ગ્લોબલ હંગર ઈન્ડેક્સ-2022ના સંદર્ભમાં 121 દેશોની રેન્કિંગ યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં ભારત 107મા ક્રમે છે. રિપોર્ટ અનુસાર, ભારત તેના પડોશી દેશો નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાનથી પણ પાછળ છે. આ રિપોર્ટ અંગે કેન્દ્રનો જવાબ આવ્યો છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ છે. કેન્દ્રનું કહેવું છે કે, એક એવા રાષ્ટ્ર તરીકે દેશની છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે તેની વસ્તીની ખાદ્ય સુરક્ષા અને પોષણની જરૂરિયાતોને પૂર્ણ કરતું નથી.
સરકારે કહ્યું કે, દર વર્ષે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવે છે. ખોટી માહિતીનું વાર્ષિક પ્રકાશન એ ગ્લોબલ હંગર ઇન્ડેક્સની ઓળખ હોવાનું જણાય છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, આ ઇન્ડેક્સ ભૂખમરીનું ખોટું માપદંડ છે અને તે ગંભીર કાર્યપ્રણાલી સંબંધી સમસ્યાઓથી પીડાય છે. મંત્રાલયે તેમનું વલણ સ્પષ્ટ કર્યું હતું કે, સૂચકાંકની ગણતરી કરવા માટે ઉપયોગમાં લેવાતા 4 સૂચકાંકોમાંથી, 3 બાળકોના સ્વાસ્થ્યને લગતા છે અને તે સમગ્ર વસ્તીનું પ્રતિનિધિત્વ કરી શકતા નથી.
ચોથું સૌથી મહત્ત્વનું સૂચક માત્ર 3000 લોકો પર કરવામાં આવેલા સર્વેના આધારે કુપોષિત વસ્તીનો અંદાજ છે, એમ નિવેદનમાં જણાવાયું છે. મંત્રાલયે કહ્યું કે, આ અહેવાલ માત્ર જમીની વાસ્તવિકતાથી અલગ જ નથી, પરંતુ લોકો માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને પણ જાણીજોઈને અવગણવામાં આવ્યા છે. જે રીતે સરકારે કોરોના મહામારી દરમિયાન ખાદ્ય સુરક્ષા માટે પગલાં લીધાં.
FAO ના અંદાજો ગેલપ વર્લ્ડ પોલ દ્વારા હાથ ધરવામાં આવેલા FIES (ફૂડ ઇન્સિક્યોરિટી એક્સપિરિયન્સ સ્કેલ) સર્વે પર આધારિત છે, જે 3,000 લોકો પર હાથ ધરવામાં આવ્યું હતું. નિવેદન મુજબ, આ મામલો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) સાથે જુલાઈ, 2022માં ઉઠાવવામાં આવ્યો હતો અને FIES સર્વે મોડ્યુલ ડેટા પર આધારિત અંદાજનો ઉપયોગ કરવાનું ટાળવા જણાવ્યું હતું કારણ કે તેનું આંકડાકીય આઉટપુટ મેરિટ પર આધારિત નથી. મંત્રાલયે કહ્યું કે, આ મુદ્દે વધુ કામ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. આટલી હકીકતલક્ષી વિચારણાઓ હોવા છતાં, ગ્લોબલ હંગર ઇન્ડેક્સ રિપોર્ટનું પ્રકાશન ખેદજનક છે.
આ પણ વાંચો – ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022માં ભારત 107માં સ્થાને ગગડ્યું
કેન્દ્રએ જણાવ્યું હતું કે, દર વર્ષે ફૂડ બેલેન્સ શીટમાંથી AFO દ્વારા અંદાજિત વ્યક્તિદીઠ આહાર ઊર્જા પુરવઠો દેશમાં મુખ્ય કૃષિ કોમોડિટીના ઉત્પાદનમાં વધારાને કારણે વધી રહ્યો છે, તેથી સ્તરમાં વધારો થવાની કોઈ શક્યતા નથી. દેશમાં કુપોષણનું કારણ ન હોવું જોઈએ.