Trump Slaps Tariff On Steel Aluminum Imports: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલાંથી ફરી ટેરિફ વોર શરૂ થવાની આશંકા છે. બીબીસીના એક રિપોર્ટ મુજબ ટ્રમ્પે અમેરિકાના બજારમાં આવતા તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમપર 25 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લાદવાનો આદેશ આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીની ભારત સહિત દુનિયાભરના દેશો પર ગંભીર અસર થવાની આશંકા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ટેરિફ લાદી કેનેડા, મેક્સિકો, બ્રાઝિલ અને અન્ય મુખ્ય સપ્લાયર દેશો માટે કર મુક્તિ અને ડ્યુટી ફ્રી ક્વોટા રદ કર્યા છે. સમાચાર એજન્સી રોઇટર્સે આ માહિતી આપી છે. અમેરિકાના આ નિર્ણયથી ઘણા મોટા દેશો સાથે વેપાર યુદ્ધ (ટ્રેડ વોર)નો ખતરો વધવાની આશંકા છે.
અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા ઇમ્પોર્ટ ટેરિફ લાદી
ડોનાલ્ડ ટ્રમ્પે અમુક દસ્તાવેજો (ઘોષણાઓ) પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં એલ્યુમિનિયમની આયાત પર ડ્યૂટી 10 ટકા થી વધારીને 25 ટકા કરવામાં આવી. ટ્રમ્પે મુશ્કેલીનો સામનો કરી રહેલા સ્થાનિક ઉદ્યોગોને મદદ કરવા માટે સૌપ્રથમ 2018માં આ 10 ટકા ડ્યુટી લાદી હતી. જો કે હવે નવા નિર્ણયથી લાખો ટન સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ફરીથી 25 ટકા ડ્યુટી લાદવામાં આવશે જેઓ અગાઉ યુએસ કર મુક્તિ હતી કારણ કે તેઓ ક્વોટા ડીલ્સ, મુક્તિ અથવા પ્રોડક્શન રિબેટનો લાભ મેળવી રહ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ એક નવો નિયમ પણ લાદશે જે હેઠળ ઉત્તર અમેરિકામાં સ્ટીલને ઓગાળવું અને એલ્યુમિનિયમને અન્ય ફોર્મમાં બનાવવું જરૂરી બનશે. આનાથી ચીન માંથી પ્રોસેસ્ડ સ્ટીલની આયાત બંધ થઈ જશે. આ આદેશમાં આયાતી સ્ટીલનો ઉપયોગ કરતા સ્ટીલ ઉત્પાદનો પર પણ ડ્યુટી લાદવામાં આવશે.
ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ જણાવ્યું હતું કે, આ પગલાં અમેરિકન સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદકોને મદદ કરશે અને અમેરિકાની આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, સ્ટીલ અને એલ્યુમિનિયમ ટેરિફ 2.0 વિદેશી ડમ્પિંગને દૂર કરશે, સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરશે અને અમેરિકાના સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉદ્યોગોને અમેરિકાના આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાના આધારસ્તંભ અને પાયાના પથ્થર તરીકે સુરક્ષિત કરશે. તેમણે કહ્યું કે, આ ફક્ત વેપાર વિશે નથી. તે ખાતરી કરવા ઇચ્છે છે કે, અમેરિકાને સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા આવશ્યક ઉદ્યોગો માટે ક્યારેય અન્ય દેશો પર નિર્ભર રહેવું ન પડે.
ટ્રમ્પની ટેરિફ નીતિની ભારત પર શું અસર થશે?
મૂડીઝ રેટિંગ્સે સોમવારે જણાવ્યું હતું કે, અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ટેરિફ લાદવાથી ભારતીય સ્ટીલ ઉત્પાદકોને મેટલ પ્રોડક્ટોની નિકાસમાં વધુ પડકારોનો સામનો કરવો પડશે.
મૂડીઝ રેટિંગ્સના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ હુઇ ટિંગ સિમે જણાવ્યું હતું કે, છેલ્લા 12 મહિનામાં સ્ટીલની ઊંચી આયાતને કારણે ભારતમાં સ્ટીલ પ્રોડક્ટના ભાવ અને કમાણીમાં ઘટાડો થયો છે. ભારતીય કંપનીઓને સૌથી મોટા સ્ટીલ ગ્રાહક બજાર ગુમાવવાનું જોખમ અને સ્થાનિક સ્ટીલના ભાવમાં ઘટાડો થવાનો ભય છે. પરિણામ શેરબજારમાં લિસ્ટેડ મેટલ કંપનીઓના શેર ભાવ ઘટી શકે છે.
અલબત્ત નિકાસકારોએ જણાવ્યું હતું કે, ભારત માટે અપવાદની શક્યતા છે કારણ કે 2019માં ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના વળતા જવાબમાં ભારતે અમેરિકા માંથી આયાત થતી 28 ચીજો પર ટેરિફ લાદયા બાદ બંને દેશો વેપાર ઠરાવ પર સંમત થયા હતા. તે સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વોશિંગ્ટન મુલાકાત દરમિયાન એક ઠરાવની જાહેરાત કરવામાં આવી હતી.
હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 અને 13 ફેબ્રુઆરીના રોજ અમેરિકા જઇ રહ્યા છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરે છે કેમ અને કોઇ મહત્વપૂર્ણ નિર્ણય લેવાય છે કે નહીં તેના પર સૌની નજર છે.
કેનેડા, બ્રાઝિલ અને મેક્સિકો સામે મોટો પડકાર
ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિની ભારત સહિત દુનિયાના ઘણા દેશો પર પ્રતિકુળ અસર થશે. રોઇટર્સના એક રિપોર્ટ મુજબ, સરકારી ડેટા અને અમેરિકન આયર્ન એન્ડ સ્ટીલ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, યુએસ સ્ટીલ આયાતના સૌથી મોટા સપ્લાયર કેનેડા, બ્રાઝિલ અને મેક્સિકો છે, ત્યારબાદ દક્ષિણ કોરિયા અને વિયેતનામ આવે છે. મોટા માર્જિન દ્વારા હાઇડ્રોપાવરથી સમૃદ્ધ કેનેડા યુએસને પ્રાયમરી એલ્યુમિનિયમ ધાતુનો સૌથી મોટો સપ્લાયર છે, જે 2024 ના પ્રથમ 11 મહિનામાં કુલ આયાતના 79 ટકા હિસ્સો ધરાવે છે.
થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) એ જણાવ્યું હતું કે જો નવા ટેરિફ અમલમાં આવે છે, તો ચીન, દક્ષિણ કોરિયા, જાપાન અને યુરોપિયન યુનિયન સહિત યુએસમાં સ્ટીલના મુખ્ય નિકાસકારો વળતા પગલાં લઈને પ્રતિક્રિયા આપી શકે છે. યુરોપિયન યુનિયને અગાઉ 2018ના ટેરિફ પછી મોટરસાયકલ અને બોર્બોન વ્હિસ્કી સહિત ઘણી યુએસ પ્રોડક્ટ પર વળતો ટેરિફ લાદયો હતો.





