Budget 2025 : મોદી સરકારના 11 બજેટ, ઈન્કમ ટેક્સમાં ક્યારે કેટલા ફેરફાર થયા, કરદાતાને કેટલો ફાયદો થયો?

Union Budget 2025: બજેટ 2025 પીએમ નરેન્દ્ર મોદી સરકારનું 12મું બજેટ છે. પાછલા 11 બજેટમાં ઈન્કમ ટેક્સ નિયમમાં ઘણા ફેરફાર કરી કરદાતાને રાહત આપી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025ના રોજ તેમનું 7મું સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

Written by Ajay Saroya
January 26, 2025 10:07 IST
Budget 2025 : મોદી સરકારના 11 બજેટ, ઈન્કમ ટેક્સમાં ક્યારે કેટલા ફેરફાર થયા, કરદાતાને કેટલો ફાયદો થયો?
Budget 2025 Income Tax Slab: નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2025માં ઈન્કમ ટેક્સ સ્લેબ વધારી મધ્યમ વર્ગને રાહત આપી શકે છે. (Photo: Freepik)

Income Tax Rules Changes in Narendra Modi Govt Budget : બજેટ 2025 નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં 1 ફેબ્રુઆરીએ રજૂ કરશે. પીએમ નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ બીજું બજેટ છે, જેના પર સામાન્ય માણસ, રોકાણકારો અને કરદાતા, ખેડૂતો, ઉદ્યોગો અને બજારની નજર છે. જૂન 2024માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર બની છે, જો કે ભાજપનું પ્રદર્શન પાછલી બે વખત જેવું ન હતું. તેથી, કેન્દ્રીય બજેટ 2025માં કેટલીક લોકપ્રિય જાહેરાતો થઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે મધ્યમ વર્ગને મોટી રાહત આપતી વખતે સરકાર આ બજેટમાં આવકવેરામાં રાહત આપી શકે છે. હાલમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025 ના રોજ તેમનું 7મું સંપૂર્ણ બજેટ રજૂ કરશે. ચાલો જાણીએ કે 2014 અને 2024 વચ્ચે મોદી સરકારના છેલ્લા 11 બજેટમાં કરદાતાઓને ક્યારે લાભ મળ્યો અને તેમના ખિસ્સા પર બોજ ક્યારે વધ્યો.

બજેટ 2024

બજેટ 2024માં તેવા કરદાતાઓને રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે જેમણે 23 જુલાઈ, 2024 પહેલા તેમની મિલકત ખરીદી હતી. આવા ઘર માલિકો જૂની કર યોજના હેઠળ તેમના લાંબા ગાળાના મૂડી લાભ કરની ગણતરી પણ કરી શકશે, જેમાં તેમણે ઇન્ડેક્સેશન લાભ સાથે 20 ટકા LTCG ટેક્સ ચૂકવવો પડશે. પરંતુ જો તેઓ ઇચ્છે તો, તેઓ નવી યોજના હેઠળ ઇન્ડેક્સેશન લાભ વિના 12.5 ટકા LTCG ટેક્સ પણ ચૂકવી શકે છે.

ઉપરાંત ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાંથી રૂ. 1.25 લાખથી વધુની વાર્ષિક કમાણી પર LTCG વધારીને 12.5 ટકા કરવામાં આવ્યો હતો. જ્યારે બજેટની જાહેરાતમાં નાણાપ્રધાને નવી કર વ્યવસ્થામાં પગારદાર વર્ગ માટે ઉપલબ્ધ સ્ટાન્ડર્ડ ડિડક્શનને રૂ. 50 હજારથી વધારીને રૂ. 75 હજાર કરી દીધી હતી.

બજેટ 2023

બજેટ 2023માં નવી કર વ્યવસ્થા હેઠળ આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી હતી. તો બીજી બાજુ ઇન્કમ ટેક્સ સ્લેબની સંખ્યા ઘટાડીને 5 કરવામાં આવી હતી. જેમાં 3 થી 6 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 5%, 6 થી 9 લાખ રૂપિયાની આવક પર 10%, 9 લાખથી 12 લાખ રૂપિયાની આવક પર 15%, 12 લાખ થી 15 લાખ આવક પર 20% અને રૂ. 15 લાખથી વધુની આવક પર 30% ઇન્કમ ટેક્સની જોગવાઈ છે. ઈન્કમ ટેક્સ રિબેટ વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે. જૂની ટેક્સ સિસ્ટમ પહેલાની જેમ જ ચાલુ છે.

