scorecardresearch

‘રોકડ જ રાજા’- ભારતીયો પાસે રોકડ નાણું વધીને અધધધ… ₹30.88 લાખ કરોડની ટોચે

cash money hits record high in india : નોટબંધીના (demonetisation) છ વર્ષ સમાપ્ત થશે, ડિજિટલ પેમેન્ટની ( digital payments) બોલબાલા વચ્ચે હજી પણ ભારતીય માટે રોકડ નાણાંનું (cash money) મહત્વ વધારે, દેશમાં હાલ રોકડ નાણાંનું પ્રમાણ (currency in circulation) 30.88 લાખ કરોડની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યું…

‘રોકડ જ રાજા’- ભારતીયો પાસે રોકડ નાણું વધીને અધધધ… ₹30.88 લાખ કરોડની ટોચે

ડિજિટલ પેમેન્ટના જમાનામાં ભારતીય માટે હજી પણ ‘રોકડ જ રાજા’. નોટબંધી, ટેકનોલોજી અને કોરોના મહામારી બાદ ઓનલાઇન પેમેન્ટ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે તેમ છતાં ભારતીયો હજી પણ રોકડ નાણાંને વધારે મહત્વ આપી રહી છે. જેના પગલે જ હાલ ભારતીયો પાસે રોકડ નાણાંનું પ્રમાણ 30.88 લાખ કરોડની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગયુ છે. આટલું જંગી રોકડ નાણું ભારતીયો પાસે અગાઉ ક્યારેય ન હતું.

ભારતીયો પાસે રોકડ નાણું ઐતિહાસિક સ્તરે

સરકારે 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી. નોટબંધીના છ વર્ષ બાદ હાલ દેશમાં જેટલું રોકડ નાણું છે તેટલું અગાઉ ક્યારેય ન હતું. ભારતીયો પાસે હાથ ઉપર રહેલા રોકડ નાણાંનું પ્રમાણ ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યુ છે. આ બાબત દર્શાવે છે કે રોકડ નાણાં દ્વારા ચૂકવણીની પદ્ધતિ હજુ પણ લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા અનુસાર, 21 ઓક્ટોબર, 2022ના રોજ દેશમાં ઉપલબ્ધ કુલ રોકડ 30.88 લાખ કરોડ રૂપિયા છે, જે 4 નવેમ્બર, 2016ના રોજની 17.97 લાખ કરોડ રૂપિયા કરતા લગભગ 80 ટકા વધારે છે.

નોટબંધીના બે અઠવાડિયા બાદ 25 નવેમ્બર, 2016 ના રોજ ભારતીયો પાસે 9.11 લાખ કરોડ રૂપિયાની રોકડ હતી, પરંતુ હવે તેમાં 239 ટકાનો વધારો થયો છે. RBIના આંકડા અનુસાર, 21 ઓક્ટોબર, 2020 ના રોજ સમાપ્ત થયેલા પખવાડિયામાં દિવાળીની પૂર્વસંધ્યાએ લોકો પાસે રોકડ તરીકે 25,585 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. વાર્ષિક ધોરણે તેમાં 9.3 ટકા એટલે કે 2.63 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

નવેમ્બર 2016માં નોટબંધી પછી 4 નવેમ્બર, 2016ના રોજ ભારતીયો પાસે 17.97 લાખ કરોડ રૂપિયા રોકડ નાણાં હતા પરંતુ જાન્યુઆરી 2017માં તેનું પ્રમાણ ઘટીને 7.8 લાખ કરોડ રૂપિયા થયુ હતુ.

નોટબંધીના 6 વર્ષ

ઉલ્લેખનિય છે કે, નોટબંધીના છ વર્ષ પૂરા થવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 નવેમ્બર, 2016ના રોજ અચાનક નોટબંધીની જાહેરાત કરી હતી. જેમાં 500 અને 1000 રૂપિયાના મૂલ્યની ચલણી નોટોની માન્યતા રદ કરીને બજારમાંથી પાછી ખેંચવામાં આવી હતી. નોટબંધીથી લોકોને બેંકોની લાંબી લાઇનોમાં ઉભા રહેવાની ફરજ પડી હતી. દેશમાં કાળા નાણાં અને બોગસ ચલણી નોટોનું દૂષણ ડામવા માટે નોટબંધી કરવામાં આવી હોવનો વડાપ્રધાને તે સમયે દાવો કર્યો હતો જો કે આ કવાયત કેટલી સફળ થઇ છે તે હજી પણ યક્ષપ્રશ્ન છે.

