કેન્દ્ર સરકારે મંગળવારે 16 મે, 2023ની રાત્રે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના નિયયોમાં સુધારા અંગેનું નોટિફિકેશન જારી કર્યુ હતુ. જેમાં ભારતની બહાર ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડના ખર્ચને લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ આવરી લેવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે હવે ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ મારફતે ભારતની બહાર કરવામાં આવતા ખર્ચાઓ પર 20 ટકાના દરે ટેક્સ કલેક્શન એટ સોર્શ (TCS) લાગુ પડશે. આ ફેરફાર 1 જુલાઇથી અમલમાં આવસે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આ પગલાથી કાર્ડ ઇશ્યૂ કરતી બેંકો અને ગ્રાહકો માટે નિયમ પાલનનો નવો બોજ પડી શકે છે.
વિદેશમાં ક્રેડિટ કાર્ડ થકી ખર્ચ અંગેના નિયમોમાં શું ફેરફાર કરાયો?
ભારતની બહાર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરાયેલા ટ્રાન્ઝેક્શન્સ હવે તાત્કાલિક અસરથી LRSના દાયરામાં આવી જશે, જે 1 જુલાઈથી નાણાંકીય વર્ષ 2022-23ના બજેટમાં જાહેર કરાયેલા TCSની ઊંચી કર વસૂલાતમાં પરિણમશે.
આ અગાઉ વિદેશ પ્રવાસ દરમિયાન ખર્ચને પહોંચી વળવા માટે ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ LRS હેઠળ આવરી લેવામાં આવ્યો ન હતો. વિદેશી ફોરેન એક્સચેન્જ મેનેજમેક્ટ એક્ટ (કરંટ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન), 2000ના નિયમ- 7 મારફતે ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ્સ મારફતે કરવામાં આવેલા ખર્ચને LRSમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. હવે નવા નોટિફિકેશન મુજબ ફેમા-એક્ટમાંથી નિયમ- 7ને હવે નાબૂદ કરવામાં આવ્યો છે, આથી હવે આવા ખર્ચાઓ પર LRS – ટેક્સ વસૂલવાનો માર્ગ મોકળો બન્યો છે.
નિયમો કેમ બદલાયા? તેની શું અસર થશે?
નિયમોમાં ફેરફારનો એક ઉદ્દેશ્ય ઉચ્ચ-મૂલ્યના વિદેશી નાણાંકીય વ્યવહારોને ટ્રૅક કરવામાં મદદ કરવાનો છે. જો કે તેની સાથે એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભારતમાંથી અખબારો, મેગેઝિનો અથવા ઑનલાઇન સ્ટ્રીમિંગ સર્વિસ માટેના સબસ્ક્રિપ્શન સર્વિસ જેવી વિદેશી ચીજવસ્તુઓ/સેવાઓની ખરીદી માટે કરાયેલા પેમેન્ટ પર આ ફેરફારો લાગુ થશે નહીં. નાણા મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, “તે FEM એક્ટની અનુક્રમિકા-3 હેઠળના ટ્રાન્ઝેક્શનને કડક બનાવવા માટે છે અને તે વિદેશી ચીજવસ્તુઓ/સેવાઓની ખરીદી માટેની ચૂકવણી પર લાગુ થશે નહીં. આ માંગણી સ્થાનિક પ્રવાસન ઉદ્યોગ તરફથી કરવમાં આવી હતી.”
વિદેશ પ્રવાસ પાછળ ભારતીયોનું ખર્ચ 104 ટકા વધ્યો
આ પગલું વિદેશ પ્રવાસ પર ખર્ચમાં થઇ રહેલી સતત વૃદ્ધિને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યું છે. ભારતીયોએ નાણાકીય વર્ષ 2022-23માં એપ્રિલ-ફેબ્રુઆરી દરમિયાન વિદેશ પ્રવાસ પાછળ 12.51 અબજ ડોલરનો ખર્ચ કર્યો છે, જે તેની અગાઉના વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 104 ટકાનો વધારો દર્શાવે છે, જો કે, તે કોરોના મહામારી દરમિયાન મુસાફરી પ્રતિબંધોથી નીચી બેઝ ઇફેક્ટને પણ આભારી હોઇ શકે છે.
RBI દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર RBIના LRS હેઠળ નાણાંકીય વર્ષ 2022માં એપ્રિલ-ફેબ્રુઆરી દરમિયાનમાં સ્થાનિક પ્રવાસીઓ દ્વારા વિદેશી સ્થળો પર કુલ 6.13 અબજ ડોલરન ખર્ચ કરવામાં આવ્યો છ.
