Indian Railways Budget : આગામી વર્ષના બજેટમાં હજી થોડા દિવસો જ બાકી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમન 1 ફેબ્રુઆરી બજેટ રજૂ કરશે. આવનારા બજેટમાં ભારતીય રેલવે માટે અનેક મોટી જાહેરાત થઈ શકે છે. અંગ્રેજી સમાચાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે આગામી બજેટમાં રેલવે માટે 35 હાઇડ્રોજન ઇંધણવાળી ટ્રેનોને શરૂ કરવાનો પ્લાન, 400-500 વંદે ભારત ટ્રેન, લગભગ 4000 નવા ડિઝાઇનવાળા ઓટોમોબાઇલ કેરિયર કોચ અને આશરે 58,000 વેગનનો સમાવેશ કરવાની જાહેરા થઈ શકે છે. આ બધી આગામી ત્રણ વર્ષોમાં પાટા ઉપર ઉતરી શકે છે.
રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે બજેટમાં ભારતીય રેલવેને 1.9 લાખ કરોડ રૂપિયા ફંડ તરીકે આપવામાં આવી શકે છે. આ દ્વારા ભારત સરકાર 2030 સુધીમાં તેના રોલિંગ સ્ટોક (ટ્રેન, કોચ અને વેગનના આધુનિકીકરણ), રેલવે ટ્રેકના સુધારણા અને વિદ્યુતીકરણ અને ચોખ્ખી શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવા માંગે છે.
તાજેતરમાં, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે રેલવે આઠ હેરિટેજ રૂટ પર હાઇડ્રોજન ઇંધણવાળી ટ્રેનો શરૂ કરશે. આ રૂટમાં કાલકા-શિમલા, કાંગડા વેલી, દાર્જિલિંગ અને નીલગીરી રૂટનો સમાવેશ થાય છે. વાસ્તવમાં, રેલ્વે આ માર્ગોને સંપૂર્ણપણે ‘ગ્રીન’ બનાવવાના ઉદ્દેશ્ય પર કામ કરી રહી છે.
ભારતીય રેલવે ઉત્તર રેલવેના વર્કશોપમાં હાઇડ્રોજન ફ્યુઅલ ટ્રેનનો પ્રોટોટાઇપ બનાવી રહી છે. તેનો ટેસ્ટ રન સોનીપત-જીંદ સેક્શન પર કરવામાં આવશે.