Godrej Industries Split: ગોદરેજ ગ્રૂપ ભારતનું અગ્રણી ઔદ્યોગિક સમૂહ છે. રિલાયન્સ ટાટા, વાડિયાની જેમા ભારતના ઔદ્યોગિક સમૂહોમાં ગોદરેજ ગ્રૂપનં પણ નામ સામેલ છે. સાબુથી લઈને હોમ એપ્લાયન્સિસ અને રિયલ એસ્ટેટ સુધી ગોદરેજ ગ્રૂપ ઘણા ક્ષેત્રોમાં હાજરી ધરાવે છે. જો કે હવે ગોદરેજ ગ્રૂપનું ડિમર્જર એટલે કે વિભાજન થઇ રહ્યું છે. ગોદરેજ પરિવારે 127 વર્ષ જૂના ગ્રુપને બે ભાગમાં વહેંચવા માટે સમજૂતી થઇ ગઇ છે. ડિમર્જર એગ્રીમેન્ટ હેઠળ ગોદરેજ ગ્રૂપનો એક હિસ્સો 82 વર્ષીય આદિ ગોદરેજ અને તેમના ભાઈ નાદિરને મળશે. તો બીજો હિસ્સો બીજી પિતરાઈ ભાઈ જમશેદ અને બહેન સ્મિતા ગોદરેજને મળશે.
અદી અને નાદિરે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝને પોતાની સાથે રાખી છે. તેની પાંચ લિસ્ટેડ કંપનીઓ છે. જમશેદ અને સ્મિતાને મુંબઈમાં અનલિસ્ટેડ કંપની ગોદરેજ એન્ડ બોયસ સાથે મુંબઇમાં તેની સાથે સંકળાયેલી મુખ્ય સંપત્તિ અને જમીન આપવામાં આવશે.
ગોદરેજ ગ્રૂપ ડિમર્જર (Godrej Group Demerger)
ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝ્યુમર, ગોદરેજ પ્રોપર્ટીઝ, ગોદરેજ એગ્રોવેટ અને એસ્ટેક લાઇફસાયન્સિસનો સમાવેશ થાય છે. આ કંપનીઓના ચેરમેન નાદિર ગોદરેજ હશે અને આદિ ગોદરેજ, નાદિર અને પરિવાર દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. આદિનો 42 વર્ષીય પુત્ર પિરોજશા ગોદરેજ ગોદરેજ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન રહેશે. તે ઓગસ્ટ 2026માં નાદિર ગોદરેજની જગ્યા લેશે.
બીજી તરફ ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રૂપમાં ગોદરેજ એન્ડ બોયસ અને સહયોગી લોકોનો સમાવેશ થાય છે, જે એરોસ્પેસ અને એવિએશનથી માંડીને ડિફેન્સ, ફર્નિચર અને આઇટી સોફ્ટવેર જેવા અનેક ઉદ્યોગોમાં હાજરી ધરાવે છે. જેનું સંચાલન જમશેદ ગોદરેજ કરશે. તેમની બહેન સ્મિતાની પુત્રી ન્યારિકા હોલકર તેની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હશે. આ ગ્રૂપની મુંબઈમાં 3400 એકરની લેન્ડ બેંક પણ છે.

ગોદરેજ નામ પાછળની રસપ્રદ કહાની (Godrej Group)
ગોદરેજ નામ રાખવા પાછળ પણ એક રસપ્રદ કહાણી છે. ગોદરેજ ગ્રૂપની સ્થાપના 1897માં અર્દેશિર ગોદરેજ અને પિરોજશા બુર્જોરજી ગોદરેજ દ્વારા કરવામાં આવી હતી. અર્દેશર પારસી હતા, જેમનો જન્મ 1868માં મુંબઈમાં થયો હતો. તેઓ તેમના બધા ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. આર્દેશર ગોદરેજ જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતા બુર્જોરજી ગુથેરાજી એ પરિવારનું નામ બદલીને ગોદરેજ રાખ્યું હતું અને આ રીતે કંપનીનું નામ પણ ગોદરેજ રાખવામાં આવ્યું હતું. લો સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ અર્દેશિરને 1894માં બોમ્બે સોલિસિટર્સ ફર્મમાં નોકરી મળી હતી. જો કે થોડા સમય બાદ તેમણે આ નોકરી છોડી દીધી હતી.
ત્યારબાદ તેમણે એક કેમિસ્ટ શોપમાં કામ કર્યું. અહીં કામ કરતી વખતે તેમણે મન બનાવી લીધું હતું કે તેઓ પોતાનો બિઝનેસ શરૂ કરશે. આ પછી, ધીરે ધીરે તેઓએ પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું અને જગ્યા શોધવાનું શરૂ કર્યું અને તાળા બનાવવાનું કામ શરૂ કર્યું. તેમના તાળાઓ ખૂબ લોકપ્રિય થયા પરંતુ અર્દેશિરને તેનાથી પણ આગળ વધવું હતુ અને તેઓ પોતાના લક્ષ્યસ્થાન તરફ આગળ વધતા રહ્યા. 1897માં કંપનીની સ્થાપનાના થોડા વર્ષો પછી તેમણે સાબુ બનાવવાનું શરૂ કર્યું. જે દુનિયામાં અત્યાર સુધીનો સૌથી પ્રથમ એનિમલ ફેટ ફ્રી એટલે કે પશુ ચરબી રહિત સાબુ છે.
ગોદરેજે 1023માં સ્ટીલની તિજોરીની સાથે સાથે ફર્નિચર બનાવવાનું શરૂ કર્યું. આ પછી ધીમે ધીમે બિઝનેસનું વિસ્તરણ થયું. લગ્ન પ્રસંગોમાં ગોદરેજના પ્રોડક્ટની ઘણી ચર્ચા થવા લાગી. 1952માં ગોદરેજે સિન્થોલ સાબુ બનાવ્યો હતો. જેના પગલે તેઓ ભારતમાં બીજા નંબરના સૌથી મોટા સાબુ ઉત્પાદક બન્યા હતા. 1958માં કંપનીએ રેફ્રિજરેટર લોન્ચ કર્યું હતું. 1990ના દાયકામાં તેમણે ગોદરેજ પ્રોપર્ટીઝની સ્થાપના કરી હતી. આ સાથે કંપનીએ રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું હતું. એક વર્ષ પછી, કંપનીએ ગોદરેજ એગ્રોવેટની સ્થાપના કરીને એગ્રી બિઝનેસમાં ઝંપલાવ્યું. આમ વર્ષ 1997માં ગોદરેજ ગ્રૂપે ઔદ્યોગિક સમૂહની સ્થાપનાના 100 વર્ષ પૂરા કર્યા હતા.





