Best 10 Government Small Saving Schemes List: બચત અને રોકાણ માટે સરકારી બચત યોજનાઓ શ્રેષ્ઠ છે. સરકારી બચત યોજનામાં મૂડીની સુરક્ષા સાથે પાકતી મુદ્દતે ચોક્કસ વ્યાજદર સાથે વળતર મળવાની ખાતર હોય છે. હાલ પોન્ઝી સ્કીમમાં લોકોએ લાખો કરોડો રૂપિયા ગુમાવ્યા હોવાના સમાચાર આવ્યા આવી રહ્યા છે. આવી લોભામણી પોન્ઝી સ્કીમમાં ઓછા સમયમાં ઉંચા વળતરની લાલચ આપી ભોળો લોકોને છેતરવામાં આવી છે. પોન્ઝી સ્કીમમાં મૂડી ગુમાવવા કરતા સરકારી બચત યોજનામાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે. અહીં સરકાર દ્વારા સંચાલિત 10 લોકપ્રિય બચત યોજના વિશે જાણકારી આપવામાં આવી છે.
અટલ પેન્શન યોજના (APY)
અટલ પેન્શન યોજના (APY) એ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે સરકાર દ્વારા શરી કરવામાં આવેલી પેન્શન યોજના છે. આટલ પેન્શન યોજનાનો હેતુ પીએફ નિવૃત્તિ યોજનાના લાભથી વંચિત લોકોને વૃદ્ધાવસ્થામાં નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવાનો છે. અટલ પેન્શન યોજનામાં શરૂઆતમાં નિશ્ચિત રકમનું રોકાણ કર્યા બાદ 60 વર્ષની ઉંમર પછી ગેરંટીડ પેન્શન મળે છે. 18 થી 40 વર્ષનું કોઇ પણ વ્યક્તિ અટલ પેન્શન યોજનામાં રોકાણ કરી શકે છે. તેમા આવકવેરા અધિનિયમની કલમ 80CCD હેઠળ કર કપાતનો લાભ મળે છે.
પોસ્ટ ઑફિસ માસિક આવક યોજના (POMIS)
પોસ્ટ ઑફિસ માસિક આવક યોજના એ ભારતીય ટપાલ વિભાગ સેવા દ્વારા ચલાવવામાં આવે છે. પોસ્ટ બચત યોજનામાં ચોક્ક્સ વળતર મળવાની સાથે ઓછું જોખમ હોય છે. નિયમિત આવક મેળવવા માંગતા લોકો માટે શ્રેષ્ઠ બચત યોજના છે. પોસ્ટ માસિક આવક યોજનામાં રોકાણની રકમ લઘુત્તમ 1000, મહત્તમ 9 લાખ (સિંગલ એકાઉન્ટ) અથવા 15 લાખ (સંયુક્ત ખાતું) છે. 5 વર્ષની મુદ્દતની આ બચત યોજનાના વ્યાજદર સરકાર દર 3 મહિને નક્કી કરે છે.

કિસાન વિકાસ પાત્ર (KVP) :
કિસાન વિકાસ પાત્ર (કેવીપી) એક સરકારી બચત યોજના છે જે લાંબા ગાળાની નાણાંકીય શિસ્તને પ્રોત્સાહન આપે છે. લગભગ 113 મહિનાની મુદ્દત (9 વર્ષ અને 3 મહિના) સાથે ગેરેન્ટેડ રિટર્નની ખાતરી આપે છે. કોઇ પણ ભારતીય નાગરિક, સગીર બાળકના નામે માતા પિતા કિસાન વિકાસ પત્ર ખરીદી શકે છે. તેમા લઘુતમ 1000 થી રોકાણ શરૂ કરી શકાય છે, મહત્તમ રોકાણની મર્યાદા નથી. કિસાન વિકાસ પત્રની પાકતી મુદ્દત 113 મહિના (આશરે 9.3 વર્ષ) હોય છે. તેમા કર મુક્તિનો લાભ મળે છે.
