ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ મસમોટા કડાકા બોલાયા છે. આ ઘટના બાદ પણ ભારત સરકારની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે એલઆઇસી (LIC)એ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં હોલ્ડિંગ વધાર્યું છે. એલઆઇસી જાન્યુઆરીથી માર્ચ 2023ના ત્રિમાસિક દરમિયાન અદાણી ગ્રૂપની ચાર લિસ્ટેડ કંપનીમાં શેર હોલ્ડિંગ વધાર્યું છે. તો બીજી બાજુ કોંગ્રેસે એલઆઇસી સહિત કેટલીક સરકારી કંપનીઓ દ્વારા અદાણીની કંપનીઓમાં રોકાણનો વિરોધ કર્યો હતો.
LIC એ અદાણી ગ્રૂપની કઇ કંપનીમાં હિસ્સેદારી વધારી
મીડિયા રિપોર્ટ અનુસાર સરકારી માલિકીની શેર બજારમાં લિસ્ટેડ વીમા કંપની LICએ માર્ચ ક્વાર્ટર દરમિયાન અદાણી ગ્રૂપની ચાર કંપનીઓમાં તેની હિસ્સેદારી વધારી છે. આ ચાર કંપનીઓમાં અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ, અદાણી એન્ટરપ્રાઇસ અને અદાણી ટ્રાન્સમિશનનો સમાવેશ થાય છે. તો બીજી બાજુ LICએ અદાણી ગ્રપની અન્ય બે કંપનીઓમાં તેનું શેર હોલ્ડિંગ ઘટાડ્યું છે અને આ કંપનીના નામ અંબુજા સિમેન્ટ અને અદાણી પોર્ટ્સ છે.
LICએ કઇ કંપનીના કેટલા નવા શેર ખરીદ્યા
માર્ચ ક્વાર્ટર 2023ના અંતે LICની પાસે અદાણી ગ્રીન એનર્જીના 2,14,70,716 શેર કે 1.36 ટકા હિસ્સો હતો, જે ડિસેમ્બર ક્વાર્ટર 2022ની તુલનાએ 0.08 ટકા વધારે હોલ્ડિંગ છે, તે સમયે LIC પાસે આ કંપનીના 2,03,09,080 ઇક્વિટી શેર કે 1.28 ટકા હિસ્સો હતો.
તેવી જ રીતે ડિસેમ્બર 2022ના અંતે LIC પાસે અદાણી ટોટલ ગેસ કંપનીના 5.96 ટકા કે 6,55,88,170 ઇક્વિટી શેર હતા જે વધીને માર્ચ 2023ના અંતે 6,62,00,032 ઇક્વિટી શેર કે 6.02 ટકા થયા છે. આમ માર્ચ ક્વાર્ટર દરમિયાન આ કંપનીમાં LICનું શેર હોલ્ડિંગ 0.06 ટકા વધ્યું છે.
તો અદાણી એન્ટરપ્રાઇસ અને અદાણી ટ્રાન્સમિશન કંપનીમાં LICએ તેની હિસ્સેદારી માર્ચ ક્વાર્ટર 2023ના અંતે 0.03 ટકા વધારી છે. LICનું શેર હોલ્ડિંગ અદાણી એન્ટરપ્રાઇસમાં સમીક્ષાધીન ત્રિમાસિક ગાળામાં 4.23 ટકા વધીને 4.26 ટકા થયું છે. તેવી જ રીતે અદાણી ટ્રાન્સમિશન કંપનીમાં LICનું હોલ્ડિંગ 3.65 ટકા વધીને 3.68 ટકા થયું છે.
LICએ અદાણી ગ્રૂપની બે કંપનીઓમાં રોકાણ ઘટાડ્યું છે. જેમાં અદાણી પોર્ટ્સમાં LICની હિસ્સેદારી સમીક્ષાધીન ક્વાર્ટરમાં 9.14 ટકાથી ઘટીને 9.12 ટકા અને અંબુજા સિમેન્ટ કંપનીમાં 6.33 ટકાથી ઘટીને 6.29 ટકા થઇ છે. એસીસી કંપનીમાં LICનું શેરહોલ્ડિંગ 6.41 ટકા સ્તરે યથાવત રહ્યું છે.

અદાણી ગ્રૂપની કંપનીઓમાં LICનું રોકાણ કેટલું
હિંડનબર્ગ રિપોર્ટ બાદ LICએ 30 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે તેની પાસે અદાણી ગ્રૂપના ડેટ અને ઇક્વિટીમાં રૂ. 36,474.78 કરોડનું એક્સ્પોઝર છે અને આ રકમ સરકારી વીમા કંપનીના કુલ રોકાણના એક ટકા કરતાં પણ ઓછી છે. નોંધનીય છે કે, સપ્ટેમ્બર 2022 સુધીમાં LICની કુલ અંડર એસેટ્સ મેનેજમેન્ટ રૂ. 41.66 લાખ કરોડથી વધુ હતી.
આ પણ વાંચોઃ ગૌતમ અદાણીની મુશ્કેલી વધી, હિંડનબર્ગ બાદ ફિચે અદાણી ગ્રૂપની કંપનીઓ અંગે ચેતવણી ઉચ્ચારી
હાલના મીડિયા રિપોર્ટ અનુસાર અદાણી ગ્રૂપની કંપનીઓમાં LICનું રોકાણ જાન્યુઆરી 2023ના અંતે રૂ. 30,127 કરોડનું હતું, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે SBI અને LICને અદાણી જૂથને બચાવવા માટે રોકાણ કરવાની ફરજ પાડવામાં આવી હતી.





