મિનરલ વોટર બ્રાન્ડ બિસ્લેરી હવે ટાટા ગ્રુપની થઈ શકે છે, એવા સમાચાર આવી રહ્યા છે. બિસલરીના માલિક રમેશ ચૌહાણે સ્વીકાર્યું છે કે, તેઓ બિસલરીના સંભવિત ખરીદદારો સાથે વાતચીત કરી રહ્યા છે. બિસ્લેરીને આજે જે દરજ્જો મળ્યો છે તે રમેશ ચૌહાણે પોતાના દમ પર અપાવ્યો છે. જે કંપની તેમણે 1969માં લગભગ પાંચ લાખ રૂપિયામાં ખરીદી હતી, તે આજે 7000 કરોડમાં વેચવાની વાત છે. અસલમાં બિસ્લેરી કંપની દારૂના વ્યસનમાંથી મુક્તિ મેળવવા માટે પીણું બનાવતી હતી. જોકે, કંપનીએ પાણી વેચવાના ઈરાદાથી ભારતમાં પગ મૂક્યો હતો. બિસ્લેરીની સંપૂર્ણ કહાની જોઈએ:
કંપનીનું નામ બિસ્લેરી કેમ?
બિસ્લેરીનું નામ તેના સ્થાપક પરથી પડ્યું. બિસ્લેરી કંપનીની સ્થાપના 20 નવેમ્બર, 1851ના રોજ ઇટાલિયન ઉદ્યોગપતિ સિગ્નોર ફેલિસ બિસ્લેરી દ્વારા કરવામાં આવી હતી. સિગ્નર ફેલિસ એક બિઝનેસવુમન તેમજ શોધક અને રસાયણશાસ્ત્રી હતી. તેમણે ઇટાલીના નોસેરા ઉમ્બ્રા નામના શહેરમાં બિસ્લેરી શરૂ કરી. પછી એન્જેલિકા સ્પ્રિંગ વોટર અને વિવિધ જડીબુટ્ટીઓ અને આયર્ન ક્ષાર ઉમેરીને બિસ્લેરી બનાવવામાં આવતી હતી, કારણ કે સિગ્નોર ફેલિસે આલ્કોહોલ રેમેડી એટલે કે, દારૂ છોડાવવાના ઉપાય તરીકે બિસ્લેરીની શરૂઆત કરી હતી.
બિસલેરી ભારત કેવી રીતે પહોંચી?
1921માં સિગ્નર ફેલિસના મૃત્યુ પછી, કંપની તેમના ફેમિલી ડૉક્ટર ડૉ. સીઝર રોસી દ્વારા ચલાવવામાં આવી હતી. ડો. રોસી તેમના વકીલ મિત્ર ખુશરુ સુનટુક સાથે પાણી વેચવાના ઈરાદાથી ભારત પહોંચ્યા. જો કે, ત્યારે ભારતમાં પાણીની અનુપલબ્ધતા કોઈ અસુવિધાની શ્રેણીમાં ન હતી. તેમ છતાં, સ્વપ્નદ્રષ્ટા રોસી અને સનટુકેએ 1965માં થાણે, મુંબઈ ખાતે બિસ્લેરીનો પ્રથમ વોટર પ્લાન્ટ સ્થાપ્યો.
કંપનીએ પોતાને મિનરલ વોટર અને સોડા વેચતી કંપની તરીકે પ્રમોટ કરવાનું શરૂ કર્યું. ફાઈવ સ્ટાર હોટલ અને મોંઘી રેસ્ટોરાંમાં પોતાનું સ્થાન બનાવ્યું. પરંતુ મોટી સફળતા માટે આ બંધ બોટલને ભારતના સામાન્ય લોકો સુધી પહોંચાડવી જરૂરી હતી.
400 નદીઓવાળા દેશમાં પાણીનું વેચાણ કેવી રીતે શરૂ થયું?
