ભારતના સૌથી ધનાઢ્ય ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના અદાણી સમૂહ નેશનલ દિલ્હી ટેલિવિઝન (NDTV)ને હસ્તગત કરવા માટે ઓપન ઓફર લાવ્યુ હતુ. આ ઓપન ઓફર હેઠળ અદાણી ગ્રૂપને એનડીટીવીના શેરનું વેચાણ કરનાર શેરધારકો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. અદાણી ગ્રૂપે ઓફર હેઠલ ખરીદેલા એનડીટીવીના શેરની માટે નક્કી કરાયેલી કિંમત કરતા વધારે રકમ ચૂકવવાનો નિર્ણય કર્યો છે.
રોકાણકારોને શેર દીઠ 48.65 રૂપિયા વધારે મળશે
અદાણી ગ્રૂપે ઓપન ઓફર હેઠળ એનડીટીવીના શેર 294 રૂપયા પ્રતિ ઇક્વિટી શેરના ભાવે ખરીદવાનું નક્કી કર્યુ હતુ હતા. પરંતુ હવે અદાણી ગ્રૂપે ઓપન ઓફર હેઠળ ખરીદવામાં આવેલા પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ 48.65 રૂપિયા વધારે ચૂકવવાનો નિર્ણય લીધો છે. એટલે કે રોકાણકારોને એનડીટીવીના એક શેર દીઠ 342.65 રૂપિયા મળશે.
અદાણી ગ્રૂપે એનડીટીવીના મૂળ પ્રમોટર અને સ્થાપક પ્રણય રોય અને રાધિકા રોય પાસેથી હિસ્સો ખરીદવા માટે પ્રત્યેક ઇક્વિટી દીઠ ₹342.65ના ભાવે ચૂકવણી કરવામાં આવી હતી. હવે આટલી જ કિંમત ઓપન ઓફર હેઠળ ખરીદવામાં આવેલા શેર માટે શેરધારકોને ચૂકવાશે. નોંધનિય છે કે, અગાઉ એનડીટીવીની ઓપન ઓફર પ્રાઇસ 294 રૂપિયા પ્રતિ શેર હતી અને પ્રમોટર ટ્રાન્સફર વેલ્યૂ ₹342.65 પ્રતિ શેર હતી.

અદાણી એન્ટરપ્રાઇસિસે 22 નવેમ્બર થી 5 ડિસેમ્બર 2022 સુધી એનડીટીવીમાં વધારાનો 26 ટકા હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફર શરૂ કરી હતી. આ ઓપન ઓફરમાં શેરધારકોએ એનડીટીવીના 53 લાખથી વધારે શેર વેચવા બીડ કરી હતી.
NDTVના સ્થાપક પ્રણય રોય અને રાધિકા રોયનું રાજીનામું
પાછલા સપ્તાહે એનડીટીવીએ એક નિવેદન જારી કરતા જણાવ્યુ હતુ કે, તેના મૂળ સ્થાપકો પ્રણય રોય અને રાધિકા રોયે અબજોપતિ ગૌતમ અદાણીના માલિકીના કોર્પોરેટ ગ્રૂપ દ્વારા કંપનીના બહુમત હિસ્સો હસ્તગત કર્યા બદા ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધુ છે. એનડીટીવીએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, રોય દંપતિની સાથે ચાર અન્ય સ્વતંત્ર ડિરેક્ટરોએ પણ રાજીનામાં આપ્યા છે, જે 30 ડિસેમ્બરથી અમલમાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે, અદાણી ગ્રૂપ દ્વારા ઓગસ્ટ મહિનામાં NDTVને હસ્તગત કરવાની ઘોષણા કરાઇ ત્યારબાદથી અત્યાર સુધીમાં કંપનીનો શેર 20 ટકા ઘટ્યો છે.