EPFOનું નામ સાંભળીને મોટાભાગના લોકો પેન્શન અને PF ફંડ વિશે વિચારે છે, ઘણા લોકોને ખબર નથી કે EPFO તેના રજિસ્ટર્ડ કર્મચારીઓને જીવન વીમા કવચ પણ આપે છે. હા તમે બરાબર વાંચ્યું છે. ઈપીએફઓ દ્વારા કર્મચારીઓને ગ્રેચ્યુઈટી અને પેન્શનની સાથે વીમા કવચ પણ આપવામાં આવે છે.
આ ઇન્સ્યોરન્સ કવર 1976થી કર્મચારીઓ અપાય છે, પરંતુ માહિતીના અભાવે મોટાભાગના લોકો આ સુવિધાથી વંચિત છે. આજે અમે તમને EPFO દ્વારા આપવામાં આવેલા આ વીમા કવર અને તેનાથી સંબંધિત નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
1976થી મળે છે આ સુવિધા
એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ (EDLI) સ્કીમ EPFO દ્વારા નોંધાયેલા કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવે છે. આ યોજના EPF અને EPS સાથે સંયોજનના રૂપમાં કામગીરી કરે છે. આ સ્કીમ હેઠળ, જો નોકરી દરમિયાન કોઈ કર્મચારીનું મૃત્યુ થાય છે, તો EPFO દ્વારા તેના નોમિની કે વારસદારને નાણાકીય મદદ તરીકે 7 લાખ સુધીની રકમ આપવામાં આવે છે. વર્ષ 1976માં શરૂ થયેલી આ વીમા યોજનાનો હેતુ કર્મચારીના મૃત્યુ બાદ તેના પરિવારને આર્થિક મદદ કરવાનો છે.
EDLIની રકમ સંબંધિત નિયમોઃ-
- EDLI યોજના હેઠળ મળનાર ઇન્શ્યોરન્સ ક્લેઇમની રકમ છેલ્લા 12 મહિનાના કર્મચારીના પગાર પર આધારિત હોય છે.
- જો કર્મચારી 12 મહિનાથી સુધી કામ કરે છે, તો તેના મૃત્યુ પછી જ તેના નોમિનીને ઓછામાં ઓછી 2.5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
- આ યોજનાની સૌથી મહત્વની શરત એ છે કે આ યોજના હેઠળ કર્મચારીને તે કામ કરે ત્યાં સુધી જ કવર મળશે. એટલે કે, જો નોકરી છોડ્યા પછી તેનું મૃત્યુ થાય છે, તો તેના નોમિની અથવા પરિવાર વીમા માટે દાવો કરી શકશે નહીં
- આ યોજના હેઠળ કર્મચારીના પરિવારને વધુમાં વધુ 7 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળે છે.
- આ યોજનામાં જોડાવા માટે કર્મચારીએ કોઈ અલગ અરજી કે ફોર્મ ભરવાની જરૂર નથી.
- આ યોજનામાં કર્મચારીઓના પગારમાંથી કાપવામાં આવેલ પીએફના 0.5% જમા કરવામાં આવે છે.
- આ યોજના EPF અને EPSના કોમ્બિનેશનના રૂપમાં કામ કરે છે.
મોટાભાગના લોકો એવું વિચારે છે કે તેમના પગારમાંથી પીએફના નામે કપાતા તમામ પૈસા પીએફ ખાતામાં જમા થાય છે, જ્યારે એવું નથી, દર મહિને તમારા પગારમાંથી કપાતી પીએફની રકમમાંથી 8.33 ટકા રકમ EPS, 3.67 ટકા EPF અને 0.5 ટકા રકમ EDLIમાં જમા કરવામાં આવે છે.