વિદેશી મિત્રોની કંપની સામાન્ય ભારતીયોને તેમની કંપનીના પાણીમાં ઉતારવામાં સફળ નહોતી થઈ શકી. બિસ્લેરી વેચાવા જઈ રહી છે તેવી જાહેરાત કરવામાં આવી હતી. બીજી તરફ, આઝાદીના બે વર્ષ પછી રચાયેલી પારલે નામની કંપની ધીમે ધીમે તેની પહોંચ વિસ્તારી રહી હતી. જ્યારે પાર્લેના સંસ્થાપક જયંતિલાલ ચૌહાણના પુત્ર રમેશ ચૌહાણને બિસ્લેરીના વેચાણના સમાચાર મળ્યા ત્યારે તેમણે 1969માં આ કંપનીને 4 લાખ રૂપિયામાં ખરીદી લીધી.
પરંતુ કંપનીએ હજુ પણ સમજાવવું પડ્યું કે, 400 નદીઓ ધરાવતા દેશના લોકોએ બોટલનું પાણી કેમ ખરીદવું જોઈએ. કંપનીએ જાહેરાત માટે એક પોસ્ટર બહાર પાડ્યું હતું, જેમાં WHOને ટોચ પર ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, વિશ્વમાં 80 ટકા રોગો શુદ્ધ પાણી ન પીવાથી થાય છે. લોકો સુધી પહોંચવા માટે, 1995માં કંપનીએ માત્ર 5 રૂપિયાની કિંમતની 500 મિલીલીટરની નાની બોટલ પણ રજૂ કરી હતી.
કંપનીએ હંમેશા એ વાતનું ધ્યાન રાખ્યું છે કે, સામાન્ય લોકો જ્યાં ભેગા થાય છે તે દરેક જગ્યાએ પાણીની બોટલ ઉપલબ્ધ હોવી જોઈએ, જેમ કે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, રસ્તાની બાજુની નાની દુકાનો… વગેરે. આ પછી, બિસ્લેરીનું જે વિસ્તરણ થયું તે સમગ્ર દેશમાં જોઈ શકાય છે.
નકલ પણ બિસ્લેરી સામે હારી ગઈ
સ્પેલીંગમાં બ્રામક ફેરફાર કરી નકલ કરનારા વેપારીઓએ તેમની પાણીની બોટલો વેચવાનો ઘણી વખત પ્રયાસ કર્યો હતો પરંતુ બિસ્લેરીનું વર્ચસ્વ ઓછું થયું નથી. આજે પણ મિનરલ ડ્રિંકિંગ વોટર ઉદ્યોગનો 60 ટકા બજાર હિસ્સો બિસ્લેરીના ખિસ્સામાં છે. ગત નાણાકીય વર્ષમાં, બિસ્લેરીનું ટર્નઓવર રૂ. 1,181.7 કરોડ હતું, જેમાં રૂ. 95 કરોડનો નફો થયો હતો.
આ પણ વાંચો – TATAની થઈ શકે છે Bisleri! 59 વર્ષ જૂની બ્રાન્ડને ચલાવવામાં પુત્રીને રસ નથી, 82 વર્ષના થયા ચેરમેન
રમેશ ચૌહાણ કેમ વેચી રહ્યા છે બિસલેરી?
બિસ્લેરીના ચેરમેન રમેશ ચૌહાણનું કહેવું છે કે, કંપનીને આગળના સ્તર પર લઈ જવા માટે કોઈ હોવું જોઈએ. તેમની પુત્રી અને કંપનીની વાઇસ ચેરપર્સન જયંતિ ચૌહાણને આમાં રસ નથી. એટલા માટે તે ખરીદનારની શોધમાં છે. ચૌહાણે કહ્યું છે કે, કંપનીને આગળ લઈ જનાર અને વિસ્તરણ કરવા માટે કોઈ ઉત્તરાધિકારી નથી.