને સેબી લિસ્ટિંગ એગ્રીમેન્ટ અને ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ (SEBI LODR રેગ્યુલેશન)ની જોગવાઇનું પાલન ન કરવાના આક્ષેપ હેઠળ નોટિસ મળી છે.

શેરબજારને કરેલી ફાઈલિંગમાં અદાણી એન્ટરપ્રાઈસે જણાવ્યું છે કે, કથિત નોન કોમ્પ્લાયન્સ થર્ડ પાર્ટી સાથે અમુક ટ્રાન્ઝેક્શન મામલે રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન અને અગાઉના વર્ષોમાં સ્ટેચ્યુરી ઓડિટર્સના પિયર રિવ્યૂ સર્ટિફિકેશનની વેલિડિટી સાથે સંબંધિત છે. જો કે કંપનીએ એક નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે, નાણાંકીય વર્ષ 2024ના ફાઈનાન્સિયલ સ્ટેટમેન્ટ્સ પર આ શો કોઝ નોટિસની કોઇ ઉંડી અસર થશે નહીં.
અદાણી એન્ટરપ્રાઇસનો નફો 38 ટકા ઘટ્યો
અદાણી એન્ટરપ્રાઇસનો જાન્યુઆરી થી માર્ચ 2024 ત્રિમાસિક દરમિયાન ચોખ્ખો નફો 38 ઘટીને 451 કરોડ રૂપિયા થયો છે. કાચા માલની કિંમતમાં વધારો અને અન્ય ખર્ચ વધવાને કારણે કંપનીના નફામાં ઘટાડો થયો છે. બીએસઈને આપેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું કે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 722.48 કરોડનો નફો કર્યો હતો. માર્ચ ક્વાર્ટરમાં કંપનીની આવક લગભગ 1 ટકા વધીને રૂ. 29,180 કરોડ થઇ છે. આ સાથે અદાણી એન્ટરપ્રાઇઝે પણ સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટે શેર દીઠ 1.3 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.

આ પણ વાંચો | ઈન્કમ ટેકસ રિટર્ન ફાઈલ કરવામાં ઉતાવળ રાખવી કે છેલ્લી તારીખ સુધી રાહ જોવી? જાણો શું કરવું યોગ્ય રહેશે
અદાણી ગ્રૂપ હિંડનબર્ગ વિવાદ
અદાણી ગ્રૂપ હિંડનબર્ગ વિવાદ મામસે સેબી તપાસ કરી રહી છે. ઘટનાક્રમની વાત કરીયે તો જાન્યુઆરી 2023માં યુએસ શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. જેમાં અદાણી ગ્રૂપ કંપનીઓ દ્વારા શેરબજારમાં કથિત ગેરરીતિ, નાણાકીય કૌભાંડના આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં જબરદસ્ત કડાકો બોલાયો હતો. હિંડનબર્ગ રિપોર્ટને ટાંકી અદાણી ગ્રૂપ કંપનીઓની તપાસ કરવાની માંગ ઉઠી હતી.





