ક્રિપ્ટો કરન્સી લોકોને રાતો રાત ‘કરોડપતિ’ પણ બનાવી દે છે અને ‘રોડ પતિ’ બનતા પણ વાર લાગતી નથી. આવું જ કંઇક માત્ર 30 વર્ષના યુવાન બિલિયોનર ક્રિપ્ટો સીઇઓ સેમ બેન્કમેન સાથે થયુ છે. FTX.comના CEO સેમ બેન્કમેન-ફ્રાઈડે રાતોરાત તેમનો અબજોપતિનો દરજ્જો ગુમાવ્યો કારણ કે તેમની વ્યક્તિગત સંપત્તિ એક જ દિવસમાં લગભગ 94 ટકા ઘટીને 99.15 કરોડ ડોલર થઈ ગઈ. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, આ ઘટના કોઇ એક જ દિવસમાં અબજોપતિની સંપત્તિમાં સૌથી મોટો ઘટાડો દર્શાવે છે.
સંપત્તિમાં આ અધધધ… ધોવાણ FTX.comના 30 વર્ષીય ક્રિપ્ટો સેમ બેન્કમેન-ફ્રાઈડે દ્વારા તેના હરિફ ક્રિપ્ટો એક્સચેન્જ બાઇનાન્સને ટેકઓવર કરવાની ઘોષણા બાદ આવ્યો છે.
મંગળવારે એક ટ્વીટમાં, વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ, Binance (બાઇનાન્સ)ના વડા, ચાંગપેંગ ઝાઓએ જણાવ્યું હતું કે તેમની કંપનીએ FTX ખરીદવાના પત્ર પર હસ્તાક્ષર કર્યા છે કારણ કે નાનું એક્સચેન્જ “ગંભીર તરલતાની તંગી” અનુભવી રહ્યું હતું. ઝાઓએ આ સોદાની ઘોષણા કર્યા પછી તરત જ રોકાણ અંગે બે બોધપાઠ પણ જણાવ્યા હતા. જો કે કમનસીબે આ ડીલ કેન્સલ થઇ છે.

આ સોદાની ઘોષણા થઇ તેની પહેલા સેમ બેન્કમેન-ફ્રાઈડની સંપત્તિ અંદાજે 15.2 અબજ ડોલર હતી. જો કે આ સોદાની ઘોષણા થયા બાદ રાતોરાત તેની સંપત્તિમાં લગભગ 14.6 અબજ ડોલરનું ધોવાણ થયુ અને તે યુવાન અબજોપતિઓની યાદીમાં બહાર ફેંકાઇ ગયા છે.
સાત દિવસમાં FTXની કિંમત 90 ટકા ઘટી..
છેલ્લા સાત દિવસમાં FTX.comની શેરની કિંમત ગુરુવારે 2.32 ડોલર બોલાઇ હતી. છેલ્લા સાત દિવસમાં આ કંપનીનો શેર 90 ટકા જેટલો તૂટ્યો છે.
આ ઘટના 30 વર્ષીય અબજોપતિ માટે મોટા આંચકા સમાન છે, જે સોશિયલ મીડિયા પર SBF તરીકે ઓળખાય છે અને બહુ નાની ઉંમરમાં આટલી કમાણી કરીને અબજોપતિ બનાવા બદલ ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. ફોર્ચ્યુન મેગેઝિનને ઓગસ્ટમાં આશ્ચર્ય વ્યક્ત કર્યુ કે, શું તે નવા વોરેન બફેટ છે.
બેન્કમેન-ફ્રાઈડે અગાઉ પોતાનો બિઝનેસ વેચવા વિશેની વાત કરી હતી, અને FTXની આ ઘટનાક્રમ વચ્ચે તેમની ટિપ્પણી પર એક ન્યુઝ આર્ટિકલ ફરી સામે આવ્યો હતો.
સેમ બેન્કમેન-ફ્રાઈડે એ સ્ટેનફોર્ડ લો સ્કૂલના પ્રોફેસરોનો પુત્ર અને પ્રખ્યાત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)માંથી ગ્રેજ્યુએટ થયેલા છે. વર્ષ 2017માં ક્રિપ્ટો કરન્સી ટ્રેડિંગ શરૂ કર્યુ તેની પહેલાં તે વોલ સ્ટ્રીટ પર બ્રોકર તરીકે પણ કામ કર્યું હતું.
માત્ર 4 કલાક ઉંઘે છે
સેમ બેન્કમેન-ફ્રાઈડે ચુસ્ત શાકાહારી છે અને રાત્રે માત્ર ચાર કલાક જ ઊંઘે છે. ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં તે એક જાણીતો ચેહરો છે અને તેણે પશુઓના સેવા અને ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈ જેવી તેમની મનપસંદ પહેલ પાછળ પોતાની લગભગ બધી જ સંપત્તિ દાન કરવાનું વચન આપ્યું હતું.
FTX અને બાઇનાન્સ વચ્ચેની ડીલ રદ
બાઇનાન્સના સીઇઓ ચેંગપેગ ઝાઓએ પોતાનું ક્રિપ્ટો એક્સચેન્જ FTX.comને વેચવાની મંગળવારે ઘોષણા કરી હતી. જો કે આ ઘોષણાના એક દિવસ બાદ જ આ ડીલ કેન્સલ કરવામાં આવી છે. બાઇનાન્સે બુધવારે એક નિવેદનમાં જણાવ્યુ કે, કંપની સ્તરે ચર્ચા-વિચારણા કર્યા બાદ અને કસ્ટમર ફંડના મિસ- મેનેજમેન્ટ તેમજ યુએસ એજન્સી દ્વારા કથિત તપાસના અહેવાલો બાદ અમે FTX.com સાથેની સંભવિત એક્વિઝિશનની ડીલ આગળ નહીં વધારવાનો નિર્ણય લીધો છે.
ક્રિપ્ટો કરન્સીમાં મસમોટા કડાકા
બાઇનાન્સ અને FTX વચ્ચેનો સોદ કેન્સલ થયાના અહેવાલ બાદ ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં મસમોટા કડાકો બોલાયો છે. જેમાં બિટકોઇનમાં 16 ટકા, ઇથેરિયમઅને એક્સઆરપીમાં 12 ટકા, પોલીગોન જેવી ક્રિપ્ટો કરન્સીની કિંમત છેલ્લા 24 કલાકમાં 7 ટકા જેટલી ઘટી ગઇ છે.