ભારતમાં લોન ડિફોલ્ટરો પાસેથી બાકી લેણાંની વસૂલાત કરવા માટે સાત વર્ષ પહેલા ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ (IBC) કાયદો ઘડવામાં આવ્યો છે. જો કે અમુક કારણસર આ કાયદો સંપૂર્ણપણે અસરકારક કે ફળીભૂત થઇ શક્યો નથી અને છેવટે તો બેંક, નાણાંકીય કંપનીઓ સહિતના લેણદારોને નુકસાન સહન કરવું પડ્યું છે. આઇસીબીના આંકડા મુજબ લોન ડિફોલ્ટર ટોચની કંપનીઓ પાસેતી લેણદારો માત્ર 17 ટકા જ રકમની વસૂલી કરી શકે છે. બીજા શબ્દોમાં કહીયે તો દેવાદારો પાસેથી લેવાની નીકળતી 83 ટકા રકમ જતી કરવી પડી છે. ઉપરાંત ફડચામાં ધકેલવામાં આવેલી કંપનીમાં ડિફોલ્ટરોએ લેણદારો માટે વસૂલવા પાત્ર કંઇ જ બાકી રાખ્યું નથી.
ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા (IBBI)ના આંકડા અનુસાર અત્યાર સુધીમાં નાદારી કાયદા હેઠળ 678 કોર્પોરેટ કંપનીઓ- દેવાદારોને બચાવી લેવામાં આવ્યા છે, ડિસેમ્બર 2022 સુધી રૂ. 1,000 કરોડથી વધુની લોન ડિફોલ્ટના 117 કેસ સ્વીકાર્યા છે અને 102 રિઝોલ્યુશન પ્લાન્સ આપ્યા છે.
આ 177 કોર્પોરેટ દેવાદારોને જ્યારે કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયામાં ધકેલવામાં આવ્યા ત્યારે લેણદારોનું 8.09 લાખ કરોડ રૂપિયાથી વધુનું દેવું હતું. જોકે તેમની સંપત્તિનું વસૂલ કરી શકાય તેવું મૂલ્ય માત્ર 1.51 લાખ કરોડ રૂપિયા હતું.
એટલે કે લેણદારો તેમના દાવાઓના માત્ર 17 ટકા જ મેળવવાની આશા રાખી શકે છે. આ ડિફોલ્ટરો પાસેથી ધિરાણકર્તાઓ વસૂલી શકે તેવું કંઈ જ બચ્યું નથી,” એવું એક બેંક અધિકારીએ જણાવ્યું હતું.
આ દરમિયાન, 2,030 કોર્પોરેટ દેવાદારો કે જેઓ અત્યાર સુધીમાં લિક્વિડેશનના ઓર્ડર સાથે સમાપ્ત થયા છે, 176 (ડિસેમ્બર 2022 સુધી 165, જાન્યુઆરી-માર્ચ 2023માં 11) એ 1,000 કરોડથી વધુના દાવા સ્વીકાર્યા.
“આ કોર્પોરેટ દેવાદારો ઉપર રૂ. 7.39 લાખ કરોડનું કુલ દેવું હતું. જો કે તેમની પાસે હકીકતમાં માત્ર રૂ. 0.41 લાખ કરોડની જ સંપત્તિ હતી,” એવું IBBIએ તેના ત્રિમાસિક અહેવાલમાં જણાવ્યું હતું.
માર્ચ 2023 સુધીમાં લેણદારોએ રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ રૂ. 2.86 લાખ કરોડની વસૂલાત કરી છે.
અલબત્ત જ્યારે કોર્પોરેટ દેવાદારોએ નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયામાં ધકેલવામાં આવ્યા ત્યારે તેમની પાસે ઉપલબ્ધ અસ્કયામતોનું વાજબી મૂલ્ય અંદાજિત રૂ. 2.65 લાખ કરોડ હતું અને લિક્વિડેશન મૂલ્ય રૂ. 1.70 લાખ કરોડ હતું. જો કે લેણદારોના કુલ બાકી લેણાં રૂ. 8.99 લાખ કરોડ હતા.
IBBIએ જણાવ્યું કે RBIના નિર્દેશ મુજબ 12 મોટા લોન ડિફોલ્ટર એકાઉન્ટનું રિઝોલ્યુશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમના કુલ રૂ. 3.45 લાખ કરોડની બાકી લેણાં સામે લિક્વિડેશન વેલ્યૂ માત્ર રૂ. 73,220 કરોડ હતી. જેમાં બે કોર્પોરેટ દેવાદારોને ફડચામાં લઇ જવામાં આવ્યા અને બાકીના લોન ડિફોલ્ટરોના કિસ્સામાં રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી.
લિક્વિડેશન એટલે કે કંપનીને ફડચામાં લઇ જેવી એ નાદારી કાયદા હેઠળ બંધ કરાયેલા કુલ કોર્પોરેટ લોન ડિફોલ્ટના કેસમાં 45 ટકા હિસ્સો ધરાવે છે, કારણ કે બેંકરપ્સી કેસોને બંધ કરવાનો તે સૌથી સરળ માર્ગ રહે છે.
નોંધનિય છે કે, દેશમાં CIRPનો કાયદો 1 ડિસેમ્બર, 2016 ના રોજ અમલમાં આવ્યો છે. માર્ચ 2023ના અંત સુધીમાં કુલ 6,571 કેસમાં કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન કાર્યવાહી (CIRPs) શરૂ કરવામાં આવી હતી. તેમાંથી 4,515 કેસ બંધ કરવામાં આવ્યા છે, એવું IBBIએ જણાવ્યું હતું.