Gautam Adani Group Bribery Case In US: ગૌતમ અદાણી પર અમેરિકા શેરબજાર નિયામક દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા બાદ અદાણી ગ્રૂપના શેરમા કડાકો બોલાયો છે. આ દરમિયાન અમેરિકાના આક્ષેપ વિશે અદાણી સમૂહ દ્વારા પ્રથમ સત્તાવાર નિવેદન આવ્યું છે. અદાણી ગ્રૂપે કહ્યું છે કે, અદાણી ગ્રીનના ડિરેક્ટરો સામેના તમામ આક્ષેપો પાયાવિહોણા છે. જૂથના પ્રવક્તાએ આ આરોપોને નકારી કાઢતા એક સ્ટેટમેન્ટ જારી કર્યું છે.
અદાણી ગ્રુપેયુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા અદાણી ગ્રીનના ડિરેક્ટરો સામે કરવામાં આવેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.
અદાણી ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રીનના ડિરેક્ટરો સામે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને કરેલા આક્ષેપો પાયાવિહોણા છે અને તેને નકારી કાઢવામાં આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે પોતે જ કહ્યું છે તેમ, આરોપનામામાં મૂકવામાં આવેલા આરોપો, ફક્ત, આરોપો છે અને પ્રતિવાદીઓને દોષિત સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ માનવામાં આવશે. શક્ય તમામ કાનૂની આશ્રય લેવામાં આવશે.

ગૌતમ અદાણી સામે ધરપકડ વોરંટ જારી
કોર્ટના દસ્તાવેજો અનુસાર અમેરિકન કોર્ટના જજે અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. અને ફરિયાદી આ વોરંટ આંતરરાષ્ટ્રીય કાયદાના અમલીકરણ માટે રજૂ કરી શકે છે.

અદાણી પર અમેરિકામાં શું આરોપ મૂકાયો?
અદાણી ગ્રૂપ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે, તેણે ભારતીય ઉપખંડમાં સોલર પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ અને ભંડોળ મેળવવા માટે મોટા પાયે લાંચ આપી હતી અને અમેરિકન રોકાણકારોથી આ વાત છુપાવી હતી. અદાણી પર અમેરિકાના આરોપનો સંપૂર્ણ રિપોર્ટ અહીં વાંચો
અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં 20 ટકાનો કડાકો
અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં ગુરુવારે શેરબજાર ખુલતાની સાથે જ 10 થી 20 ટકા સુધીનો કડાકો બોલાયો હતો. બીએસઈ પર અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરમાં 20 ટકા, અદાણી એનર્જી સોલ્યુશન્સમાં 20 ટકા, અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 19 ટકા, અદાણી ટોટલ ગેસમાં 18 ટકા, અદાણી પાવરમાં 18 ટકા અને અદાણી પોર્ટ્સના શેરમાં 15 ટકાનો કડાકો નોંધાયો હતો. અંબુજા સિમેન્ટ, એસીસી લિમિટેડ, એનડીટીવી, સાંઘી ઈન્ડસ્ટ્રીઝ શેર પણ 8 થી 15 ટકા સુધી તૂટ્યા હતા.





