Budget 2025 Expectations Of Health Insurance Sectors: બજેટ 2025માં હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી સસ્તી થવાની આશા રાખવામાં આવી રહી છે. નિર્મલા સીતારમણ યુનિયન બજેટ 2025-25માં હેલ્થ ઇન્સ્યોરન્સ સેક્ટર માટે ટેક્સ બેનિફિટ વધારી શકે છે. વીમા ઉદ્યોગના પ્રતિનિધિઓ દ્વારા FM સીતારમન સમક્ષ તેની માંગણી રજૂ કરવામાં આવી છે. વીમા ઉદ્યોગનું સરકારને કહેવું છે કે, હાલ આરોગ્ય વીમા પોલીસી પર ટેક્સ ડિડક્શન ઘણું ઓછું છે. આ કારણસર હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવા પર કરદાતાને પ્રીમિયમ પર પુરે પુરું ડિડક્શન મળતું નથી. તેમણે નાણા મંત્રી સીતારમને હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી પર કર કપાત વધારવા ભલામણ કરી છે.
જૂન કર પ્રણાલીમાં હેલ્થ પોલિસી પર ટેક્સ ડિડક્શન
ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80ડી હેઠળ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીના પ્રીમિયમ પર ટેક્સ ડિડક્શન મળે છે. પરંતુ આ ડિડક્શન માત્ર ઇન્કમ ટેક્સની જુની ટેક્સ રિઝીમ પર મળે છે. તેનાથી કરદાતાની કર જવાબદારી ઘટી જાય છે. ઘણા કરદાતાઓ ટેક્સમાં રાહત માટે હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદે છે. પાછલા કેટલાંક વર્ષોમાં જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓએ હેલ્થ ઈન્સ્યોરન્સ ઘણી મોંઘી કરી દીધી છે. ખાસ કરીને કોરોના મહામારી બાદ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીના પ્રીમિયમ ઘણા વધી ગયા છે. જેના કારણે સામાન્ય વ્યક્તિ ઇચ્છા હોવા છતાં પણ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદી શકતા નથી. બીજી બાજુ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી પ્રીમિયમની સંપૂર્ણ રકમ પર ડિડક્શન ક્લેમ પર કરી શકતા નથી.
Tax Deduction Limit On Health Insurance : હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી પર ટેક્સ ડિડક્શન લિમિટ
કલમ 80ડી હેઠળ 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોને હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીના પ્રીમિયમ પર મહત્તમ 25000 રૂપિયા ટેક્સ ડિડક્શન મળે છે. 60 વર્ષ કે તેનાથી મોટી ઉંમરના કરદાતાને હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીના પ્રીમિયમ પર મહત્તમ 50000 રૂપિયા કર કપાત મળે છે. ટેક્સ એક્સપર્ટ્સનું કહેવું છે કે, સરકારે 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે ટેક્સ ડિડક્શન વધારી 50000 રૂપિયા કરવું જોઇએ. 60 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે ડિડક્શન વધારીને 1 લાખ રૂપિયા કરવું જોઇએ.
કર કપાત વધતા લોકો પર કર બોજ ઘટશે
જાણકારોનું કહેવું છે કે, કોરોના મહામારી બાદ લોકો હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીનું મહત્વ સમજે છે. વીમા કંપનીઓ પણ લોકોની જરૂરિયાત ધ્યાનમાં રાખી હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે. આવી સ્થિતિમાં જો સરકાર હેલ્થ પોલિસીના પ્રીમિયમ પર ડિડક્શન લિમિટ વધારે છે તો કરદાતા પર કર બોજ ઘટવાની સાથે સાથે વીમા ઉદ્યોગને પણ વેગ મળશે.
આ પણ વાંચો | બજેટ 2025માં જુની કર પ્રણાલી નાબૂદ થાય તો કોને વધુ નુકસાન થશે?
GST On Health Insurance Premium : વીમા પોલિસી પર જીએસટી ઘટવા માંગ
વીમા પોલિસી પર જીએસટી ઘટાડવાની માંગ કરી છે. સરકારે હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમને જીએસટી માંથી મુક્તિ આપવી જોઇએ. હાલ હેલ્થ પોલિસીના પ્રીમિયમ પર 18 ટકા જીએસટી લાગે છે. તેનાથી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી મોંઘી થઇ જાય છે. લાંબા સમય થી હેલ્થ પોલિસી પર જીએસટી ઘટાડવાની માંગણી થઇ રહી છે. પરંતુ સરકારે અત્યાર સુધી આ માંગણી પર ધ્યાન આપ્યું હતું. એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો સરકાર 2047 સુધી બધાને હેલ્થ ઈન્સ્યોરન્સ અને લાઇફ ઈન્સ્યોરન્સ કવરના દાયરામાં લાવવા માંગે છે તો વીમા પોલિસીના પ્રીમિયમ પર જીએસટી ઘટાડવું જોઇએ.





