Adani Group Companies Promoters Shareholding: અદાણી ગ્રૂપ કંપની વિશે એક મોટા સમાચાર આવ્યા છે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપ પ્રમોટર કંપનીમાં શેરહોલ્ડિંગ વધારવા પ્રયત્નશીલ છે. તાજેતરના શેરહોલ્ડિંગના આંકડા મુજબ એપ્રિલ થી જૂન 2024 ત્રિમાસિક દરમિયાન અદાણી ગ્રૂપ દ્વારા 5 કંપનીઓમાં શેરહોલ્ડિંગ વધારવામાં આવ્યું છે. તો બીજી બાજુ વિદેશી રોકાણકારોએ અદાણી ગ્રૂપના શેર વેચ્યા છે. અદાણી ગ્રૂપ કંપનીમાં પ્રમોટર્સના શેરહોલ્ડિંગમાં વધારો અને એફઆઈઆઈની વેચવાલી રોકાણકારો કેટલું મહત્વ ધરાવે છે ચાલો જાણીયે
અદાણી ગ્રૂપ પ્રમોટરે 5 કંપનીમાં શેરહોલ્ડિંગ વધાર્યું
મની કન્ટ્રોલના એક રિપોર્ટ મુજબ અદાણી ગ્રૂપની 5 કંપની – અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, અંબુજા સિમેન્ટ, અદાણી પાવર અને અદાણી ગ્રીનમાં પ્રમોટર્સ દ્વારા જૂન ક્વાર્ટર દરમિયાન 23000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ એસીસી, અદાણી પોર્ટ્સ સેઝ, અદાણી ટોટલ ગેસ અને અદાણી વિલ્મર કંપનીના પ્રમોટર્સ શેરહોલ્ડિંગમાં કોઇ ફેરફાર થયો નથી.

અદાણી ગ્રૂપ કંપનીમાં પ્રમોટર્સ શેરહોલ્ડિંગ વધવાનો શું અર્થ છે?
કોઇ પણ ગ્રૂપ કંપનીમાં પ્રમોટર્સ દ્વારા શેરહોલ્ડિંગમાં વધારો સકારાત્મક માનવામાં આવે છે. તેનાથી વિપરિત પ્રમોટર્સ શેરહોલ્ડિંગમાં ઘટાડો સારી બાબત ગણાતી નથી. એક સ્વતંત્ર એનાલિસ્ટ અજય બોડકેના મતે પ્રમોટર્સ કંપનીમાં શેરહોલ્ડિંગ વધારવું શેર માટે પોઝિટિવ છે કારણ કે આ બાબત દર્શાવે છે કે પ્રમોટર્સને કંપનીના લોંગ ટર્મ ગ્રોથ પર વિશ્વાસ છે.
અંબુજા સિમેન્ટમાં રોકાણ યોજના પૂર્ણ
ગૌતમ અદાણી દ્વારા અંબુજા સિમેન્ટને ટેકઓવર કરવામાં આવી છે. અંબુજા સિમેન્ટમાં પ્રમોટર્સ ગ્રૂપનું શેરહોલ્ડિંગ 3.59 ટકા વધીને 70.33 ટકા થયું છે. એપ્રિલમાં કંપનીએ ખુલાસો કર્યો હતો કે, અદાણી પાવર કંપનીએ કેપિસિટિ વિસ્તરણ માટે 8339 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતુ. ઓક્ટોબર 2022માં અદાણી પરિવારે 5 હજાર કરોડ રૂપિયા અને ત્યારબાદ માર્ચ 2024માં 6661 કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. આ મુજબ તબક્કાવાર રોકાણ મારફતે અંબુજા સિમેન્ટમાં 20 કરોડ રૂપિયાની રોકાણ યોજના પૂર્ણ કરી છે.
