કેન્દ્રીય બજેટ 2023 (Budget 2023) પહેલા મોંઘવારી સામે કેન્દ્ર સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. વાસ્તવમાં હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. ડિસેમ્બર 2022માં જથ્થાબંધ ફુગાવાનો દર 4.95 ટકા હતો. WPI ફુગાવામાં ઘટાડો મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓ અને ક્રૂડ પેટ્રોલિયમના ભાવમાં ઘટાડાને કારણે છે.
તમને જણાવી દઈએ કે, જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો નવેમ્બર 2022માં 5.85 ટકા અને ડિસેમ્બર 2021માં 14.27 ટકા હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2022 દરમિયાન ખાદ્ય ચીજોમાં ફુગાવો (-)1.25 ટકા હતો, જ્યારે ઇંધણ અને પાવરમાં તે 18.09 ટકા હતો. ઉત્પાદિત ઉત્પાદનોનો ફુગાવો 3.37 ટકા રહ્યો હતો.
આ પણ વાંચો – Budget 2023: નિર્મલા સિતારમનની ટીમના આ 6 દિગ્ગજ બનાવી રહ્યા બજેટ 2023, ત્રણ તો એક જ બેચના આઈએએસ
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે તેના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, “ડિસેમ્બર 2022 માં ફુગાવામાં ઘટાડો મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓ, ખનિજ તેલ, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખાદ્ય ઉત્પાદનો, કાપડ, રસાયણો અને રાસાયણિક ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થવાને કારણે હતો.”
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનનું રવિવાર (15 જાન્યુઆરી) ના રોજ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. નિર્મલા સીતારામને સાપ્તાહિક દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં આરએસએસ (RSS) સંલગ્ન મેગેઝિન પાંચજન્યના સંપાદક હિતેશ શંકર દ્વારા એક મુલાકાત દરમિયાન તેઓએ પોતાના નિવેદનમાં કહ્યું કે,તે મધ્યમ વર્ગના દબાણથી બિલકુલ વાકેફ છે.
આ સાથે નિર્મલા સીતારામને કહ્યું કે, જો કે સરકારે સીધી રીતે મધ્યમ વર્ગને પૈસા નથી આપ્યા પરંતુ તેમની સરળતા માટે મેટ્રો અને સ્માર્ટ શહેર આપ્યા છે. વધુમાં નાણીમંત્રીએ કહ્યું કે મફત ભેટ શું છે અને શું નથી તેના પર બબાલ કરવાનો કોઇ અર્થ નથી. મુખ્ય મુદ્દો એ છે કે, જો તમારી પાસે પૈસા છે તો તમે આપવા માંગતો હોય તેમને આપો અને અંતમાં ભોગવો.