Gold Silver Rate Today: સોનામાં તેજી વણથંભી છે અને ભાવ ઇતિહાસમાં પહેલીવાર ભાવ 87000 રૂપિયાની સપાટી કુદાવી ઓલટાઇમ હાઇ થયા છે. સોનાની સાથે સાથે ચાંદીમાં પણ ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બુલિયન બજારમાં તેજી અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાથી સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યાછે.
સોનું રેકોર્ડ હાઇ, ભાવ 87000 પાર
સોનાના ભાવ સતત રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચી રહ્યા છે. અમદાવાદના સ્થાનિક ઝવેરી બજારમાં બુધવારે સોનામાં 1500 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ ઇતિહાસમાં પહેલીવાર 87000 રૂપિયાની સપાટી કુદાવી 87300 રૂપિયા થયો છે. ગઇકાલે સોનાનો ભાવ 85800 રૂપિાયા હતો. 99.5 શુદ્ધ સોનાની કિંમત 87000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. વૈશ્વિક બજારમાં સોનું 2870 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ ઉપર બોલાઇ રહ્યું છે.
ચાંદીમાં 1500 રૂપિયાનો ઉછાળો
સોનામાં ઐતિહાસિક તેજી સાથે ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદના ઝવેરી બજારમાં બુધવારે ચાંદી 1500 રૂપિયા ઉછળી હતી. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 95000 રૂપિયા અને ચાંદી રુપું 94800 રૂપિયા થઇ હતી. આગલા દિવસે સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીની કિંત 93500 રૂપિયા પ્રતિ 1 કિલો હતી.
5 દિવસમાં સોનું 2300 રૂપિયા મોંઘું થયું
સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનાના 5 જ દિવસમાં સોનું 2300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે. તો 1 કિલો ચાંદી 2000 રૂપિયા મોંઘી થઇ છે. 31 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક બજારમાં સોનું 85000 રૂપિયા અને ચાંદી 93000 રૂપિયા હતી.
સોના ચાંદીના ભાવ વધવાના કારણ
- અમેરિકા તરફથી અન્ય દેશો સામે ટેરિફ અને ટ્રેડ વોર
- ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાથી સોના ચાંદીનો આયાત ખર્ચ વધી રહ્યો છે
- વૈશ્વિક બુલિયન બજારમાં સોના ચાંદીના ભાવમાં ઉછાળો
- યુએસ ડોલર ઇન્ડેક્સ વધવો
- અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડો
- વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા
- શેરબજારમાં નરમાઇ અને અસ્થિરતાનો માહોલ
- ભારતમાં લગ્નસરા દરમિયાન સોના ચાંદીની માંગ