અદાણી ગ્રૂપ કંપનીમાં પ્રમોટર્સ શેરહોલ્ડિંગ
| કંપનીનું નામ | જૂન 2024 | માર્ચ 2024 | તફાવત |
|---|---|---|---|
| અંબુજા સિમેન્ટ | 70.33% | 66.74% | 3.59% |
| અદાણી એન્ટરપ્રાઇઝ | 74.72% | 72.61% | 2.11% |
| અદાણી ગ્રીન એનર્જી | 57.52% | 56.37% | 1.15% |
| અદાણી પાવર | 72.71% | 71.75% | 0.96% |
| અદાણી એનર્જી સોલ્યુશન્સ | 74.94% | 73.22% | 1.72% |
| એસીસી | 56.69% | 56.69% | — |
| અદાણી પોર્ટસ સેઝ | 65.89% | 65.89% | — |
| અદાણી ટોટલ ગેસ | 74.80% | 74.80% | — |
| અદાણી વિલ્મર | 87.87% | 87.87% | — |
અદાણી કંપનીના શેર વેચી વિદેશી રોકાણકારોએ કરી રોકડી
ગૌતમ અદાણી હસ્તકની અદાણી કંપનીમાં પ્રમોટર્સ ગ્રૂપે શેરહોલ્ડિંગ વધાર્યું છે તો બીજી બાજુ વિદેશી રોકાણકારોએ શેર વેચી હિસ્સેદારી ઘટાડી છે. રાજીવ જૈનના GQG પાર્ટનર્સે અદાણી પાવરના 244 કરોડ રૂપિયાની મૂલ્યના 34 લાખ શેર અને એસીસીના 240 કરોડ રૂપિયાની મૂલ્યના 35.73 લાખ શેર વેચ્યા છે.

અદાણી ગ્રૂપ કંપનીમાં FII શેરહોલ્ડિંગ
| અદાણી કંપનીનું નામ | જૂન ક્વાર્ટર 2024 | માર્ચ ક્વાર્ટર 2024 | તફાવત |
|---|---|---|---|
| અદાણી એન્ટરપ્રાઇઝ | 11.73% | 14.41% | -2.68% |
| અદાણી એનર્જી | 15.53% | 17.49% | -1.96% |
| અંબુજા સિમેન્ટ | 9.59% | 11.09% | -1.50% |
| અદાણી ગ્રીન એનર્જી | 16.91% | 18.15% | -1.24% |
| અદાણી પાવર | 14.73% | 15.91% | -1.18% |
| એસીસી | 5.64% | 6.17% | -0.53% |
| અદાણી ટોટલ ગેસ | 12.96% | 13.13% | -0.17% |
| એનડીટીવી | 0.09% | 0.14% | -0.05% |
| અદાણી વિલ્મર | 0.73% | 0.77% | -0.04% |
| અદાણી પોર્ટ્સ સેઝ | 15.18% | 14.97% | +0.21% |
આ પણ વાંચો | કોણ છે ગૌતમ અદાણીના રાઈટ હેન્ડ? ડોક્ટર માંથી બિઝનેસમેન બન્યા હવે ચલાવે છે 20852 કરોડની કંપની
અદાણી એન્ટરપ્રાઇઝ કંપનીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકાર એટલે કે એફઆઈઆઈની હિસ્સેદારી 14.41 ટકાથી ઘટી 11.73 ટકા થઇ છે. તેવી જ રીતે વિદેશી રોકાણકારોનું શેરહોલ્ડિંગ અદાણી એનર્જી સોલ્યુશન્સમાં 17.49 ટકાથી ઘટી 15.53 ટકા, અંબુજા સિમેન્ટમાં 11.09 ટકા થી ઘટી 9.59 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 18.15 ટકા થી ઘટી 16.91 ટકા અને એસીસીમાં 6.17 ટકા થી ઘટી 5.64 ટકા થયું છે. અદાણી ટોટલ ગેસ, એનડીટીવી અને અદાણી વિલ્મરમાં હિસ્સેદારી નજીવી ઘટી છે. અલબત્ત બીજી બાજુ અદાણી પોર્ટ્સમાં 0.21 ટકા હિસ્સેદારી વધી છે.





