Budget 2024 Expectations Of GJEPC : બજેટ 2024 આગામી 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજૂ થશે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ બજેટ 2024માં સોના અને કટ અને પોલિશ્ડ હીરા પરની આયાત જકાત ઘટાડવા સરકારને ભલામણ કરી છે. જેથી જેમ્સ – જ્વેલરી સેક્ટર વૈશ્વિકને સ્તરે સ્પર્ધાત્મક રહેવામાં મદદ મળી શકે.
ભારતમાં હાલ સોનું – ચાંદી પર કેટલી આયાત જકાત છે?
ભારતનો જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ સોના, હીરા, ચાંદી અને કલર સ્ટોન સહિત કાચા માલની આયાત પર નિર્ભર છે. GJEPC એ સોના – ચાંદી જેવી કિંમતી ધાતુઓ પરની આયાત જકાત હાલના 15 ટકાથી ઘટાડીને 4 ટકા કરવાની માંગ કરી રહી છે. બજેટ 2024માં કટ અને પોલિશ્ડ હીરા પરની કસ્ટમ ડ્યુટી હાલના 5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવા ભલામણ કરી છે.

બજેટ 2024 અપેક્ષામાં GJEPCએ જણાવ્યું હતું કે, કટ અને પોલિશ્ડ ડાયમંડ પર ઊંચી આયાત જકાત લાદવાથી આયાતમાં ઘટાડો થશે અને જ્વેલરી ઉદ્યોગમાં રોજગારીનું સર્જન ઘટશે. તેનાથી ચીન અને થાઈલેન્ડ જેવા દેશો સાથે સ્પર્ધા કરવામાં મુશ્કેલ પડશે.
ડાયમંડ ઇમ્પ્રેસ્ટ લાયસન્સ ફરી શરૂ કરવા ભલામણ
GJEPCએ સરકારને બજેટ 2024માં ડાયમંડ ઇમ્પ્રેસ્ટ લાયસન્સ ફરી કરવા અને આયાત જકાત ઘટાડવા સૂચન કર્યું છે. આ પગલું ભારતીય એમએસએમઇ ડાયમંડ નિકાસકારોને તેમના મોટા સમકક્ષો સાથે સમાન તકો પૂરી પાડશે, ડાયમંડ માઇનિંગ ડેસ્ટિનેશન્સની માટે ભારતીય હીરાના વેપારીઓના રોકાણને અટકાવશે અને ડાયમંડ એસોર્ટર્સ અને ડાયમંડ પોલિશીંગ યુનિટમાં સેમી ફિનિશ્ડ હીરાની પ્રક્રિયાના સંદર્ભમાં વધુ રોજગારી પૂરી પાડશે.

કાઉન્સિલ સરકારને બજેટ 2024માં સેફ હાર્બર નિયમ દ્વારા સ્પેશિયલ નોટિફાઇડ ઝોન (SNZ)માં રફ ડાયમંડના વેચાણની લાંબા સમયથી પડતર માંગણી પર વિચારણા કરવા અને SNZ મારફતે કામ કરવા માટે હકદાર એન્ટિટીઝનો વ્યાપ વિસ્તારવા પણ વિનંતી કરે છે. હાલમાં SNZ માં માઇનિંગ કરતા દેશો દ્વારા માત્ર વ્યૂઇંગ સેશનનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો | બજેટ 2024માં કેપિટલ ગેઇન ટેક્સમાં ફેરફાર અને શેર બાયબેક ટેક્સ નાબૂદ કરવા માંગ
બજેટ 2024 અપેક્ષામાં GJEPCના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, અમારી પ્રી-બજેટ દરખાસ્તો જેમ્સ – જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ, ખાસ કરીને એમએસએમઇ માટે રો- મટિરિયલની સરળ પહોંચની સુવિધા આપશે. તેમજ કાઉન્સિલે ભારત- યુએઇ સીઇપીએમાંથી મહત્તમ લાભો મેળવવા માટે જીએસટી રિફંડ જેવી ઇડીઆઈ (ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરચેન્જ) સિસ્ટમ દ્વારા રેટ અને ટેક્સ રિફંડ જેવી સિસ્ટમ દાખલ કરવા ભલામણ કરી છે.