Adani Group Companies Share Price And Marketcap: ગૌતમ અદાણીને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળતા અદાણી ગ્રૂપ કંપનીઓના શેર રોકેટ ગતિએ ઉછળ્યા હતા. અદાણી ગ્રૂપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેર સાધારણથી 12 ટકા વધીને બંધ થયા હતા. આ સાથે અદાણી ગ્રૂપ કંપનીઓનું સંયુક્ત માર્કેટકેપ ફરી 15 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઇ હતી. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અદાણી કંપનીઓના શેરમા તેજીનો ટ્રેન્ડ ચાલુ રહેવાની વ્યાપક ધારણા છે.
અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો (Adani Hindenburg Case SC Verdict)
અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે તરફેણમાં ચુકાદો આપતા ગૌતમ અદાણીને મોટી રાહત થઇ છે. સુપ્રીમ કોર્ટે અદાણી હિંડનબર્ગ કેસમાં સેબીની તપાસને યોગ્ય ઠરાવી હતી. આ સાથે અદાણી કેસની તપાસ સીબીઆઈ કે SITને સોંપવા ઇન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે અદાણી હિંડનબર્ગ કેસની તપાસ મામે સેબી સામે કરાયેલા આક્ષેપો અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે કહ્યું કે, કોઇ ત્રીજા પક્ષની રિપોર્ટેને નિર્ણાયક પુરાવો માની શકાય નહીં અને હિતોના ઘર્ષણની કોઇ ઘટના બનતી નથી.

અદાણી ગ્રૂપ વિરુધ 24 કેસમાં સેબીની તપાસ (Adani Hindenburg Case)
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, સેબીની તપાસ માટે કોઇ સ્વતંત્ર રિપોર્ટ કે ન્યૂઝ રિપોર્ટનો ઉપયોગ કરી શકાય નહીં. સાથે જ હિંડનબર્ગ રિપોર્ટનું સ્વતંત્રપણે સત્યાપન કરી શકાય નહીં. ઉપરાંત સુપ્રીમ કોર્ટે અદાણી હિંડનબર્ગ કેસની તપાસ 3 મહિનામાં પૂર્ણ કરવા સેબીને નિર્દેશ કર્યો છે. નોંધનિય છે કે, અદાણી ગ્રૂપ વિરુદ્ધના 24 કેસમાં સેબી તપાસ કરી રહી છે, જેમાંથી 22 કેસમાં તપાસ પૂર્ણ થઇ ગઇ છે.
અદાણી ગ્રૂપ કંપનીના શેરમાં 12 ટકા સુધી ઉછાળો (Adani Group Companies Share Price)
અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગૌતમ અદાણીની માલિકીની લિસ્ટેડ કંપનીઓના શેર ઉછળ્યા હતા. અદાણી ગ્રૂપની શેરબજારમા લિસ્ટેડ તમામ 10 કંપનીઓના શેર આજે 12 ટકા સુધીના ઉછાળે બંધ થયા હતા. જેમાં અદાણી એનર્જી સોલ્યુશનનો શેર સૌથી 11.6 ટકા વધ્યો હતો. તેવી જ રીતે અદાણી ટોટલ ગેસ 10 ટકા અને અદાણી પાવર 5 ટકા વધીને બંધ થયા હતા.
અદાણી ગ્રૂપનું માર્કેટકેપ 15 લાખ કરોડને પાર (Adani Group Marketcap)
અદાણી ગ્રૂપ કંપનીઓના શેર સતત વધી રહ્યા છે અને તેની સાથે રોકાણકારોને પણ કમાણી થઇ રહી છે. તમામ કંપનીઓના શેરમાં ઉછાળાથી અદાણી ગ્રૂપનું કુલ સંયુક્ત માર્કેટકેપ ફરી 15 લાખ કરોડ રૂપિયાને ક્રોસ કરી ગયુ હતુ.

આજે શેરબજારમાં ગૌતમ અદાણીની માલિકીની લિસ્ટેડ અદાણી ગ્રૂપ કંપનીઓનું કુલ માર્કેટકેપ 15.11 લાખ કરોડ રૂપિયા થયુ હતુ, જ્યારે પાછલા વર્ષે કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 14.46 લાખ કરોડ રૂપિયા હતી. આમ એક દિવસમાં અદાણી ગ્રૂપ કંપનીઓના શેરધારકોને 65 લાખ રૂપિયાની કમાણી થઇ છે. જો કે હજી પણ તે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ પહેલા બનેલી 19.2 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ માર્કેટકેપ કરતા લગભગ 25 ટકા જેટલી ઓછી છે.
આ પણ વાંચો | બેંક એકાઉન્ટમાં બેલેન્સ રાખજો, 2024માં લિસ્ટિંગ માટે 63 કંપનીના 69000 કરોડના આઈપીઓ પાઇપલાઇનમાં






