Budget History Of India: બજેટ 2024 મોદી સરકાર 3.0 નું પ્રથમ બજેટ છે. બજેટ 2024 એ દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન તેમનું સાતમું બજેટ છે. સામાન્ય વ્યક્તિ થી લઇ સરકાર તમામ બજેટ બનાવે છે. જેવી રીતે ઘર ચલાવવા માટે, લગ્ન પ્રસંગ કે કોઇ કાર્યક્રમ માટે બજેટ બનાવવામાં આવે છે. તેવી જ રીતે દેશ ચલાવવા માટે દર વર્ષે સરકાર બજેટ બનાવે છે. બજેટમાં આવક, ખર્ચ અને ઉધાર આ 3 બાબતનો સમાવેશ થાય છે. ચાલો જાણીયે દેશનું પ્રથમ બજેટ ક્યારે અને કોણે રજૂ કર્યુ હતું અને બજેટ વિશે રસપ્રદ માહિતી
Budget 2024 : બજેટ શબ્દ ક્યારેથી આવ્યો?
બજેટ વિશે ચર્ચા થતી રહે છે. બજેટમાં સરકાર થી લઇ સામાન્ય વ્યક્તિને લગતી ઘોષણા કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો બજેટ શબ્દ ક્યાથી આવ્યો. બજેટ શબ્દ ફ્રેન્ચ ભાષાના લાતિન શબ્દ બુગ્લા માંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ચામડાનો થેલો. બુલ્ગા માંથી ફ્રાંસીસી શબ્દ બોઉગેટ આવ્યો. ત્યારબાદ અંગ્રેજી શબ્દ બોગેટ અસ્તિત્વમાં આવ્યો. અને છેલ્લે બોગેટ શબ્દમાંથી બજેટ શબ્દની ઉત્પત્તિ થઇ છે. અગાઉ બજેટ ચામડાના બેગમાં જ લાવવામાં આવતુ હતું.

ભારતનું પ્રથમ બજેટ ક્યારે અને કોણ રજૂ કર્યો હતો
ભારતમાં બજેટનો ઇતિહાસ અંગ્રેજકાળનો છે. આઝાદી પહેલા ભારતમાં પ્રથમ વખત બજેટ 18 ફેબ્રુઆરી 1869ના રોજ રજુ કરવામાં આવ્યું હતું. તેને જેમ્સ વિલ્સને રજુ કર્યું હતું. જેમ્સ ઇન્ડિયન કાઉન્સિલ (આઝાદી પહેલાં)ના ફાઇનાન્સ મેમ્બર હતા, જેમનું કામ વાઇસરોયને આર્થિક બાબતોમાં સલાહ આપવાનું હતું.
આઝાદી બાદ ભારતનું પ્રથમ બજેટ
આઝાદ ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર, 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. તેને દેશના પ્રથમ નાણાં મંત્રી આર.કે.શનમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. ત્યારથી સરકાર દર વર્ષે કેન્દ્રીય બજેટ રજૂ કરે છે. તેમાં નાણાકીય વર્ષ માટે સરકારની આવકના અંદાજો છે અને ખર્ચની દરખાસ્ત છે. વર્ષ 1892માં જન્મેલા શનમુખમ્ શેટ્ટી એક વકીલ, રાજનેતા અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી હતા.
સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ
સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇના નામે છે. તેમણે 10 વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. ત્યાર બાદ પી ચિદમ્બરમના નામે 9 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આઠ વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું.

જ્યારે નાણામંત્રીના બદલે વડાપ્રધાને બજેટ રજૂ કર્યુ
સામાન્ય રીતે ભારતમાં બજેટ નાણામંત્રી રજૂ કરેછે. પરંતુ દેશમાં 3 વખત એવી ઘટના બની છે જ્યારે નાણામંત્રીના બદલે દેશના વડાપ્રધાને બજેટ રજૂ કર્યું છે. ભારનતા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ ભારતનું બજેટ રજૂ કરનાર ઉચ્ચ સ્તરના પ્રથમ વ્યક્તિ હતા. તેમણે 13 ફેબ્રુઆરી, 1958ના રોજ નાણા મંત્રાલયની જવાબદારી સંભાળી અને બજેટ રજુ કર્યુ હતુ. ઉપરાંત ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી એ પણ વડાપ્રધાન પદે બજેટ રજૂ કર્યુ હતું.
આ પણ વાંચો | Budget Live Update: બજેટ 2024 લાઈવ અપડેટ
આ નાણામંત્રી બજેટ રજૂ કરી શક્યા નહીં
ભારતના બજેટ ઈતિહાસમાં એક બાજુ વડાપ્રધાન બજેટ રજૂ કરી ચૂક્યા છે તો બીજી બાજુ એક નાણામંત્રી એવા છે જેઓ તેમના ફાઈનાન્સ મિનિસ્ટરના કાર્યકાળ દરમિયાન એક પણ બજેટ રજૂ કરી શક્યા નથી. આ નાણામંત્રીનું નામ છે કેસી નિયોગી, જેઓ વર્ષ 1948માં માત્ર 35 દિવસ માટે નાણામંત્રી પદે રહ્યા હતા.





