US B1 and B2 Visa : અમેરિકામાં નોકરી કરવા જવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર છે. બિઝનેસ અથવા ટૂરિસ્ટ વિઝા (B-1, B-2) પર યુએસની મુલાકાત લેતા લોકો નોકરી માટે અરજી કરી શકે છે. એટલું જ નહીં પરંતુ તેમને ઈન્ટરવ્યુ આપવાનો મોકો પણ મળશે. યુએસની એક ફેડરલ એજન્સીએ બુધવારે આ જાણકારી આપી.
એજન્સીએ જણાવ્યું હતું કે, બિઝનેસ અને ટૂરિસ્ટ વિઝા પર યુએસની મુલાકાત લેનાર વ્યક્તિ નવી નોકરીઓ માટે અરજી કરી શકે છે અને ઇન્ટરવ્યુ માટે પણ હાજર રહી શકે છે. જો કે, ફેડરલ એજન્સીએ એમ પણ કહ્યું હતું કે, યુએસ જનારા લોકોએ એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે, તેઓ નવી નોકરી શરૂ કરતા પહેલા તેમના વિઝા બદલાવી લે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ) એ બુધવારે શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં જણાવ્યું હતું કે, નોન-ઇમિગ્રન્ટ કામદારો સામાન્ય રીતે જ્યારે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે ત્યારે તેમના અધિકારો વિશે જાગૃત હોતા નથી. અને કેટલાક કિસ્સાઓમાં, તેઓ ખોટી રીતે માને છે કે, તેમની પાસે 60 દિવસમાં દેશ છોડવા સિવાય કોઈ વિકલ્પ નથી. ઉલ્લેખનીય છે કે, નોકરીના અંત પછીના દિવસથી 60 દિવસનો ગ્રેસ પીરિયડ મળે છે. જ્યારે નોન-ઇમિગ્રન્ટ વર્કરની નોકરી સ્વૈચ્છિક અથવા અનૈચ્છિક રીતે જાય છે, ત્યારે સામાન્ય રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવા માટે તેઓ 60-દિવસના સમયગાળામાં બીજી નોકરી માટે ઘણા કામ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે કોઈ કર્મચારીને અમેરિકામાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે, ત્યારે તેમની પાસે 60 દિવસનો ગ્રેસ પીરિયડ હોય છે. બીજી બાજુ, જ્યારે બિન-ઇમિગ્રન્ટ કામદારોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે, ત્યારે તેમની પાસે કેટલાક અન્ય વિકલ્પો હોય છે. આમાંથી એક એ છે કે, તેઓ ચોક્કસ દિવસો સુધી અમેરિકામાં રહી શકે છે. ત્યારબાદ તેમને દેશ છોડવો પડશે.
ગ્રેસ પીરિયડ દરમિયાન સ્ટેટસ બદલવા માટે અરજી કરી શકે છે, નોન-ઇમિગ્રન્ટ કામદારો પણ આ ગ્રેસ પીરિયડ દરમિયાન તેમના સ્ટેટસમાં ફેરફાર માટે અરજી કરી શકે છે. સ્ટેટસ માટે બદલાવ, સ્થિતિને સમાયોજિત કરવા માટે અરજી કરો, તમારા સંજોગોનો હવાલો આપી એમ્પલોયમેન્ટ ઓથરાઈઝેશન ડોક્યુમેન્ટ માટે અરજી કરો અથવા નોકરીમાં બદલાવ માટે અરજી કરવી. યુએસસીઆઈએસએ જણાવ્યું હતું કે, જો કોઈ કર્મચારી 60-દિવસના ગ્રેસ પીરિયડ દરમિયાન આમાંથી કોઈ પણ પગલું ભરે છે, તો તેના યુએસમાં રહેવાના દિવસો લંબાવી શકાય છે. ભલે તેનો નોન-ઇમિગ્રન્ટ કર્મચારીનું સ્ટેટસ ખતમ જ કેમ ન થઈ ગયું હોય.
આ પણ વાંચો – સ્કિલ યુનિવર્સિટી ડ્રોન મેન્યુફેક્ચરિંગ લેબ સ્થાપશે, કેન્દ્ર બે એડવાન્સ અનુસ્નાતક સ્તરના અભ્યાસક્રમો ઓફર કરશે
B-1 અને B-2 વિઝા શું છે?
B-1 અને B-2 વિઝાને સામાન્ય રીતે B-VISA તરીકે ઓળખવામાં આવે છે. આ વિઝા અમેરિકામાં ઉપયોગમાં લેવાતા સૌથી કોમન વિઝા કહેવામાં આવે છે. બી-1 વિઝા મુખ્ય રીતે શોર્ટ ટર્મ બિઝનેસ ટ્રિપ અને B-2 મુખ્ય રીતે ટૂરિઝમ માટે આપવામાં આવે છે.