વિશ્વ મહિલા દિવસ : મહિલાઓ માટે લોકપ્રિય બચત યોજના, જેમા ઉંચા વળતર સાથે કર મુક્તિનો લાભ મળશે

Best Saving Scheme For Women : મહિલા નાણાંકીય દ્રષ્ટિએ સદ્ધર હોવું જરૂરી છે. મહિલા દિવસ પર મહિલાઓ માટે ઉંચા વળતર સાથે કર મુક્ત સોથી લોકપ્રિય બચત યોજના વિશે જાણીયે.

Written by Ajay Saroya
March 08, 2024 17:25 IST
વિશ્વ મહિલા દિવસ : મહિલાઓ માટે લોકપ્રિય બચત યોજના, જેમા ઉંચા વળતર સાથે કર મુક્તિનો લાભ મળશે
મહિલા માટે બચત કરવાના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. (Photo - Freepik)

Best Saving Scheme For Women : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર, આજે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને મહિલાઓ માટે ઉપલબ્ધ વધુ સારા રોકાણ વિકલ્પો વિશે વાત કરીશું. ચાલો પહેલા જાણીએ કે અડધી વસ્તીને સમર્પિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત કેવી રીતે થઈ.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત કેવી રીતે થઇ?

એવું કહેવાય છે કે 20મી સદીની શરૂઆતમાં અમેરિકા અને યુરોપમાં મજૂર આંદોલનની વચ્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો જન્મ થયો હતો. ઈતિહાસના પાના પર નજર કરીએ તો આ દિવસની ઉજવણીનો સંબંધ ઘણો જૂનો છે. વર્ષ 1908માં લગભગ 15,000 મહિલાઓ તેમની અનેક માંગણીઓ માટે વિરોધ કરવા માટે ન્યૂયોર્કના રસ્તાઓ પર ઉતરી હતી. ન્યૂયોર્ક સિટીમાં હજારો મહિલાઓએ અડધી વસ્તી માટે કામના કલાકો, વધુ સારા વેતન અને મતદાનના અધિકારોની મર્યાદાની માંગ સાથે રેલી કાઢી હતી. તે પછી, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો વિચાર વર્ષ 1910માં કોપનહેગનમાં કામ કરતી મહિલાઓ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ઉભરી આવ્યો હતો. આ સમય દરમિયાન તેમણે એક ડ્રાફ્ટ રજૂ કર્યો કે તેઓની માંગ પર ભાર મૂકવા માટે દરેક દેશમાં દર વર્ષે એક જ દિવસે મહિલા દિવસની ઉજવણી કરવી જોઈએ.

Womens Day Happy Womens Day 2024 Messages Quotes wishes in gujarati
Happy Womens Day 2024 : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા (Source : Canva)

8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે માન્યતા મળવામાં ઘણા વર્ષો લાગ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1975માં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી ચાલી રહી છે.

હવે આપણે દુનિયાની અડધા વસ્તી માટે વધુ સારા રોકાણ વિકલ્પ વિશે વિચારણા કરીશું. ભારતમાં મહિલાઓ આત્મનિર્ભર બનવાની સાથે આર્થિક રીતે પણ સમૃદ્ધ બની રહી છે. તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કર્યા પછી, દેશની આ વર્કિંગ વુમન તેમની બચતને રોકાણના વિવિધ વિકલ્પોમાં રોકાણ કરી રહી છે. જો તમે પણ વર્કિંગ વુમન અથવા જોબ પ્રોફેશનલ છો અને ઘરની અન્ય જવાબદારીઓ સાથે ભવિષ્ય માટે એક મોટું ફંડ તૈયાર કરવાનું વિચારી રહ્યા છો, તો અહીં તમારા માટે કેટલીક મહત્વપૂર્ણ બચત યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી છે. રોકાણ કરતા પહેલા આ વિકલ્પો પર એક નજર કરીએ.

મહિલા સન્માન બચત યોજના

મહિલા સન્માન બચત પ્રમાણપત્ર એ મહિલાઓ માટે રોકાણના શ્રેષ્ઠ વિકલ્પ પૈકીનું એક છે. આ રોકાણ વિકલ્પ ભારત સરકાર દ્વારા મહિલાઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી ડિપોઝિટ સ્કીમ છે. આમાં મહિલાઓ ઓછામાં ઓછા 1000 રૂપિયાથી વધુમાં વધુ 2 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. આ રકમ બે વર્ષ માટે જમા કરવામાં આવે છે. હાલમાં સરકાર આ યોજના પર મહિલાઓને 7.5 ટકાના દરે વ્યાજ આપી રહી છે. મહિલાઓ આ વિકલ્પોમાં નાણાંનું રોકાણ કરવા માટે પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં તેમનું ખાતું ખોલાવી શકે છે. આમાં, વ્યાજની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે અને ખાતામાં જમા કરવામાં આવશે અને એકાઉન્ટ બંધ થવાના સમયે ચુકવણી કરવામાં આવશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY-SKY) કન્યાઓ માટે કરમુક્ત નાની બચત યોજના છે. જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળા દરમિયાન, આ યોજના પર વ્યાજ દર 8.2 ટકા છે. ઉપરાંત સેક્શન 80સી હેઠળ દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છુટ પણ મળે છે. એટલું જ નહીં તેના પર મળતું વ્યાજ પણ કરમુક્ત છે. સુકન્યા સમૃદ્ધિ યોજના માટે પાત્ર બનવા માટે, કન્યાની ઉંમર 10 વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ. વધુમાં વધુ બે છોકરીઓ માટે બે સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવી શકાય છે. તમે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટને ઓછામાં ઓછી 250 રૂપિયાની ડિપોઝિટ સાથે શરૂ કરી શકો છો. પછીના વર્ષોમાં, તમારે કોઈપણ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવા પડશે.

