Old Tax Regime vs New Tax Regime: બજેટ 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણે કરદાતા અને મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. બજેટ 2025માં 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટેક્સ ફ્રી કરવાની સાથે સાથે નવી કર પ્રણાલીના ઈન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફાર કર્યા છે. આમ તો નવા ઈન્કમ ટેક્સ સ્લેબ મુજબ 4 લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ ટેક્સ લાગશે નહીં. આમ નવા ઈન્કમ ટેક્સ સ્લેબ વિશે કરદાતાઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે. જ્યારે બજેટમાં જુની કર પ્રણાલી વિશે કોઇ ઘોષણા નથી અને પહેલાની જેમ યથાવત છે. જુની અને નવી બંને માંથી ટેક્સ રિઝિમ તમારી માટે શ્રેષ્ઠ છે તે વિશે અહીં વિગતવાર જાણકારી આપી છે.
બજેટ 2025માં ઈન્કમ ટેક્સ સ્લેબ
બજેટ 2025માં નવી કર પ્રણાલીના ઈન્કમ ટેક્સ સ્લેબ બદલાયા છે. જેમા પગારદાર વ્યક્તિએ 4 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઇ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 4 – 8 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા ઈન્કમ ટેક્સ લાગશે. 8 થી 12 લાખ સુધીની આવક પર 10 ટકા, 12 થી 16 લાખ સુધીની આવક પર 15 ટકા, 16 થી 20 લાખ સુધીની આવક પર 20 ટકા અને 20 થી 24 લાખ સુધીની વાર્ષિક આવક પર 25 ટકા ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે. તો 25 લાખથી વધુ વાર્ષિક આવક હશે તો 30 ટકા ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે.
12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી કેવી રીતે?
બજેટ દસ્તાવેજ મુજબ સરકાર એવા લોકોને કર રાહત આપશે, જેમની વાર્ષિક આવક 12 લાખ રૂપિયા સુધી છે. પગારદાર વ્યક્તિ માટે આ મર્યાદા 12.75 લાખ રૂપિયા છે, જેમા 75000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ સામેલ છે. બજેટ ડોક્યુમેન્ટમાં એક કોષ્ટક છે, જે સરકારની કર રાહત દર્શાવે છે, જે હેઠળ 8 લાખ રુપિયાની આવક પર 10000 રૂપિયાની છુટ મળે છે, જે 12 લાખ રૂપિયાની આવક પર વધીને 80000 રૂપિયા સુધી પહોંચી જાય છે.
16 લાખ રૂપિયા પગાર છે, તો ટેક્સ કેલક્યુલેશન કેવી રીતે થશે?
ઉદાહરણ તરીકે જોઇયે તો જો વાર્ષિક આવક 16 લાખ રૂપિયા સુધી છે, જેમાં 4 લાખ રૂપિયા સુધી ઇન્કમ ટેક્સ શૂનય છે. ત્યારબાદ 4 થી 8 લાખની આવક પર 20000 રૂપિયા ઇન્કમ ટેક્સ લાગશે. 8 થી 12 લાખ સુધીના ટેક્સ બ્રેકેટમાં 10 ટકા લેખે 40000 રૂપિયા ટેક્સ લાગશે. ત્યારબાદ 12 થી 16 લાખ રૂપિયાની આવક પર 15 ટકા ઇન્કમ ટેક્સ લેખે 60000 રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડશે. આવી રીતે તમારે 16 લાખ રૂપિયાની આવક પર કુલ 1,20,000 રૂપિયા ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે. આટલી વાર્ષિક આવક પર હાલ જેટલો ઇન્કમ ટેક્સ લાગી રહ્યો છે, તેના કરતા 50000 રૂપિયા ઓછું છે.
ઈન્કમ ટેક્સ બચાવવા કઇ ટેક્સ રિઝિમ યોગ્ય છે?
ભારતમાં હાલ બે કર પ્રણાલી (1) જુની ટેક્સ રિઝિમ અને (2) નવી ટેક્સ રિઝિમ અમલમાં છે. જુની ટેક્સ રિઝિમમાં 3 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટેક્સ ફ્રી છે. જુની કર પ્રણાલીમાં 5 ઈન્કમ ટેક્સ સ્લેબ છે. જુની કર પ્રણાલીમાં વિવિધ કર કપાત અને ડિડક્શનનો લાભ મેળવી શકાય છે. જ્યારે નવી ટેક્સ રિઝિમમાં કોઇ પ્રકારનો ટેક્સ ડિડક્શન ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો | સ્ટાન્ડર્ડ ડિડક્શન શું છે? કરદાતાને ઈન્કમ ટેક્સ બચાવવામાં કેવી રીતે કરે છે મદદ
હવે મુખ્ય મુદ્દાની વાત કરીયે તો જુની અને નવી ટેક્સ રિઝમ બંને માંથી કઇ શ્રેષ્ઠ છે તે તમારી નાણાકીય સ્થિતિ અને કર લાભના આધારે નક્કી કરવું જોઇએ. તમારી નાણાકીય સ્થિતિ અને જુની ટેક્સ રિઝિમ હેઠળ તમને કેટલી કર રાહત છુટછાટ મળે છે તે ધ્યાનમાં રાખી ટેક્સ રિઝિમ પસંદ કરવી જોઇએ. ઉદાહરણ તરીકે જો તમારી વાર્ષિક આવક 16 લાખ રૂપિયા છે અને તમે 4 લાખ રૂપિયાની ટેક્સ છુટ દેખાડો છો, તો તમારી કર પાત્ર આવક 12 લાખ રૂપિયા હશે. હવે જુની ટેક્સ રિઝિમ સ્લેબ હેઠળ તમારે 1,77,500 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. તો નવી ટેક્સ રિઝિમ હેઠળ તમારી કુલ કર પાત્ર રકમથી 57000 રૂપિયા વધારે છે.





