Dividend Stocks Investment : શેરબજારમા ડિવિડન્ડ સ્ટોક એટલે કે ડિવિડન્ડ આપતી કંપનીઓના શેર ખરીદવાનો રોકાણકારોમાં જબરદસ્ત આકર્ષણ હોય છે. કારણ કે, આ શેર સારા રિટર્નની સાથે ડિવિડન્ડ રૂપી આવક પણ કરાવી આપે છે. મહિન્દ્રા ગ્રૂપની એક કંપનીએ તાજેતરમાં ત્રિમાસિક પરિણામની ઘોષણા કરી છે. આ સાથે કંપનીએ શેર દીઠ 950 ટકા ડિવિડન્ડની ઘોષણા કરી છે. ડિવિડન્ડની ઘોષણા સાથે જ કંપનીના શેરમાં મજબૂતી જોવા મળી છે. તો ચાલો આ કંપની અને તેના શેર ભાવ વિશે જાણીયે
સ્વરાજ એન્જિન 950 ટકા ડિવિડન્ડ આપશે (Swaraj Engines Announced 950 pc Dividend Per Share)
મહિન્દ્ર ગ્રૂપની આ કંપનીનું નામ છે સ્વરાજ એન્જિન જેણે 950 ટકા ડિવિડન્ડની ઘોષણા કરી છે. કંપનીએ 10 રૂપિયાની ફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેર દીઠ 95 રૂપિયા એટલે કે 950 ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે. જે કંપનીનું અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ પેઆઉટ છે. અલબત્ત કંપનીએ હજી સુધી ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ જાહેર કરી નથી. સ્વરાજ એન્જિન કંપનીએ તાજેતરમાં ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા છે. ગત વર્ષે કંપની બોર્ડે ઇક્વિટી શેર દીઠ 92 રૂપિયા ડિવિડન્ડની ઘોષણા કરી હતી. ત્યારે તેની અગાઉ 2022માં 80 રૂપિયા અને 2021માં 50 રૂપિયા ડિવિડન્ડ આપ્યુ હતુ.
સ્વરાજ એન્જિન ત્રિમાસિક પરિણામ (Swaraj Engines Results)
સ્વરાજ એન્જિને 18 એપ્રિલ,2024ના રોજ ત્રિમાસિક પરિણામ જાહેર છે. કંપનીની માર્ચ ક્વાર્ટરમાં આવક 2.5 ટકા ઘટીને 351 કરોડ થઇ છે. તો કંપનીએ 35 કરોડ રૂપિપાનો ચોખ્ખો નફો કર્યો છે. EBITDA વાર્ષિક ધોરણે 2 ટકા ઘટી 48 કરોડ રૂપિયા અને માર્જિન ગત વર્ષના 13.6 ટકાની સામે 13.7 ટકા થયો છે.

સ્વરાજ એન્જિનમાં મહિન્દ્રા મહિન્દ્રાનો 52 ટકા હિસ્સો (Mahindra Group Stake In Swaraj Engines)
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપ સ્વરાજ એન્જીન્સમાં અંકુશાત્મક હિસ્સો ધરાવે છે. 31 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિકના અંતે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સ્વરાજ એન્જિનમાં 52.12 ટકા હિસ્સો હતો. તાજેતરમાં જાહેર કરાયેલા ડિવિડન્ડ પેઆઉટ અનુસાર સ્વરાજ એન્જિન તરફથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને ડિવિડન્ડ પેટે 60 કરોડ રૂપિયા મળશે.
આ પણ વાંચો | શેરબજાર : મોદી 2.0માં ગુજરાતની કંપનીઓના શેરમાં 1900 ટકા સુધીનું જંગી રિટર્ન, શું તમારી પાસે છે આ સ્ટોક
ડિવિડન્ડ ની ઘોષણા બાદ સ્વરાજ એન્જિન ના શેરમાં મજબૂતી (Swaraj Engines Share Price)
સ્વરાજ એન્જિન દ્વારા 950 ટકા ડિવિડન્ડની ઘોષણા બાદ કંપનીના શેરમાં મજબૂતી જોવા મળી છે. શેરબજાર માં શુક્રવારે સ્વરાજ એન્જિનનો શેર 2455 રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચ બનાવી સેશનના અંતે દોઢ ટકા વધીને 2432 રૂપિયા બંધ થયો છે. છેલ્લા 12 મહિનામાં આ શેરમાં 56 ટકા રિટર્ન મળ્યું છે. સ્વરાજ એન્જિનનો શેર 1 માર્ચ, 2024ના રોજ 2647 રૂપિયાની વર્ષની ટોચે પહોંચ્યો હતો.