રાષ્ટ્રીય પેન્શન યોજના (એનપીએસ)
રાષ્ટ્રીય પેન્શન યોજના એ PFRDA દ્વારા સંચાલિત એક નિયમિત સ્વૈચ્છિક, બજાર-સંલગ્ન નિવૃત્તિ બચત યોજના છે. આ યોજના તમને તમારા નોકરીના સમયગાળા દરમિયાન નિયમિત યોગદાન કરીને નિવૃત્તિ ભંડોળ બનાવવાની મંજૂરી આપે છે. આ યોજનામાં 18 થી 65 વર્ષના ભારતીય નાગરિક રોકાણ કરી શકે છે. તેમા જમા કુલ રકમના 60 ટકા નાણાં મેચ્યોરિટી સમયે એકસામટા ઉપાડવાની સુવિધા મળે છે. ઉપરાંત 1.5 લાખ રૂપિયા સુધીનો કર લાભ પણ મળે છે.જ
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC)
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર એ ટપાલ વિભાગ દ્વારા સંચાલિત સરકાર દ્વારા સમર્થિત નિશ્ચિત આવક રોકાણ યોજના છે. આ યોજના લોકોને ભારતીય કર કાયદા હેઠળ કર લાભો પ્રદાન કરતી વખતે તેમની બચતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમા 100 રૂપયિાથી રોકાણ શરૂ કરી શકાય છે અને મહત્તમ રોકાણની કોઇ મર્યાદા નથી. યોજના 5 વર્ષની હોય છે. તેમા કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની કર કપાતનો લાભ મળે છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એક લાંબા ગાળાની સરકારી રોકાણ યોજના છે જે વાજબી રિટર્ન અને કર લાભ પ્રદાન કરી નાની બચત રોકાણને પ્રોત્સાહન આપે છે. આ યોજના સુરક્ષિત બચત અને કર કપાત માંગતા વ્યક્તિઓ માટે લોકપ્રિય છે. પીપીએફમાં દર વર્ષે લઘુત્તમ 500 અને મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકાય છે. પીપીએફ યોજના 15 વર્ષની હોય છે. આ રોકાણ આવકવેરા કલમ 80C હેઠળ કર કપાત માટે પાત્ર છે
સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ
વરિષ્ઠ નાગરિકો માટે સિનિયર સિટીઝ સેવિંગ સ્કીમ (SCSS) શ્રેષ્ઠ છે. આ બચત યોજના 60 અને તેનાથી વધુ ઉંમરના ભારતીય નાગરિકોને નિયમિત આવક, સુરક્ષા અને કર બચત લાભ પ્રદાન કરે છે. તેમા 55 થી 60 વર્ષ અથવા 60 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ પણ રોકાણ કરી શકે છે. રોકાણની લઘુતમ રકમ 1000 અને મહત્તમ 15 લાખ રૂપિયા છે. બચત યોજનાની મુદ્દત 5 વર્ષ છે અને તેમા કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયાન સુધી કર કપાતનો લાભ મળે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)
સુકન્યા સમૃદ્ધિ યોજના નાની બાળકીઓ માટે શરૂ કરવામાં આવેલી સરકારી બચત યોજના છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાનો હેતુ છોકરીઓના શિક્ષણ અને લગ્ન જેવા ખર્ચ માટે બચત રોકાણને પ્રોત્સાહન આપવાનો છે. 10 વર્ષ સુધીની છોકરીના નામે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવી શકાય છે. તેમા લઘુત્તમ 250 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકાય છે અને વાર્ષિક રોકાણની મહત્તમ મર્યાદા 1.5 લાખ રૂપિયા છે. SSYનું ખાતું 21 વર્ષ સુધી એક્ટિવ રહે છે. આ યોજનાાં 15 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે અને 21 વર્ષે મેચ્યોરિટી થાય છે. આ યોજનામાં કલમ 80C હેઠળ કર કપાતનો લાભ મળે છે.

સોવરેન ગોલ્ડ બૉન્ડ્સ (SGB)
સોવરેન ગોલ્ડ બોન્ડ્સ સરકારી યોજના છે, જે ડિજિટલ ગોલ્ડમાં રોકાણની તક આપે છે. સોવરેન ગોલ્ડ બોન્ડમાં લઘુતમ 1 ગ્રામ અને મહત્તમ 500 ગ્રામ સુધી રોકાણ કરી શકાય છે. ચોરાઇ કે ખોવાઇ જવાની ચિંતા કર્યા વગર સોવરેન ગોલ્ડ બોન્ડ સોનામાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમા વાર્ષિક 2.5 ટકા વ્યાજ મળે છે અને મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે. સોવરેન ગોલ્ડ બોન્ડમા રોકાણ સંપૂર્ણપણે કર મુક્ત છે.
પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY)
પ્રધાનમંત્રી જન ધન યોજના ભારતના લોકોને બચત કરવા પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવેલી સરકારી પહેલ છે. પ્રધાનમંત્રી જનધન યોજનામાં કોઇ પણ વ્યક્તિ બેંક ખાતું ખોલાવી શકે છે. તેમાં ઝીરો એકાઉન્ટ બેલેન્સ સાથે પાસ બુક, ડેબિટ એટીએમ કાર્ડ જેવી સુવિધા મળે છે. PMJDYમાં જમા થાપણદર સરકાર દ્વારા નિર્ધારિત ચોક્કસ વ્યાજ મળે છે.





