Anil Ambani ED Summons : ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ શુક્રવારે ફેમા હેઠળ સમન્સ જારી કર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ ‘વર્ચ્યુઅલી’ હાજર થવાની ઓફર કરી હતી. અનિલ અંબાણીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને પત્ર લખીને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ ચાલી રહેલી તપાસમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે.
ઇડીના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમણે અનિલ અંબાણીની વર્ચ્યુઅલ રીતે હાજર થવાની ઓફરને નકારી કાઢી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તપાસ એજન્સી ટૂંક સમયમાં તેમને જુબાની માટે હાજર રહેવાની નવી તારીખ આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય તપાસ એજન્સીએ અનિલ અંબાણીને શુક્રવારે રૂબરૂ હાજર થવા અને ફેમા હેઠળ તેમનું નિવેદન નોંધવા જણાવ્યું હતું. આ તપાસ જયપુર રિંગસ હાઇવે પ્રોજેક્ટ સાથે સંબંધિત છે.
અનિલ અંબાણી, કંપનીની 7500 કરોડની સંપત્તિ જપ્ત
તાજેતરમાં જ મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ અંબાણી અને તેમની કંપનીઓની 7,500 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કર્યા બાદ ઇડીએ એક નિવેદનમાં કહ્યું હતું કે રિલાયન્સ ઇન્ફ્રા વિરુદ્ધ સર્ચ એક્શન (ફેમા હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ) માં જાણવા મળ્યું છે કે હાઇવે પ્રોજેક્ટમાં 40 કરોડ રૂપિયાની કથિત રીતે દુરુપયોગ કરવામાં આવી હતી.
તપાસ એજન્સીએ કહ્યું હતું કે સુરત સ્થિત બોગસ કંપનીઓ દ્વારા પૈસા દુબઈ પહોંચાડવામાં આવ્યા હતા. આનાથી રૂ. 600 કરોડથી વધુનું વ્યાપક આંતરરાષ્ટ્રીય હવાલા નેટવર્ક શોધી કાઢવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઇડીએ કેટલાક કથિત હવાલા ડિલરો સહિત ઘણા લોકોના નિવેદનો નોંધ્યા છે, ત્યારબાદ તેમણે અનિલ અંબાણીને સમન્સ પાઠવવાનો નિર્ણય કર્યો છે.
ઇડીએ એક વખત ઉદ્યોગપતિની તેમની કંપનીઓના જૂથ વિરુદ્ધ 17,000 કરોડ રૂપિયાની કથિત બેંક છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરી હતી.
15 વર્ષ જુનો કેસ
નિવેદનમાં જણાવાયું છે કે, આ કેસ (ફેમા કેસ) 15 વર્ષ જૂનો છે, 2010 નો છે અને તે રોડ કોન્ટ્રાક્ટર સાથે સંબંધિત છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2010 માં જેઆર ટોલ રોડ (જયપુર રિંગસ હાઇવે) ના નિર્માણ માટે ઇપીસીનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
નિવેદનમાં જણાવ્યું છે કે, તે સંપૂર્ણફણે સ્થાનિક કોન્ટ્રાક્ટ હતો જેમાં કોઇ પણ પ્રકારના વિદેશી મૂડીરોકાણ સામેલ ન હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જેઆર ટોલ રોડ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયો છે અને 2021થી, તે છેલ્લા ચાર વર્ષથી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસે છે. ’’
અનિલઅંબાણી રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બોર્ડના સભ્ય નથી. “તેમણે એપ્રિલ 2007 થી માર્ચ 2022 સુધી લગભગ 15 વર્ષ સુધી કંપનીમાં માત્ર નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી હતી, અને કંપનીના રોજિંદા સંચાલનમાં ક્યારેય સામેલ ન હતા,” તેણે જણાવ્યું હતું. ’’