saving scheme for girl child | tax free saving scheme | tax free investment scheme | ppf | sukanya samriddhi yojana | ssy
SSY vs PPF : પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજના કર મુક્તિ બચત યોજના છે. (Photo – Freepik)

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કોઇ એક નાણાકીય વર્ષમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે. તમારી પાસે એકસાથે અથવા હપ્તામાં રોકાણ કરવાનો વિકલ્પ છે. આ યોજનામાં વ્યાજ દર દર ત્રિમાસિકમાં અપડેટ કરવામાં આવે છે. ખાતું ખોલવાની તારીખથી 15 વર્ષ સુધી તમારે સુકન્યા સમૃદ્ધિ ખાતામાં પૈસા જમા કરાવવાના રહેશે. પરંતુ આ યોજના ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષ પછી પરિપક્વ થશે. ઉપરાંત કન્યા 18 વર્ષની થઈ જાય પછી તેના લગ્ન માટે એકાઉન્ટ બંધ કરવાનો વિકલ્પ પણ છે. મેચ્યોરિટી પહેલા જમા થયેલી રકમના 50 ટકા સુધી નાણાં પુત્રીના શિક્ષણ માટે ઉપાડવાની છૂટ છે.

પોસ્ટ ઓફિસ MIS યોજના

પોસ્ટ ઓફિસની બીજી સ્કીમ – માસિક આવક યોજના (MIS) પણ મહિલાઓ માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આ બચત યોજનામાં એક વખત ચોક્કસ રકમનું રોકાણ કરીને, દર મહિને વ્યાજના રૂપમાં નિયમિત આવકની વ્યવસ્થા કરી શકાય છે. આ બચત યોજનામાં 5 વર્ષનો લોક-ઇન પીરિયડ છે. આ સ્કીમમાં રોકાણની મહત્તમ મર્યાદા સિંગલ એકાઉન્ટ માટે 4.5 લાખ રૂપિયાથી વધારીને 9 લાખ રૂપિયા અને જોઈન્ટ એકાઉન્ટ માટે 15 લાખ રૂપિયા કરવામાં આવી છે. એક ખાતા માટે, રૂ. 9 લાખના રોકાણ પર માસિક વ્યાજની આવક લગભગ રૂ. 5,325 હશે, જ્યારે સંયુક્ત ખાતામાં રૂ. 15 લાખના રોકાણ પર, માસિક વ્યાજની આવક રૂ. 8,875 થઈ શકે છે. એકાઉન્ટ ખોલવાની તારીખથી એક મહિના પછી વ્યાજ ચૂકવવામાં આવશે.

savings | saving Scheme | ppf | nps | ssy | Public Provident Fund | Sukanya Samriddhi Yojana | National Pension System | tax free saving scheme | small savings scheme interest rate
નાની બચત યોજનામાં રોકાણ કરવાથી ટેક્સ બચાવવામાં મદદ મળે છે. (Photo – freepik)

LIC ની આધારશિલા પોલિસી

LICની આધારશિલા પોલિસી મહિલાઓ માટે શ્રેષ્ઠ યોજના માનવામાં આવે છે. આ એક નોન-લિંક્ડ પર્સનલ લાઈફ ઈન્સ્યોરન્સ સ્કીમ છે. આ યોજનામાં રોકાણકારને પાકતી મુદત પર એક નિશ્ચિત રકમ મળે છે. જો રોકાણકાર પોલિસી પૂર્ણ થયા પહેલા મૃત્યુ પામે છે, તો પરિવારને આર્થિક સહાય પણ આપવામાં આવે છે. આ પોલિસી હેઠળ, ઓછામાં ઓછા રૂ. 75,000 મૂળભૂત વીમા રકમ તરીકે ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે વીમાની મહત્તમ રકમ 3 લાખ રૂપિયા છે. આમાં તમને માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ચુકવણીનો વિકલ્પ મળે છે. તે પણ મહત્વનું છે કે પ્લાનમાં પાકતી મુદત માટે પોલિસીધારકની મહત્તમ ઉંમર 70 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

આ પણ વાંચો | વિશ્વ મહિલા દિવસ : ભારતની 10 સૌથી ધનવાન મહિલાઓ, મહિને કરે છે કરોડોની કમાણી

પીપીએફ (PPF(

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF પણ રોકાણનો સારો વિકલ્પ છે. પોસ્ટ ઓફિસ પીપીએફ સ્કીમ 15 વર્ષના લોક-ઇન પીરિયડ સાથે આવે છે. જેમા તમને આવકવેરાની કલમ 80સી હેઠળ કર કપાતનો લાભ પણ મળે છે. સરકાર દર ત્રિમાસિકમાં આ સ્કીમ પર વ્યાજ દર નક્કી કરે છે. હાલ પીપીએફમાં રોકાણ કરવા પર 7.1 ટકા વાર્ષિક વ્યાજ દર ઓફર કરવામાં આવે છે. આ રોકાણ યોજનામાં તમે વાર્ષિક રૂ. 500 થી રૂ. 1.50 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. પીપીએફ ખાતું ખોલવાની તારીખથી 5 વર્ષ પૂર્ણ થયા પછી આંશિક ઉપાડ પણ કરી શકાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