આઇટી કંપનીઓના કર્મચારીઓ માટે હાલ મુશ્કેલીનો સમય ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા મહિનાથી નાની મોટી ઘણી બધી આઇટી કંપનીઓએ મોટા પ્રમાણમાં કર્મચારીઓની છટણી કરી અને વર્ષ 2023માં પણ કર્મચારીઓને છુટા કરવાનું ચાલુ રાખી શકે છે. અગ્રણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની પેરન્ટ કંપની મેટા ઇન્કે ફરી એમ્પ્લોયની છટણી કરવાનો નિર્ણય લીધો છે. વોલ સ્ટ્રીટ જર્નલે આ અંગે માહિતી આપી છે. નોંધનીય છે કે, પાછલા વર્ષે પણ કંપનીએ એકસાથે હજારો લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. એક બાજુ મેટા કંપની તેની વિસ્તરણ યોજના પર કામ કરી રહી છે તો બીજી તરફ મેટાની ફેસબુકની ઘટી રહેલી લોકપ્રિયતા અને નફાના માઠા પરિણામ કર્મચારીઓ ભોગવી રહ્યા છે.
ફેસબુકના 13 ટકા કર્મચારીઓની કરી શકે છે છટણી
વોલ સ્ટ્રીટ જર્નલે શુક્રવારે આ બાબતથી વાકેફ લોકોને ટાંકીને એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું કે, ફેસબુકની પેરન્ટ મેટા પ્લેટફોર્મ્સ આગામી થોડા મહિનામાં છટણીના વધુ એક તબક્કાની ઘોષણા કરી શકે છે, જે પાછલા વર્ષની સમકક્ષ 13 ટકા લે-ઓફ હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, મેટા પ્લેટફોર્મ ઇન્કે ચાર મહિના પહેલા 11,000 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા અને હવે ફરી સામૂહિક છટણીના બીજા તબક્કાની ઘોષણા કરનાર પ્રથમ મોટી ટેક કંપની બનશે.
કેટલાક પ્રોજેક્ટ કરી શકે છે બંધ
મીડિયા રિપોર્ટ અનુસાર, નવા જોબ કેટની ઘોષણા આગામી અઠવાડિયે કરવામાં આવી શકે છે, જે નોન-એન્જિનિયરિંગ જોબને અસર કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની આ જોબ-કટની સાથે કેટલાક પ્રોજેક્ટ બંધ પણ કરી શકે છે. મેટાએ સમાચાર એજન્સી રોઇટર્સના પ્રશ્નોનો જવાબ આપ્યો નથી.
અત્યાર સુધી ઘણી બધી કંપનીઓએ છટણી કરી
વર્ષ 2023માં આઇટી કંપનીઓએ કર્મચારીઓની છટણી કરવાનું ચાલુ રાખ્યુ છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, કેપીએમજી કંપની અમેરિકામાં તેના લગભગ 2% કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરી રહી છે. અગાઉ નવેમ્બર વર્ષ 2022માં મેટા ઇન્કે 11000 કર્મચારીઓને છૂટા કર્યા હતા. ઉપરાંત ઑક્ટોબર વર્ષ 2022ના અંતમાં એલોન મસ્કે ટ્વિટરનું અધિગ્રહણ કર્યું ત્યારબાદથી કંપનીએ 7500 એટલે કે 50 ટકા કર્મચારીઓને નોકરીમાંથી તગેડી મૂક્યા છે.
તાજેતરમાં એક અન્ય અહેવાલમાં જણાવ્યું છે કે, Twitter ટૂંક સમયમાં ફરી કર્મચારીઓની છટણી કરી શકે છે. એટલું જ નહીં ઇ-કોમર્સ જાયન્ટ એમેઝોને તાજેતરમાં 1800 કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડ્યો છે. કર્મચારીઓની છટણી કરનાર કંપનીઓની યાદી ઘણી લાંબી છે અને દુનિયાભરમાં ઘણી નાની અને મોટી આઇટી કંપનીઓ જોબ-કટ કરી રહી છે.