ક્રેડિટ કાર્ડ ખર્ચમાં ઝડપી વધારો
એપ્રિલ 2022 થી ફેબ્રુઆરી 2023 દરમિયાન ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન 32.6 ટકા વધીને 267.35 કરોડ થયા છે. જો મૂલ્યની દ્રષ્ટિએ જોઇએ તો સમીક્ષાધી સમયગાળા દરમિયાન ક્રેડિટ કાર્ડ થકી 12.95 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, જે વાર્ષિક તુલનાએ 50 ટકાનો વધારો દર્શાવે છે.
ફોરેન ટુર પેકેજ પર 3 વર્ષ પહેલા TCS લાદવામાં આવ્યો
ક્રેડિટ કાર્ડ્સ માટેના નિયમ એ ફોરેન ટુર પેકેજો પર TCS વસૂલવાના સરકારના અગાઉના પગલાંને રેખાંકિત કરે છે. રકારે ફેબ્રુઆરી 2020ના બજેટમાં ફોરેન રેમિટન્સ અને ફોરેન ટુર પેકેજના વેચાણ પર 5 ટકા TCS વસૂલવા આવકવેરા કાયદાની કલમ 206C હેઠળ નવી કલમ દાખલ કરવાની જાહેરાત કરી હતી. નવો નિયમ ઓક્ટોબર 2020થી લાગુ થયો છે.
ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર કર વસૂલાતનો શું મતલબ છે?
ટેકનિકલ રીતે, આવા ટ્રાન્ઝેક્શનો પર 1 જુલાઈ સુધી (મેડિકલ અને એજ્યુકેશન સાથે જોડાયેલા સેક્ટોરને બાદ કરતા) 5 ટકા TCSની વસૂલાત કરવામાં આવતી, હવે 1 જુલાઈ બાદ આ ટીસીએસનો દર વધીને 20 ટકા થઈ જશે. બીજા શબ્દોમાં કહીયે તો ભારતની બહાર ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ થકી કરાતા ખર્ચાઓ પર 1 જુલાઇ બાદ 5 ટકાના બદલે 20 ટકા ટીસીએસ વસૂલવામાં આવશે. જો કે કાર્ડ ઇન્ડસ્ટ્રીઝના ખેલાડીઓએ જણાવ્યું હતું કે મિકેનિઝમ વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચ પર TCS વસૂલવાની યંત્રણા હાલમાં કાર્યરત નથી.
બજેટમાં ફોરેન રેમિટન્સ માટે TCSની મર્યાદામાં ફેરફાર કરાયો
સરકારે 2023-24ના બજેટમાં ફોરેન રેમિટન્સ માટે TCSની મર્યાદામાં ફેરફાર કર્યો હતો. બજેટમાં જણાવવામાં આવ્યું હતું કે LRS હેઠળ ફોરેન આઉટવર્ડ રેમિટન્સ પર શિક્ષણ અને મેડિકલ હેતુઓ સિવાય, 1 જુલાઈ, 2023 થી 20 ટકાનો TCS લાગુ થશે. આ પ્રસ્તાવ અગાઉ 7 લાખ રૂપિયાથી વધુના ફોરેન આઉટવર્ડ રેમિટન્સ પર પર 5 ટકા અને ઓવરસીઝ ટુર પેકેજ માટે કોઇ પણ થ્રેશોલ્ડ વગર 5 ટકા TCS લાગુ પડતુ હતુ.
માર્ચમાં, ફાઇનાન્સ બિલ 2023ને લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંકને વિદેશ પ્રવાસ પાછળ ક્રેડિટ કાર્ડ થકી થતા પેમેન્ટને LRS હેઠળ લાવવાની રીતો વિશે જોવા કહેવામાં આવ્યું છે.
LRS યોજના હેઠળ ભારતીય રહેવાસીઓને RBIની કોઈપણ પૂર્વ મંજૂરી વગર એક વર્ષમાં 250,000 ડોલર (લગભગ 2.06 કરોડ રૂપિયા) સુધીની રકમ વિદેશમાં મોકલવાની છૂટ છે. ક્રેડિટ કાર્ડના ખર્ચ વિશે વધારે માર્ગદર્શિકા ભવિષ્યમાં જારી કરવામાં આવે તેવી અપેક્ષા છે.
નવા નિયમો અંગે નિષ્ણાતો શું કહે છે?
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ક્રેડિટ કાર્ડ ખર્ચ માટેના ફેરફારોથી બેન્કો અને નાણાકીય સંસ્થાઓના અનુપાલન બોજમાં વધારો થવાની અપેક્ષા છે. તેઓએ એ પણ ધ્યાન દોર્યું કે જો તે વિદેશી નાણાંકીય વ્યવહારો પર નજર રાખવા માટેનો 20 ટકા TCS દર ખૂબ ઊંચો છે.
