Gold Silver Price Crash: સોનું સસ્તુ થયું છે સાથે સાથે ચાંદીની કિંમત ઘટી છે. છેલ્લા ત્રણ દિવસમાં સ્થાનિત બજારમાં પ્રતિ 10 ગ્રામ દીઠ સોનાની કિંમત 2000 રૂપિયા ઘટી છે. તો ચાંદી પણ 2000 રૂપિયા સસ્તી થઇ છે. સોનું ચાંદી કેમ ઘટી રહ્યા છે? આગામી સમયમાં કિંમત હજી ઘટવાની શક્યતા છે? અહીં તમારા મનમાં થઇ રહેલા પ્રશ્નોના જવાબ જાણો
સોનું 2000 રૂપિયા સસ્તું થયું
સોનું ચાંદી ઐતિહાસિક ટોચે પહોચ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી સતત ઘટી રહ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનું 1500 રૂપિયા ઘટ્યું છે. આ સાથે પ્રતિ 10 ગ્રામ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 75000 રૂપિયા થયો છે. જ્યારે 20 મે, 2024ના રોજ સોનાની કિંમત 77000 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. આમ છેલ્લા ત્રણ દિવસમાં સોનું રેકોર્ડ હાઇ લેવલથી 2000 રૂપિયા ઘટ્યું છે.
ચાંદીમાં 2000નો કડાકો
સોના પાછળ ચાંદી પણ સસ્તી થઇ છે. સ્થાનિક ઝવેરી બજારમાં આજે ચાંદીમાં 2000 રૂપિયાનો કડાકો બોલાયો છે. આમ 1 કિલો ચાંદીની કિંમત 91000 રૂપિયા થઇ છે. બે દિવસ અગાઉ ચાંદી એ 93000 રૂપિયાની ઐતિહાસિક ટોચ બનાવી હતી.

સોના ચાંદી કેમ તુટ્યા?
હકીકતમાં, આ મહિને યોજાયેલી યુએસ ફેડરલ રિઝર્વની બેઠક સોનાના ભાવમાં આ ઘટાડા માટે મુખ્યત્વે જવાબદાર માનવામાં આવી રહી છે. જોકે યુએસ ફેડની બેઠક 30 એપ્રિલથી 1 મે દરમિયાન યોજાઈ હતી. આ મિટિંગની મિનિટ્સ એટલે કે સમીક્ષા તાજેતરમાં જ જાહેર કરવામાં આવી છે. યુએસ ફેડ રિઝર્વની મિનિટ્સ અનુસાર, મિટિંગમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે છેલ્લા એક વર્ષમાં ફુગાવાનો દર ભલે થોડો ઓછો થયો હોય, પરંતુ તે હજુ પણ 2 ટકાના લક્ષ્યાંકથી દૂર છે અને ફુગાવાનો ટ્રેન્ડ અગાઉના અંદાજ કરતાં ઘણો વધારે છે. આટલું જ નહીં, બેઠકમાં હાજર રહેલા ઘણા લોકોએ એવો પણ સંકેત આપ્યો હતો કે જો જરૂર પડ્યે મોંઘવારી પર અંકુશ લાવવા માટે તેઓ નાણાકીય નીતિમાં વધુ કડક વલણ અપનાવવા તૈયાર છે. યુએસ ફેડની મીટિંગની આ મિનિટ્સ જાહેર થવાથી વ્યાજદર ઘટવાની આશા રાખનાર બજારના ખેલાડીઓ નિરાશ થયા છે.
યુએસ ફેડ રિઝર્વ બજારને નિરાશ કર્યું : નિષ્ણાત
LKP સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અને રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી અને કરન્સી) જતિન ત્રિવેદી કહે છે કે સોનાના ભાવમાં એક દિવસમાં 700 અને ત્રણ દિવસમાં રૂ. 2000 પ્રતિ 10 ગ્રામ દીઠ ઘટાડો મુખ્યત્વે ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટ્સનું પરિણામ છે. તેમના મતે, આ મિનિટો દર્શાવે છે કે યુએસ ફેડ વ્યાજદરમાં ઘટાડો કરવાની કોઈ ઉતાવળમાં નથી, કારણ કે ફુગાવાનું સ્તર હજુ પણ 2 ટકાના લક્ષ્યાંક ઝોનથી દૂર છે.

તેમનું માનવું છે કે યુએસ ફેડની મીટિંગની મિનિટ્સ જાહેર થવાને કારણે ડૉલર ઇન્ડેક્સ મજબૂત બન્યો અને સોના ચાંદી માં પ્રોફિટ બુકિંગ શરૂ થયું. જ્યારે અગાઉ વ્યાજદરમાં ઘટાડા અને ભૂ-રાજકીય તણાવની અપેક્ષાને કારણે સોનામાં તેજી જોવા મળી હતી અને તેની કિંમત 77000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ હતી. પરંતુ યુએસ ફેડની બેઠકની મિનિટોએ આ બધી આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ઉપરાંત ભૌગોલિક રાજકીય તણાવમાં ઘટાડાની અસર પણ સોનાના ભાવમાં ઘટાડા પર જોવા મળી છે.
આ પણ વાંચો | ઘર ખરીદવા માટે શ્રેષ્ઠ ઉંમર કઇ? કઇ બાબત ધ્યાનમાં રાખવી? વાંચો ખાસ રિપોર્ટ
વાયદા બજાર શું સંકેત આપે છે?
સોનાના વાયદા બજારમાં હાલના વલણો પણ ઘટાડાનો સંકેત આપી રહ્યા છે. ગુરુવારે સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં રૂ. 730થી વધુનો ઘટાડો નોંધાયો હતો. સટોડિયાઓ દ્વારા પોઝિશનમાં ઘટાડો થવાને કારણે આ ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર, જૂન ડિલિવરી માટે સોનાના કોન્ટ્રેક્ટનો દર રૂ. 731 ઘટીને રૂ. 72,315 પ્રતિ દસ ગ્રામ થયો હતો. જ્યારે બિઝનેસ ટર્નઓવર 7,956 લોટ હતા. માર્કેટ એક્સપર્ટસના મતે વાયદા બજારમાં સોનાના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારના નબળા સંકેતો છે. આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો ન્યૂયોર્કમાં સોનાની કિંમત 1.19 ટકા ઘટીને 2,387 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.





