શુક્રવારનો દિવસ શેરબજાર માટે ‘બ્રેક ફ્રાઇડ’ બન્યો છે. ચીનમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસોથી વિશ્વમાં ફરી આ જીવલેણ મહામારી ફેલાશે તેવી દહેશતે દુનિયાભરના શેરબજારોમાં ધબડકો બોલાયો હતો. 23 ડિસેમ્બર 2022, શુક્રવાના રોજ ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સમાં 981 પોઇન્ટનો કડાકો બોલાયો હતા જેના પરિણામે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં અધધધ… 8 લાખ કરોડ રૂપિયાથી વધારે ધોવાણ થયુ છે. રવિવારથી સપ્તાહથી ક્રિસમસ અને ન્યુ યર સેલિબ્રેશન શરૂ થશે આથી આગામી સપ્તાહે એકંદરે શેરબજારમાં નરમાઇ ભર્યો માહોલ રહેવાની શક્યતા છે.
સેન્સેક્સમાં 981 પોઇન્ટ, નિફ્ટીમાં 320 પોઇન્ટનો ધબડકો
મંદીના ભણકારા વચ્ચે મહામારી ફરી વકરવાની દહેશતે ભારત સહિત દુનિયાભરના શેરબજારોમાં મંદીનો માહોલ છે. 23 ડિસેમ્બર, શુક્રવારના રોજ ભારતીય શેરબજાર શરૂઆત અંત સુધી રેડ ઝોનમાં રહ્યુ હતુ. સેન્સેક્સ ગુરુવારના 60826 પાછલા બંધ સામે શુક્રવારે 60205ના મથાળે ખૂ્લીને શરૂઆતમાં ઉપરમાં 60546 સુધી ગયુ હતુ. જો કે ભારે વેચવાલીના દબાણથી તે સતત ઘટીને 60000ના સપોર્ટ લેવલની નીચે 59765ની ઇન્ટ્રા-ડે બોટમ બનાવ્યા બાદ સેશનના અંતે 981 પોઇન્ટ કે 1.61 ટકાના કડાકામાં 59845ના સ્તરે બંધ થયો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ 19 ડિસેમ્બરથી સતત ઘટી રહ્યો છે.

સેન્સેક્સની જેમ બેન્ચમાર્ક નિફ્ટી-50 પણ 18000ના લેવલની નીચે બંધ આવ્યો છે. એનએસઇ નિફ્ટી-50 ઇન્ડેક્સ 17779ની ઇન્ટ્રા-ડે બોટમ બનાવી સેશનના અંતે 320 પોઇન્ટના કડાકામાં 17806ના સ્તરે બંધ થયો હતો.
1 દિવસમાં રોકાણકારોને 8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
શુક્રવારે સેન્સેક્સમાં 981 પોઇન્ટનો કડાકો બોલાયો હતો. જેને પગલે બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને 272.12 લાખ કરોડ રૂપિયા રહી છે જે ગુરુવારે બંધ બજારે 280.55 લાખ કરોડ રૂપિયા નોંધાઇ હતી. આમ શુક્રવારે રોકાણકારોને અધધધ… 8.43 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે.
સેન્સેક્સના 30માંથી 1 જ શેર વધ્યો
સેન્સેક્સમાં બ્લુચીપ 30 શેરમાંથી એક માત્ર ટાયટન કંપનીનો શેર ફ્લેટ બંધ થયો હતો. બાકીના તમામ 29 શેર અડધાથી પાંચ ટકા સુધી ઘટયા હતા. જેમં રિલાયન્સ 3 ટકા, બજાજ ફિનસર્વ 3 ટકા. એસબીઆઇ 3.3 ટકા, ટાટા મોટર્સ 4 ટકા અને ટાટા સ્ટીલ 5 ટકાના ઘટાડા સાથે ટોપ-5 લૂઝર્સ રહ્યા હતા. તો બેન્ચમાર્ક નિફ્ટી-50 ઇન્ડેક્સના 50માંથી 47 શેર ઘટ્યા હતા.

રોકાણકારોએ સાત દિવસમાં 19 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
જો શેરબજારના છેલ્લા સાત દિવસના દેખાવની વાત કહીયે તો ખાસ કરીને 14 ડિસેમ્બરથી, જ્યારે બીએસઇ ખાતે લિસ્ટેડ કંપનીઓની માર્કેટકેપ તેની 291.25 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ ઉંચાઇએ પહોંચી હતી. જ્યારે ત્યારબાદ શેરબજારમાં સતત ઘટાડાને પગલે બીએસઇની માર્કેટકેપ શુક્રવારે 272.12 લાખ કરોડ રૂપિયા રહી છે. આમ છેલ્લા 7 ટ્રેડિંગ સેશનમાં શેરબજારની માર્કેટ વેલ્યૂમાં અધધધ… 18.96 લાખ કરોડ રૂપિયા જેટલું ધોવાણ થયુ છે.