શેરબજારમાં ગત વર્ષે લિસ્ટિંગ સાથે જ રોકાણકારોને જબરદસ્ત કમાણી કરાવનાર લાઇફસ્ટાઇલ રિટેલ કંપની FSN ઇ-કોમર્સ વેન્ચર્સ લિમિટેડ (નાયકા)ના શેરધારકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. નાયકા કંપનીએ શેરધારકો માટે બોનસાશેરની જાહેરાત કરી છે. જેમાં કંપની તેના શેરધારકોને 1 ઇક્વિટી શેરની સામે 5 બોનસ શેર આપશે. જેની માટેની રેકોર્ડ ડેટ 11 નવેમ્બર નક્કી કરી છે. જાણો કંપનીના આ નિર્ણયથી રોકાણકારોને શું અને કેટલો ફાયદો થશે.
નાયકાના શેરમાં વેચવાલીનું દબાણ
નાયકા કંપનીન શેરમાં હાલ ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. કંપનીના IPO પહેલાના રોકાણકારો માટેનો લોક-ઈન પિરિયડ 10 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે, જેના લીધે જે વેચવાલીનું દબાણ આવ્યું છે. જોકે, આ દરમિયાન કંપની તેના રોકાણકારોને બોનસ શેર પણ આપવા જઈ રહી છે. કંપનીએ તેનો બોનસ શેર રેશિયો 5:1 નક્કી કર્યો છે.
11 નવેમ્બર રેકોર્ડ ડેટ
નાયકાએ બોનસ શેર માટે 11 નવેમ્બરની રેકોર્ડ તારીખ નક્કી કરી છે. પહેલા તે 3 નવેમ્બર હતી, પરંતુ બાદમાં તેને બદલીને 11 નવેમ્બર કરવામાં આવી. કંપનીના બોનસ શેરની એક્સ-ડેટ 10 નવેમ્બર હશે. જો કોઈ રોકાણકાર એક્સ-ડેટ પછી કંપનીના શેર ખરીદે છે, તો તેને બોનસ શેરનો લાભ મળશે નહીં. એટલે કે, જો તમારી પાસે 10 નવેમ્બર સુધી શેર છે, તો તમને બોનસ શેરનો લાભ મળશે. બોનસ શેરનો રેશિયો 5:1 નક્કી કરાયો છે. શેરધારકોને નાયકા કંપનીના પ્રત્યેક 1 શેરની સામે બોનસમાં 5 શેર મળશે.
માર્કેટએક્સપર્ટ્સ શું કહે છે…
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયર કહે છે કે Nykaa બોનસ શેર ઇશ્યૂ કરવાથી IPO પહેલાના રોકાણકારો પર વેચાણનું દબાણ ઘટશે. આ સાથે શેરધારકો પણ ખુશ થશે. પરંતુ અત્યારે, કન્ઝ્યુમર ટેક-આધારિત કંપનીઓના ઊંચા મૂલ્યાંકન અને કામગીરીમાંથી નબળી આવક ચિંતાનું કારણ છે. તેની અસર આગામી સમયમાં કંપનીના પર્ફોર્મન્સ પર જોવા મળશે.
Nykaaનો નફો 4.5 ગણો વધ્યો
નાયકાની મૂળ પેરેન્ટ કંપની FSN ઇ-કોમર્સ વેન્ચર્સ લિમિટેડનો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેખાવ ઘણો સારો રહ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો નફો 333 ટકા અથવા લગભગ 4.5 ગણો વધીને 5.19 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીએ 1.17 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. Nykaaની ઓપેશન્સ ઇન્કમ 39 ટકા વધીને 1,230.8 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જીએમવી વાર્ષિક ધોરણે 45 ટકા વધીને 2,345.7 કરોડ રૂપિયા થઈ છે. ત્રિમાસિક ધોરણે ગ્રોસ માર્જિન 42.7 ટકાથી વધીને 45.3 ટકા થયું છે. EBITDA પણ 2.8 કરોડ રૂપિયાની સરખામણીએ 61 કરોડ રૂપિયા થયુ છે તો EBITDA માર્જિન 3.3 ટકાથી વધીને 5 ટકા થયું છે.
IPO ઇન્વેસટર્સનો લોક-ઇન પીરિયડ 10 નવેમ્બરે સમાપ્ત
Nykaa માં IPO પહેલા રોકાણકાર કરનાર એન્કર ઇન્વેસ્ટર્સનો લોક – ઇન પીરિયડ 10 નવેમ્બર 2022ના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. એટલે આઇપીઓ પહેલા આ કંપનીના શેર ખરીદનાર એન્કર ઇન્વેસ્ટર્સ હવે પોતાની પાસે રહેલા શેરનું વેચાણ કરી શકે છે.
નાયકાના શેરમાં જંગી ઘટાડો
Nykaa કંપનીના શેરની IPO હેઠળ ઇશ્યૂ પ્રાઇસ રૂ. 1125 હતી અને 10 નવેમ્બર 2021ના રોજ આ શેર સ્ટોક એક્સચેન્જ પર લગભગ બમણી તેજી સાથે રૂ. 2001 પર લિસ્ટ થયો હતો. લિસ્ટિંગના દિવસે રોકાણકારોને લગભગ 96 ટકાનો નફો મળ્યો અને શેર સ્ટોક એક્સચેન્જ પર રૂ. 2207 પર બંધ થયો હતો. એટલે કે લિસ્ટિંગના દિવસે જ નાયકાના રોકાણકારોના પૈસા બમણા થઈ ગયા. આ સ્ટોક્સે રૂ. 2574ની ઊંચી સપાટી બનાવી હતી. જો કે ત્યારબાદ શેર મંદીના વમળમાં ફસાયો અને વેચવાલીના દબાણના પગલે સતત ઘટીને હાલ તેની ઇશ્યૂ પ્રાઇસથી નીચે આવી ગયો છે. બુધવારે નાયકા કંપનીનો શેર બીએસઇખાતે 4.91 ટકાના ઘટાડે 1076.15 રૂપિયાના ભાવે બંધ થયો હતો.