Nimrla Sitharaman Presents Interim Budget 2024 : બજેટ 2024 તારીખ 1 ફેબ્રુઆરીના રોજ સંસદમા રજૂ કરવામાં આવશે. નાણાં મંત્રી નિર્મલા સીતારામન છઠ્ઠી વખત સંસદમાં બજેટ રજૂ કરશે. ચાલુ વર્ષે લોકસભા ચૂંટણી 2024 હોવાથી આ વખતનું બજેટ એ વચગાળાનુ બજેટ હશે. તમને જણાવી દઇયે કે, ભાજપે વર્ષ 2019માં સતત બીજી વખત લોકસભા ચૂટણી જીત્યા બાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને ભારતના પ્રથમ પૂર્ણ-સમયના મહિલા નાણાં પ્રધાન તરીકે નિમણુંક કર્યા હતા.
બજેટની દર વર્ષે આતુરતા પૂર્વક રાહ જોવામાં આવે છે કારણ કે તે સામાન્ય જનતાથી લઇ વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને દેશના સમગ્ર અર્થતંત્રનું દ્રશ્ય રજૂ કરે છે. દેશના બજેટના કદ, બજેટ રજૂ થવાની તારીખ અને સમયમાં સમયાંતરે ફેરફાર થતા રહ્યા છે. ત્રણ દાયકા પહેલા દેશનું બજેટ સાંજે રજૂ કરવામાં આવતુ હતુ પરંતુ ત્યારબાદ તેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અહીં અમે તમને બજેટ સાથે જોડાયેલા આવા 12 ખાસ મુદ્દાઓ વિશે જણાવી રહ્યા છીએ.
સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ કોણ રજૂ કર્યું?
ભારત 15 ઓગસ્ટ, 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયુ હતુ. સ્વતંત્ર ભારતનું પ્રથમ કેન્દ્રીય બજેટ તારીખ 26 નવેમ્બર 1947ના રોજ આર.કે. સન્મુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું.
આઝાદી પહેલા ભારતનું પહેલું બજેટ ક્યારે- કોણ રજૂ કર્યુ હતુ?
સ્વતંત્ર પહેલા ભારતનું પહેલી બજેટ અંગ્રેજોએ રજૂ કર્યુ હતુ. ભારતનું પ્રથમ બજેટ 7 એપ્રિલ 1860ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ઇસ્ટ ઈન્ડિયા કંપનીના જેમ્સ વિલ્સને આ બજેટ બ્રિટિશ ક્રાઉન સમક્ષ રજૂ કર્યું.

ભારતમાં સૌથી વધુ બજેટ ક્યા નાણાં મંત્રીએ રજૂ કર્યા?
ભારતમાં પૂર્વ નાણા મંત્રી મોરારજી દેસાઈએ કુલ 10 બજેટ રજૂ કર્યા, જે કોઇ એક વ્યક્તિ દ્વારા સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે. દેસાઈએ 29 ફેબ્રુઆરી તેમના જન્મદિનના રોજ બે વખત – એક લીપ વર્ષ 1964 અને વર્ષ 1968માં બજેટ રજૂ કર્યુ હતુ.
રેલવે બજેટ ક્યારે યુનિયન બજેટમાં મર્જ કરવામાં આવ્યું?
વર્ષ 2017માં રેલવે બજેટને કેન્દ્રીય બજેટ સાથે મર્જ કરવામાં આવ્યું હતું.
ભારતના ક્યા વડાપ્રધાને બજેટ કર્યું છે?
જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી એવા વડાપ્રધાન છે જેમણે બજેટ રજૂ કર્યું છે.
ભારતમા બજેટ રજૂ કરવાનો સમય કયારે બદલાયો?
દેશમાં વર્ષ 1999 સુધી, ફેબ્રુઆરીના છેલ્લા કામકાજના દિવસે સાંજે 5 વાગ્યે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવતુ હતુ. તત્કાલિન પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હાએ સંસદમાં બજેટ રજૂ કરવાનો સમય બદલીને સવારે 11 વાગ્યા કર્યો હતો.
બજેટ રજૂ કરવાની તારીખ ક્યારે બદલાઇ?
દેશમાં વર્ષ 2016 સુધી, કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરીના છેલ્લા કાર્યકારી દિવસે રજૂ કરવામાં આવતું હતું. જો કે તત્કાલિન ભૂતપૂર્વ નાણામંત્રી (સ્વર્ગસ્થ) અરુણ જેટલીએ વર્ષ 2017માં દેશનું બજેટ રજૂ કરવાની તારીખ બદલીને 1 ફેબ્રુઆરી કરી હતી.
બજેટ પહેલા હલવા સેરેમની કેમ યોજાય છે?
બજેટની માહિતી ખાનગી રાખવા અને વિગતો લીક ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવે છે. બજેટ રજૂ થવાની પહેલા નાણાં મંત્રીની હાજરીમાં હલવા સેરેમની યોજાયા બાદ બજેટ તૈયાર કરનાર અધિકારીઓ અંડર ગ્રાઉન્ડ થઇ જાય છે.
ભારતનું સૌથી લાંબુ બજેટ કોણ – ક્યારે રજૂ કર્યું હતું?
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે, નાણા પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ 1991માં શબ્દોની સંખ્યાના સંદર્ભમાં સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યું હતું.

ભારતનું સૌથી લાબું બજેટ ભાષણ કોણે આપ્યું હતું?
નાણામંત્રી નિર્મલા સીતારામને સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યું હતું. તેમણે કેન્દ્રીય બજેટ 2020 રજૂ કરતી વખતે સંસદમાં 2.42 કલાક સુધી ભાષણ આપ્યુ હતુ.
ભારતનુ બજેટ ક્યારે લીક થયુ હતુ?
વર્ષ 1950માં કેન્દ્રીય બજેટ લીક થયું હતું. ત્યાં સુધી બજેટનું પ્રિન્ટિંગ રાષ્ટ્રપતિ ભવનમાં જ થતુ હતુ. જો કે બજેટ લીક થયા પછી, તે મિન્ટો રોડ, નવી દિલ્હી ખાતેના પ્રેસમાં પ્રિન્ટ કરવાની શરૂઆત થઇ.
આ પણ વાંચો | બજેટ 2024માં LTCGમાં કર રાહત અને 80સીની મર્યાદા વધારવા માંગણી, આ ઘોષણાથી શેરબજારમાં તેજી વધશે
ભારતનું પ્રથમ ડિજિટલ બજેટ કોણ અને ક્યારે રજૂ કર્યું?
દેશના નાણા પ્રધાન નિર્મલા સીતારામને ભારતનું પ્રથમ પેપરલેસ બજેટ એટલે કે ડિજિટલ બજેટ 1 ફેબ્રુઆરી 2021ના રોજ રજૂ કર્યું હતુ. તે સમયે ભારત સહિત દુનિયાભરમાં કોરોના મહામારી ફેલાઇ હતી, આથી સાવચેતીના ભાગરૂપે પેપરલેસ બજેટની શરૂઆત થઇ છે.