ઓનલાઇન પેમેન્ટ કંપની Paytm અને તેના રોકાણકારો એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર ચીનનું દિગ્ગજ એન્ટ ગ્રૂપ ભારતની ફિનટેક કંપની Paytmમાં પોતાનો હિસ્સો વેચી શકે છે. આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે એન્ટ ગ્રૂપ પોતાનો એક હિસ્સો લિમિટથી ઓછું રાકવા માટે વિચારણા કરી રહ્યું છે.
રિપોર્ટમાં શું જણાવ્યું?
આ રિપોર્ટમાં જણાવાયું છે કે, ડિસેમ્બર 2022 સુધીમાં ચાઇનીઝ એન્ટ ગ્રૂપ પેટીએમ તરીકે ઓળખાતી વન 97 કોમ્યુનિકેશન્સમાં 24.86 ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ બાયબેક બાદ તેનું શેરહોલ્ડિંગ 25 ટકાથી વધુ થઇ ગયું છે. 13 ફેબ્રુઆરીએ બાયબેક પૂર્ણ થયા બાદ એન્ટ ગ્રૂપ પાસે પેટીએમમાં પોતાનો હિસ્સો ઘટાડવા માટે 90 દિવસનો સમય છે. નોંધનીય છે કે, ડિસેમ્બરમાં પેટીએમની પેરન્ટ કંપની One 97 કોમ્યુનિકેશન્સે 8.5 અબજ રૂપિયા (લગભગ 10 કરોડ ડોલર)ના શેર બાયબેકની ઘોષણા કરી હતી.
શું છે Paytmની સ્ટ્રેટેજી ?
થોડા સમય પહેલા ચીનના અલીબાબા ગ્રૂપ હોલ્ડિંગ લિમિટેડે પણ પેટીએમમાં પોતાનો હિસ્સો વેચ્યો હતો. અલીબાબા ગ્રૂપ વધી રહેલા ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે ભારતમાં રોકાણ પાછું ખેંચી રહ્યું છે. એક બાજુ એન્ટ ગ્રૂપ ભારતમાં પોતાનું રોકાણ પાછું ખેંચવાનો ઇરાદો ધરાવે છે, ત્યારે ભારતીય ટેલિકોમ ઉદ્યોગપતિ સુનીલ મિત્તલ પેટીએમની પેમેન્ટ્સ બેંક સાથે તેના ફાઇનાન્સિયલ સર્વિસના બિઝનેસને મર્જ કરીને પેટીએમમાં હિસ્સો હસ્તગત કરવા માગે છે. નોંધનીય છે કે, પેટીએમના શેરમાં રોકાણકારોને જંગી નુકસાન થયું છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ, સુનિલ મિત્તલ સ્ટોક ડીલ મારફતે એરટેલ પેમેન્ટ્સ બેંકને Paytm પેમેન્ટ્સ બેંક સાથે મર્જ કરવા ઇચ્છે છે અને અન્ય શેરધારકો પાસેથી Paytmના સ્ટોક્સ ખરીદવા માંગે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એરટેલ અને પેટીએમ વચ્ચેની મંત્રણા હાલના તબક્કે કોઈ નક્કર સમજૂતી પર પહોંચી શકી નથી.