Adani Group Share Crash News: અદાણી ગ્રૂપ કંપનીઓના શેર માટે ગુરુવાર ગોઝારો દિવસ બની રહ્યો હતો. ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે અમેરિકામાં લાંચ અને છેતરપીંડિના આક્ષેપ બાદ અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં 20 ટકા સુધીનો કડાકો બોલાયો હતો. જેના કારણે અદાણી ગ્રૂપ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશનમાં લગભગ 2.50 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું, જે છેલ્લા બે વર્ષનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે.
અદાણી ગ્રૂપ સામે અમેરિકામાં શું આરોપ મૂકાયા?
અમેરિકામાં ગૌતમ અદાણી અને સાગર અદાણી પર સોલાગ 2000 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. અમેરિકાના વકીલે ગૌતમ અદાણી અને સાગર અદાણી સહિત 7 વ્યક્તિ પર સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે 2000 થી 2024 દરમિયાન અધિકારીઓને 256 મિલિયન ડોલરની લાંચ આપવાનો આક્ષેપ મૂક્યો છે. આ તમામ વિગતો અમેરિકાની બેંકો અને રોકાણકારોથી છુપાવવામાં આવી છે, જેની પાસેથી અદાણી ગ્રૂપે આ પ્રોજેક્ટ માટે અબજ ડોલરોનું ભંડોળ એક્ત્ર કર્યું હતું. આમ અદાણી ગ્રૂપે અમેરિકાના રોકાણકારો સાથે છેતરપીંડિ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકાની કોર્ટે ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે એરેસ્ટ વોરંટ પણ જારી કર્યા છે.

અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં 22 ટકા સુધીનો કડાકો
અમેરિકાના લાંચ આક્ષેપ બાદ ભારતીય શેરબજારમાં લિસ્ટેડ અદાણી ગ્રૂપની મામ 11 કંપનીઓના શેરમાં 22 ટકા સુધીનો કડાકો નોંધાયો હતો. જેમા અદાણી ગ્રીન એનર્જી 19 ટકા, અદાણી એન્ટરપ્રાઇસ 22 ટકા, અદાણી એનર્જી સોલ્યુશન કંપનીનો શેર 20 ટકા સુધી તૂટ્યા હતા.
અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં કડાકો
| અદાણી કંપનીનું નામ | બંધ ભાવ | કડાકો | માર્કેટકેપ (₹કરોડમાં) | |
|---|---|---|---|---|
| અદાણી એન્ટરપ્રાઇસ | ₹ 2182 | 22.61% | ₹ 251905 | |
| અદાણી એનર્જી સોલ્યુશન | ₹ 697 | 20.00% | ₹ 83813 | |
| અદાણી ગ્રીન એનર્જી | ₹ 1146 | 18.80% | ₹ 181593 | |
| અદાણી પોર્ટ્સ સેઝ | ₹ 1114 | 13.53% | ₹ 240790 | |
| અંબુજા સિમેન્ટ | ₹ 483 | 11.98% | ₹ 119153 | |
| અદાણી ટોટલ ગેસ | ₹ 602 | 10.40% | ₹ 66247 | |
| અદાણી વિલ્મર | ₹ 294 | 9.98% | ₹ 38269 | |
| અદાણી પાવર | ₹ 476 | 9.15% | ₹ 183648 | |
| એસીસી લિમિટેડ | ₹2025 | 7.29% | ₹ 38041 | |
| સાંઘી સિમેન્ટ | ₹76.43 | 6.26% | ₹ 1974 | |
| એનડીટીવી | ₹ 169 | 0.06% | ₹ 1091 |
આ પણ વાંચો | સાગર અદાણી કોણ છે? ગૌતમ અદાણી સામે અમેરિકામાં લાંચ કેસમાં ઉછળ્યું નામ
અદાણી શેરમાં 2.50 લાખ કરોડનું ધોવાણ રોકાણકારો પાયમાલ
અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં કડાકાથી અદાણી ગ્રૂપની માર્કેટકેપમાં જબરદસ્ત ધોવાણ થયું હતું. 21 નવેમ્બર, 2024ના રોજ અદાણી ગ્રૂપ કંપનીઓની સંયુક્ત માર્કેટ વેલ્યૂએશનમાં લગભગ 2.50 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું, જે જાન્યુઆરી 2023ના હિડેનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. આજે અદાણી ગ્રૂપ કંપનીઓની સંયુક્ત માર્કેટ વેલ્યૂ ઘટીને 12 લાખ કરોડ રૂપિયા જેટલી રહી હતી.