નિશ્ચલ એસ અરોરા, પાર્ટનર-રેગ્યુલેટરી, નાંગિયા એન્ડરસન ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “એ નોંધવું રસપ્રદ છે કે નિયમ- 7ને લગભગ 20 વર્ષ પહેલાં નિયમ 5 હેઠળ નિર્ધારિત નિયંત્રણોના દાયરામાં ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનોને મુક્તિ આપવા માટે ઉદારીકરણના પગલા તરીકે રજૂ કરવામાં આવ્યો હતો, એટલે કે, અનુસૂચિ III થી કરન્ટ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન રૂલ્સ, 2000માં સમાવિષ્ટ ટ્રાન્ઝેક્શન્સ માટે નાણાકીય મર્યાદાઓથી વધારે માટે રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરી જરૂરી છે. વધુમાં, જ્યારે સુધારો કરવામાં આવ્યો ત્યારે આરબીઆઈ દ્વારા ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડના ઉપયોગ માટે કોઈ અલગ નાણાકીય/ચીજ મુજબની ટોચમર્યાદા લાદવામાં આવી ન હતી.”
“આ રીતે, ભારતની બહારની મુલાકાતે અથવા તો ઇન્ટરનેટ પર ઇન્ટરનેશનલ શોપિંગ માટે પણ ભારતીય નાગરિકો દ્વારા ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડના ઉપયોગને અત્યાર સુધી કોઇ એક ચોક્કસ નાણાકીય વર્ષમાં વ્યક્તિ દીઠ 250,000 ડોલરની એકંદર LRS મર્યાદાની ગણતરી કરતી વખતે સમાવેશ કરવામાં આવતો ન હતો. હવે ઇન્ટરનેશલ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનો પણ LRS હેઠળ USD 250,000 ની મર્યાદા નક્કી કરવાના હેતુઓ માટે ધ્યાનમાં લેવામાં આવ્યા છે, તેની ખાતરી કરવામાં તેને નાબૂદ કરવામાં આવ્યા છે.” એવું તેમણે ઉમેર્યું છે.
ઉપરાંત, TCS એ પ્રત્યક્ષ કરવેરા વસૂલાત છે, જે માલના વેચાણ સમયે ખરીદદાર પાસેથી વેચાણકર્તા દ્વારા વસૂલવામાં આવે છે અને સરકારમાં જમા કરવામાં આવે છે. ટીસીએસ ફોરેન ટુર પેકેજની ખરીદી વખતે જ પ્રવાસી પર નાણાંકીય બોજ વધારી શકે છે. જો કે ત્યારબાદ કરદાતાઓ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે TCS વસૂલાત પર રિફંડનો દાવો કરી શકે છે, જેના પરિણામે કેટલાક નિષ્ણાતોએ ધ્યાન દોર્યું હતું કે ટેક્સ વિભાગ દ્વારા વાસ્તવિક રિફંડ શરૂ ન થાય ત્યાં સુધી વ્યક્તિઓનું ફંડ લૉક થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટના એડવોકેટ દીપક જોશીએ જણાવ્યું હતું કે “હવે વધારાનો બોજ એ છે કે ક્રેડિટ કાર્ડ યુઝર્સ જેઓ વિદેશમાં મુસાફરી કરે છે અથવા વિદેશમાં પેમેન્ટ કરે છે તેમના માટે 5% TCS ચાર્જ વધારાનો બોજ હશે. તેથી, કહો, ઇન્વોઇસ વેલ્યૂ 100 છે તો ગ્રાહકના ખિસ્સામાંથી 105 કાપવામાં આવશે. જે 1 જુલાઈ પછી વધીને 20% થઇ જશે,”
“સત્તાધીશોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગ વચ્ચેના તફાવત વિશે સ્પષ્ટતા કરવાની જરૂર પડશે. જો તેનો ઉપયોગ વિદેશની હોસ્પિટલમાં કરવામાં આવે છે, તો ઉંચા દરનો TCS લાગુ થશે નહીં. તો બેંકિંગ કંપનીને વેચાણના સમયે કેવી રીતે ખબર પડશે કે TCS એકત્રિત કરવાની છે કે નહીં? કારણ કે TCSની જરૂરિયાતો હવે અલગ હશે. ઉપરાંત, હવે અલગ-અલગ કેટેગરી માટે વિદેશી ખર્ચાઓ ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટમાં અલગથી રેકોર્ડ કરવાના રહેશે. આથી સીબીડીટી અથવા આરબીઆઈએ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન અને તેના પરના ટેક્સ અંગે વધારે સ્પષ્ટતા કરવાની ફરજ પડશે.
Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહી વાંચી શકો છો.