બજેટ 2022

આ બજેટમાં ટેક્સને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

બજેટ 2021

વર્ષ 2021 માં, બજેટમાં, 75 વર્ષથી વધુ ઉંમરના પેન્શનધારકોને ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે મુક્તિ આપવામાં આવી છે, જો તેમની આવક પેન્શન અને બેંકમાંથી મળતા વ્યાજ માંથી આવે છે.

બજેટ 2020

2020ના બજેટમાં વૈકલ્પિક ઈન્કમ ટેક્સ સ્લેબની જાહેરાત કરવામાં આવી હતી. જૂના ઇન્કમ ટેક્સ સ્લેબ અને નવા વૈકલ્પિક ટેક્સ સ્લેબ બંને કરદાતાઓ માટે ઉપલબ્ધ બન્યા.

બજેટ 2019

2019 માં સામાન્ય ચૂંટણીઓને કારણે, પ્રથમ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં જાહેરાત કરવામાં આવી હતી કે 5 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લોકો શૂન્ય ટેક્સ ચૂકવશે. ટેક્સ રિબેટ લિમિટ 2500 રૂપિયાથી વધારીને 12500 રૂપિયા કરવામાં આવી છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ. 40,000થી વધીને રૂ. 50,000 થયું છે. ભાડા પર ટીડીએસની મર્યાદા રૂ. 1.80 લાખથી વધારીને રૂ. 2.40 લાખ કરવામાં આવી હતી. આ પછી, સામાન્ય બજેટમાં ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

બજેટ 2018

1 લાખથી વધુની ઈક્વિટીમાંથી લોંગ ટર્મ કેપિટલ ગેઈન પર 10 ટકા ટેક્સ લાદવામાં આવ્યો હતો. વરિષ્ઠ નાગરિકોની બેંક અથવા પોસ્ટ ઓફિસની થાપણોમાંથી રૂ. 50,000 સુધીની વ્યાજની આવક પર કર મુક્તિ આપવામાં આવી હતી, જે અગાઉ રૂ. 10,000 હતી. તબીબી ખર્ચની ભરપાઈના બદલામાં રૂ. 40,000 સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શનની મંજૂરી છે. વરિષ્ઠ નાગરિકો માટે મેડિકલ ખર્ચમાં કપાત 30 હજાર રૂપિયાથી વધારીને 50 હજાર રૂપિયા કરવામાં આવી છે.

બજેટ 2017

કરદાતાઓને 12,500 રૂપિયાની ટેક્સ રિબેટ આપવામાં આવી હતી. 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની આવક પર આવકવેરા દર 10 થી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. 50 લાખથી 1 કરોડ રૂપિયાની વચ્ચે વાર્ષિક કરપાત્ર આવક ધરાવતા લોકો પર 10 ટકા સરચાર્જ લાદવામાં આવ્યો હતો.

બજેટ 2016

2016ના બજેટમાં 5 લાખથી ઓછી આવક ધરાવતા લોકો માટે ટેક્સ રિબેટ 2000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. મકાન ભાડું ચૂકવનારાઓ માટે કલમ 80GG હેઠળ કર મુક્તિ રૂ. 24,000 થી વધારીને રૂ. 60,000 કરવામાં આવી છે. વાર્ષિક રૂ. 10 લાખથી વધુના ડિવિડન્ડ પર 10 ટકા આવકવેરો લાદવામાં આવ્યો હતો.

બજેટ 2015

સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પર કપાત મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા 20,000 રૂપિયાથી વધારીને 30,000 રૂપિયા કરવામાં આવી છે. બજેટ માં વેલ્થ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો. સુકન્યા સમૃદ્ધિ યોજનાને કરમુક્ત કરવામાં આવી. એનપીએસમાં રોકાણ પર 50 હજાર રૂપિયાની ટેક્સ છૂટની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો | બજેટ શબ્દનો અર્થ શું છે? બંધારણમાં બજેટનો શબ્દનો ઉલ્લેખ કેમ નથી?

બજેટ 2014

વર્ષ 2014માં મોદી સરકારનું પ્રથમ બજેટ જુલાઈ 2014માં રજૂ કરવામાં આવ્યું હતું. ટેક્સ મુક્તિ મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે. આવકવેરા કાયદાની કલમ 80(C) હેઠળ, કર કપાતની મર્યાદા રૂ. 1.1 લાખથી વધારીને રૂ. 1.5 લાખ કરવામાં આવી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