ટોટલ કરન્સી ઇન સર્ક્યુલેશન (CIC) એ બેંકો પાસે રહેલી રોકડની બાદબાકી કર્યા બાદ જનતા પાસે રહેલું નાણું છે. કરન્સી ઇન સર્ક્યુલેશન એ દેશની અંદર રોકડ અથવા નાણાંની સ્થિતિના સંકેત આપે છે જેનો ગ્રાહકો અને ઉદ્યોગ-વેપારીઓ દ્વારા લેવડ-દેવડ કરવા માટે ઉપયોગ થાય છે.

સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ “કેશ લેસ સોસાયટી” (ઓનલાઇન પેમેન્ટ) પર ભાર મૂક્યો હોવા છતાં, પેમેન્ટનું ડિજિટાઈઝેશન અને વિવિધ ટ્રાન્ઝેક્શનમાં રોકડના ઉપયોગ પર પ્રતિબંધો લાદવા છતાં પણ સિસ્ટમમાં રોકડ નાણું સતત વધી રહ્યું છે. આ વૃદ્ધિ મુખ્યત્વે વર્ષ 2020માં માર્ચ મહિનામાં સરકાર દ્વારા કોરોના મહામારીનું સંક્રમણ રોકવા માટે લાગુ કરાયેલા કડક લોકડાઉન બાદ રોકડ નાણાં માટે લોકોના ભારે ધસારાથી પ્રેરિત છે. જેમ જેમ વિશ્વભરના દેશોએ ફેબ્રુઆરીમાં લોકડાઉનની જાહેરાત કરી હતી તેમ તેમ લોકોએ તેમની કરિયાણા અને અન્ય આવશ્યક જરૂરિયાતોની ખરીદી કરવા માટે રોકડ નાણાંનો સંગ્રહ કરવાનું શરૂ કર્યુ હતુ.

નોટબંધીથી રોકડ નાણાંનું પ્રમાણ ઘટ્યું હતુ

નવેમ્બર 2016માં અચાનક ડિમોનેટાઇઝેશનની ઘોષણાથી લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. દેશની અર્થવ્યવસ્થામાંથી રોકાણ નાણાંનું પ્રમાણ ઘટી ગયુ, માંગ ઘટી, ઉદ્યોગો-વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને ભારતના જીડીપી ગ્રોથમાં લગભગ 1.5 ટકાનો ઘટાડો આવ્યો હતો. નોટબંધી બાદ અનેક ઔદ્યોગિક એકમોને મોટો ફટકો પડ્યો હતો અને શટર પડી ગયા હતા. નોટબંધથી બજારમાં રોકડ નાણાંની ભારે અછત સર્જાઈ હતી.

રોકડ નાણાંના પ્રમાણમાં વધારો એ વાસ્તવિકતાનું પ્રતિબિંબ નથી. એક બેંકરે જણાવ્યું હતું કે, “જે ધ્યાનમાં લેવાની જરૂર છે તે છે ચલણ અને જીડીપી રેશિયો, જે નોટબંધી પછી ઘટ્યો હતો.”

લગભગ નાણાંકીય વર્ષ 2020 સુધી દેશની જીડીપી અને બજારમાં રહેલા રોકડ નાણાંનો ગુણોત્તર 10થી 12 ટકાની વચ્ચે રહ્યો છે. ભારતમાં કરન્સીનું સર્ક્યુલેશન વર્ષ 2017-18માં દેશન જીડીપીના 10.7 ટકાથી વધીને વર્ષ 2020-21માં જીડીપીના 14.4 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. અલબત્ત કોવિડ-19 મહામારી બાદ અને અર્થતંત્રમાં રોકડ નાણાંનું પ્રમાણ વધવાને કારણે જીડીપી – કરન્સી સર્ક્યુલેશન વચ્ચેનો ગુણોત્તર વધવાની અપેક્ષા છે.

ઇ-પેમેન્ટની બોલબાલા વચ્ચે ‘રોકાડનું’ મહત્વ અકબંધ

તહેવારોની સીઝન દરમિયાન, રોકડ નાણાંની માંગ વધુ રહે છે કારણ કે મોટી સંખ્યામાં વેપારીઓ હજુ પણ નાણાંકીય વ્યવહારો માટે રોકડ ચૂકવણી પર આધાર રાખે છે. લગભગ 15 કરોડ લોકો પાસે હજુ પણ બેંક ખાતું નથી સાથે રોકડ નાણાં વિનિમયનું મુખ્ય માધ્યમ છે. તદુપરાંત મેટ્રો અને મોટા શહેરો ગણાતા ટિયર-વન સિટીમાં ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન માટે 90 ટકા રોકડ નાણાંમાં થઇ રહ્યા છે જેની સરખામણીએ ટિયર-4 સિટી એટલે નાના શહેરોમાં આ પ્રમાણ 50 ટકા છે.

Web Title: Cash money hits record high of rs 30 88 lakh crore with indian peoples 6 year of demonetisation rbi data

Best of Express