સામાન્ય રીતે કર્મચારીઓ તેમની કંપની દ્વારા ચૂકવાતા પગાર અને બોનસને લઇને આક્રોશ ઠાલવતા હોય છે. જો કે એક કંપની એવી પણ છે જેણે તેના કર્મચારીઓને ચાર વર્ષનો પગાર ‘બોનસ’ તરીકે આપવાની જાહેરાત કરી છે. હાલ આ કંપનીની ચારેય બાજુ ચર્ચા થઇ રહી છે. અને કેમ ના થાય. તો ચાલો જાણીયે કર્મચારીને આટલું જંગી બોનસ આપતી કંપનીનું નામ- ઇતિહાસ, બિઝનેસ અને કમાણી વિશે
4 વર્ષના પગાર જેટલો ‘બોનસ’ આપનાર કંપનીનો ઇતિહાસ
તાઇવાનની એવરગ્રીન મરીન કોર્પ નામની કંપનીની હાલ ચારેકોર ચર્ચા થઇ રહી છે. 55 વર્ષ જૂની આ કંપનીની સ્થાપના વર્ષ 1968માં થઇ હતી અને તેનું હેડક્વાર્ટર તાઇવાનમાં આવેલુ છે. આ કંપનીએ તેના કર્મચારીઓને 4 વર્ષના પગાર જેટલો બોનસ આપવાની ઘોષણા કરી છે. 4 વર્ષ એટલે 50 મહિનાનો પગાર બોનસ સ્વરૂપ મળવાના અહેવાલથી આ કંપનીના કર્મચારીઓ અત્યંત ખુશ છે. કંપની કર્મચારીઓના ખાતામાં 50 મહિનાનો પગાર એક સાથે જમા કરશે.
કંપની કયો બિઝનેસ કરે છે?
એવરગ્રીન મરીન કોર્પ એ શિપિંગ સેક્ટરમાં કાર્યરત છે. એવરગ્રીન મરીન કોર્પનું નામ વર્ષ 2021માં તે સમયે દુનિયાભરમાં છવાયુ જ્યારે તેનું એક જહાજ સુએઝ નહેરમાં ફસાઇ ગયુ હતુ. સુપર ટેન્કર ‘એવર ગિવેન’ જહાજ એક ચક્રવાત વખતે સુએઝ નહેરમાં ફસાઇ ગયુ હતુ. જેના કારણે એક સપ્લાત સુધી સુએઝ નહેરમાંથી જહાજની અવરજવર બંધ રહી હતી.
કંપનીની આવક અને નફો
છેલ્લા બે વર્ષથી એવરગ્રીન મરીન કોર્પે જંગી કમાણી કરી છે જે કોરોના મહામારી દરમિયાન જહાજના નૂરભાડાંમાં થયેલા વધારાને આભારી છે. વર્ષ 2022માં કંપનીએ 20.7 અબજ ડોલરની આવક નોંધાવી છે, જે વર્ષ 2020ની તુલનાએ ત્રણ ગણી વધારે છે. વર્ષ 2021માં આ કંપનીના શેરમાં 250 ટકાનો ઉછાળો આવ્યો હતો.
શું બધા કર્મચારીઓને બોનસ મળશે?
એવરગ્રીન મરીન કોર્પ દ્વારા 4 વર્ષના પગાર જેટલા બોનસ આપવાની જાહેરાત કરતા આ કંપનીના તમામ કર્મચારીઓ ખુશીમાં આવી ગયા છે, જો કે શું આ બોનસ કંપનીના તમામ કર્મચારીઓને મળશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. મીડિયા રિપોર્ટનું માનીયે તો એવુ કહેવાય છે કે, એવરગ્રીન મરીન કોર્પ બધા કર્મચારીઓને 4 વર્ષના પગાર જેટલુ બોનસ આપશે નહીં. કંપની કેટલાક પસંદગીના કર્મચારીઓને જ આટલું જંગી બોનસ આપશે. જો આવુ થયુ તો કંપનીના કર્મચારીઓ વચ્ચે અસંતોષનો માહોલ ફેલાઇ શકે છે.