Adani Group marketcap below 10 lakh crore after stock tumble : હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના વિવાદ બાદ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ સમાપ્ત થવાની હાલ કોઇ શક્યતા દેખાતી નથી. હવે અમેરિકન રેગ્યુલેટરીના કારણે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં શુક્રવારે 10 ટકા સુધીનો મસમોટો કડાકો બોલાતા ગૌતમ અદાણી માટે આજનો દિવસ ફરી ‘બ્લેક ફ્રાઇડ’ બની રહ્યો હતો. સંયુક્ત માર્કેટમાં ચાર મહિનામાં સૌથી મોટા એક દિવસીય ધોવાણની સાથે સાથે તે ઘટીને 10 લાખ કરોડ રૂપિયાની નીચે આવી ગઇ છે.
અદાણી ગ્રૂપ અમેરિકન રેગ્યુલેટરીના રડારમાં
અદાણી ગ્રૂપના શેરમાં આજેના કડાકાનું કારણ અમેરિકાની ઓથોરિટીની તપાસ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર યુએસ ઓથોરિટી શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપ દ્વારા તેના અમેરિકન રોકાણકારો સમક્ષ કરાયેલી રજૂઆતોની તપાસ કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ ન્યૂયોર્ક બ્રૂકલિને અમેરિકન ઓટર્ની ઓફિસ અદાણી ગ્રૂપના મોટા શેરધારકોને પુછ્યુ છે કે ગ્રૂપની સાથે તેમની શું વાતચીત થઇ છે. એટો ર્ની ઓફિસ છેલ્લા કેટલાંક મહિનાથી આ કેસની તપાસ કરી રહી છે. ઉપરાંત આવી જ એક તપાસ અમેરિકન બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન પણ કરી રહી છે.
હિંડનબર્ગ વિવાદ બાદ અદાણી ગ્રૂપે ઇન્વેસ્ટર રોડશો કર્યો હતો જેમાં આ કોર્પોરેટ ગ્રૂપે પ્રેઝન્ટેશન કર્યુ હતુ કે તેઓ શોર્ટ સેલર ફર્મના ફટકાથી બેઠાં થવા માટે કેવા પગલાંઓ લઇ રહ્યા છે. આ બાબતને લઇને સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશને તપાસ પુછપરછ શરૂ કરી છે.
ભારતમા સેબી દ્વારા અદાણી ગ્રૂપની તપાસ
હિંડનબર્ગ વિવાદ બાદ સુપ્રીમ કોર્ટના આદેશથી ભારતમાં બજાર નિયામક સેબી પણ અદાણી ગ્રૂપની તપાસ કરી રહી છે. અગાઉ 2 માર્ચે સુપ્રીમ કોર્ટે સેબીને આ કેસમાં તપાસ માટે બે મહિનાનો સમય આપ્યો હતો, પરંતુ બજાર નિયામકની વિનંતી મુદ્દત વધારીને 14 ઓગસ્ટ સુધી લંબાવી છે.
અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં 10 ટકા જેટલો કડાકો
યુએસ ઓથોરિટી તરફથી તપાસના અહેવાલ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં આજે ઇન્ટ્રા-ડે 10 ટકા સુધીનો કડાકો બોલાયો હતો. અદાણી ગ્રૂપની શેર બજારમાં લિસ્ટેડ તમામે તમામ 10 કંપનીઓના શેર રેડ ઝોનમાં બંધ હતા. ગૌતમ અદાણીની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇસનો શેર સેશન દરમિયાન લગભગ 10 ટકા જેટલો તૂટીને 2162 રૂપિયા ઇન્ટ્રા-ડે બોટમ થયો હતો, જે છેલ્લા એક મહિનાનો સૌથી નીચો ભાવ છે. બીએસઇ પર કામકાજના અંતે આ શેર 6.8 ટકા તૂટીને 2233 રૂપિયા બંધ થયો હતો. તો અદાણી ટ્રાન્સમિશન 6.4 ટકા, અદાણી પાવર 5.6 ટકા, અંબુજા સિમેન્ટ 4.2 ટકા ડાઉન હતા.
અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ઘટાડો
| કંપનીનુંનામ | બંધભાવ | ઘટાડ | માર્કેટકેપ | 
|---|---|---|---|
| અદાણી એન્ટરપ્રાઇસ | 2233 | -6.79% | 254573 | 
| અદાણી ટ્રાન્સમિશન | 753 | -6.38% | 84052 | 
| અદાણી પાવર | 242 | -5.61% | 93492 | 
| અંબુજા સિમેન્ટ | 426 | -4.19% | 84628 | 
| અદાણી પોર્ટ-સેઝ | 714 | -4.16% | 154331 | 
| અદાણી વિલ્મર | 404 | -3.42% | 52513 | 
| એનડીટીવી | 214 | -3.46% | 1385 | 
| અદાણી ટોટલ ગેસ | 634 | -3.21% | 69733 | 
| એસીસી લિમિટેડ | 1773 | -3.15% | 33309 | 
| અદાણી ગ્રીન એનર્જી | 959 | -1.50% | 151987 | 
અદાણીના શેરધારકોને 47,883 કરોડનું નુકસાન, માર્કેટકેપ 10 લાખ કરોડની નીચે
અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં કડાકાથી સંયુક્ત માર્કેટકેપમાં જંગી ધોવાણ થયું હતુ. આજે શેરબજારના સેશન દરમિયાન અદાણી ગ્રૂપનું સંયુક્ત માર્કેટકેપ 59000 કરોડ રૂપિયા સુધી ઘટી ગયુ હતુ જે છેલ્લા ચાર મહિનાનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. અગાઉ 9 ફેબ્રુઆરીના રોજ અદાણી ગ્રૂપના માર્કેટકેપમાં 59000 કરોડ રૂપિયાનો ધોવાણ થયુ હતુ.
જો આજના 23 જૂનની વાત કરીયેતો શેરબજારમાં લિસ્ટેડ અદાણી ગ્રૂપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓની સંયુક્ત માર્કેટકેપ 9,80,003 કરોડ રૂપિયા થઇ હતી, જે આગલા ગુરુવારે 10,27,886 કરોડ રૂપિયા હતી. આમ શુક્રવારે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરધારકોને સંયુક્ત રીતે 47,883 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.





