Gold Record High And Silver Price Jumps : સોનું ખરીદવું દિવસને દિવસે મોંઘુ થઇ રહ્યું છે. સ્થાનિક બજારમાં સોનાના ભાવ નવી ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચ્યા છે. તો સોના પાછળ ચાંદી પણ ઉછળી છે. વૈશ્વિક બજારમાં સોનું 2126 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ ઓલટાઇમ હાઇ થયું હતું. જેની અસરે ભારતમાં પણ પીળી કિંમતી ધાતુના ભાવ આસમાને પહોંચ્યા છે. જાણો તમારા શહેરના સોના – ચાંદીના લેટેસ્ટ ભાવ
સોનું સર્વોચ્ચ શિખરે, 10 ગ્રામનો ભાવ 66,500 રૂપિયા
સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદના માણેકચોક ઝવેરી બજારમાં મંગળવારે 99.9 શુદ્ધ સોનાનો ભાવ 900 રૂપિયા વધીને 66500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. આગલા દિવસે 10 ગ્રામ સોનાનો ભાવ 65,500 રૂપિયા હતો. આ સાથે માત્ર જ દિવસમાં સોનું 2300 રૂપિયા મોંઘુ થયું છે.
આજે 99.5 શુદ્ધ સોનાનો ભાવ 66300 રૂપિાય પ્રતિ 10 ગ્રામ હતું, જ્યારે આગલા દિવસે ભાવ 65400 રૂપિયા હતો. નોંધનિય છે કે, 2 ડિસેમ્બર, 2023ના રોજ સ્થાનિક ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત 65,500 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી.
સોનાની જેમ ચાંદી પણ મોંઘી થઇ
સોનાની તેજી પાછળ ચાંદીમાં ચમકારો જોવા મળ્યો છે. મંગળવારે અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદી ચોરસાના ભાવમાં 2000 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. આ સાથે 1 કિગ્રા ચાંદીનો ભાવ 73000 રૂપિયા થયો હતો.
તમને જણાવી દઇયે કે, વર્ષ 2024માં અત્યાર સુધી સોનાના ભાવ 2.5 ટકા વધ્યા છે. તો વર્ષ 2023માં 5 ટકા અને વર્ષ 2022માં 1.5 ટકા વધ્યા હતા.

વૈશ્વિક બજારમાં પણ સોનું ઓલટાઇમ હાઇ
વૈશ્વિક બુલિયન બજારમાં પણ સોનું ઓલટાઇમ હાઇ થયું છે તેની સાથે સાથે ચાંદી પણ વધી છે. વર્લ્ડ માર્કેટમાં 4 માર્ચ, 2024ના રોજ સોનું 2126 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શ્યું હતું. એક મીડિયા રિપોર્ટ અનુસાર યુબીએસ ફર્મ બુલિયન માટે બુલિશ આઉટલૂક ધરાવે છે અને ચાલુ વર્ષના અંત સુધી સોનાનો ભાવ 2250 ડોલર થવાની અપેક્ષા છે. વર્લ્ડ માર્કેટમાં સિલ્વરના ભાવ પણ વધ્યા છે. આજે ચાંદી 23.88 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ ક્વોટ થઇ અને અંતે 23.09 ડોલર રહી હતી.
આ પણ વાંચો | મશરૂમ માંથી મળશે સોનું, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો; જાણો ભારતમાં આ મશરૂમ ક્યાં ઉગે છે ?
સોના – ચાંદીના ભાવ વધવાના કારણ
સોના અને ચાંદીના ભાવ વધવા પાછળ ઘણા કારણ જવાબદાર છે. યુએસ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સતત 16માં મહિને નકારાત્મક વૃદ્ધિ, યુએસ ફેડ દ્વારા રેટ કેટમાં વિલંબ, યુએસ ડોલર અને બોન્ડ યીલ્ડમાં ઘટાડાને કારણે બુલિયન સોના ચાંદી માટે સેફ હેવન માંગ વધી રહી છે. રશિયા – યુક્રેન જેવા ભૂરાજકીય પરિબળોએ કિંમતી ધાતુઓને મજબૂત ટેકો આપ્યો છે.





